આસીફ કાદરી (નવજીવન ન્યુઝ.અમદાવાદ): તાજેતરમાં અમદાવાદની (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલે (Khyati Hospital) કડીના બોરીસણા ગામ ખાતે મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને જાળમાં ફસાવી કાંડ પાર પાડ્યું છે. ખ્યાતિ હોસ્પિટલનું કાંડ ખુલ્લું પડતા સામે આવ્યું હતું કે, PMJAY યોજનાના નાણા ગેરકાયદેસર રીતે હડપ કરવા દર્દીઓના જીવ સાથે ચેડા કરવાનો રીતસરનો ધંધો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. સાથે જ રાજ્યમાં વિવિધ સ્થળો પરથી અન્ય હોસ્પિટલો તરફ પણ શંકાસ્પદ કામગીરીના આરોપ સાથે આંગળી ચિંધવાનું શરુ થયું હતું. પરિણામે હવે રાજ્ય સરકાર સફાળી જાગી હોય તેમ કામગીરી કરતી જોવા મળી રહી છે. અને આ મામલે આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અધિકારીઓ સાથે મહત્વની બેઠક પણ બોલાવી હતી.
ખ્યાતિ હોસ્પટિલ વાળી રાજ્યમાં કોઈ બીજી હોસ્પિટલ ન કરે અને દર્દીઓ જીવ ન જોખમાય સાથે જ સરકારના નાણાનો વ્યય ન થાય તે મહત્વનું બન્યું છે. ત્યારે આજરોજ ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે અગ્ર સચિવ…. અને આરોગ્ય કમિશનર… સાથે મહત્વની બેઠક બોલાવી હતી. ચાર કલાક જેટલી ચાલેલી આ બેઠકમાં PMJAY યોજના પર કડક મોનિટરિંગ છતાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે બાબત પર જોર મુકવામાં આવ્યું હતું. આ બેઠક બાદ ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર PMJAY હેઠળ મેળવાતી સારવાર પર કડક મોનિટરિંગ માટે નવી SOP બનાવવા જઈ રહી છે. જેમાં દર્દીઓને ઈમરજન્સી સારવાર સમયસર અને મુશ્કેલી વગર મળી રહે તેની સાથે હોસ્પિટલોની કામગીરી પર ચાંપતી નજર રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
સાથે જ ઋષિકેશ પટેલે દર્દીઓ માટે કહ્યું હતું કે રાજ્યના નાગરિકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સાથે જ જિલ્લા કક્ષાએ CDHO દ્વારા PMJAY યોજનાનું કરવામાં આવતું મોનિટરિંગ વધારે મજબૂત કરવા સાથે તેને ગાંધીનગરથી પણ મોનિટર કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવશે. જેથી ફોર્મ ભરવાથી લઈ દર્દીની સારવાર અને પેમેન્ટ સુધીની તમામ જાણકારી પર સરકારની નજર રહેશે. પરિણામે સારી અને સરળતાથી સારવાર મળી રહેશે અને કૌભાંડો થતા પણ અટકશે.
આ નવી પોલીસી લાગુ થવાના સમય વિશે તેમણે જણાવ્યું છે કે ટૂંક જ સમયમાં નવી SOP તૈયાર થઈ જશે અને લાગુ કરી દેવામાં આવશે. ઉપરાંત આ પોલીસીમાં કોઈ પણ છીંડા ન રહી જાય તેની તકેદારી માટે SOP તૈયાર કરવામાં વધારે સમય લાગે તો પણ તૈયારી છે. આમ ઋષિકેશ પટેલના નિવેદન પરથી સમજી શકાય છે કે રાજ્યમાં PMJAY યોજના સાથે જોડાણ ધરાવતી હોસ્પિટલો પર લગામ કસવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796