Monday, April 20, 2026
HomeGujaratRajkotવધારો, વધારો, વધારો સાથેનું RMCનું રૂપિયા 2586.82 કરોડનું બજેટ રજૂ કરતા મનપા...

વધારો, વધારો, વધારો સાથેનું RMCનું રૂપિયા 2586.82 કરોડનું બજેટ રજૂ કરતા મનપા કમિશનર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા કમિશનર(RMC)અમિત અરોરાએ આજરોજ મનપાનું રૂપિયા 2586.82 કરોડનું બજેટ(RMC Budget)રજૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ(Rajkot )મનપાના પ્રસ્તાવિત બજેટને આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવિત બજેટમાં પ્રજા પર ઉંચો કરવેરો ઝિંકવામાં આવે તેવા સૂચનો છે, વળી આટલું ઘટતું હતું તો નવો પર્યાવરણ વેરો પણ ઉઘરાવવા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ કરબોજમાં રાહત આપે છે કે કેમ ?

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2023-2024નું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 2586 કરોડ કરતા વધારેનું દમદાર બજેટ સામાન્ય પ્રજા પર આર્થિક ભારણ વધારે તેમ જણાય છે. બજેટમાં પાણીના વેરામાં વધારો, મિલકત વેરામાં વધારો, અને નવો જ પર્યાવરણ વેરો પણ સૂચવવામાં આવ્યો છે. આમ પ્રજાને મનપાના તમામ કરવેરામાં વધારા સાથે જ નવા પર્યાવરણ વેરાની પણ ચૂકવણી કરવી પડશે. બજેટમાં મિલકત વેરામાં રેસીડેન્સીયલ માટે રૂપિયા 2 અને કોમર્શિયલ માટે રૂપિયા 3નો વધારો સૂચવવામાં આવ્યો છે. ઉપરાંત આ પ્રસ્તાવિત બજેટમાં પાણી વેરાને ત્રણ ગણો વધારવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આમ હાલનો રૂપિયા 840નો પાણી વેરો ત્રણ ગણો વધારી રેસીડેન્સી માટે પ્રતિમાસ રૂપિયા 200 લેખે રૂપિયા 2400 અને કોમર્શિયલ માટે રૂપિયા 4800 સુધી પહોંચી શકે છે.

- Advertisement -

સ્વચ્છતાની વાત કેન્દ્રમાં રાખી બજેટમાં નિર્મલ રાજકોટ અંતર્ગત જલ, વાયુ અને જમીનની સ્વચ્છતાની વાત કરવામાં આવી છે. બજેટમાં આ માટે રૂપિયા ગાર્બેજ કલેક્શન, મિલકત વેરો અને પાણી વેરો વધારી આંકડા સેટ કરવામાં આવ્યા છે. પાણી પાછળ ખર્ચાતા પૈસાની વાત કરતા રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અરોરાએ જણાવ્યું હતું કે, ‘પાણી પાછળ જ રૂપિયા 156 કરોડ ખર્ચાય છે અને તેની સામે પાણી વેરાની આવક માત્ર 27 ટકા જેટલી થાય છે.’ આમ ખાધના આંકડાને પોઝિટીવ તરફ લઈ જવાનો પ્રયાસ કરતા પ્રજા પર કર વધારો ઝિંકવાની તૈયારી થઈ હોય તેમ જણાય છે.

ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની વાત કરતા મનપા કમિશનર અરોરાએ જણાવ્યું હતું કે, રહેણાંક મિલકત ધારકો માટે વાર્ષિક રૂપિયા 730 ( રૂ. 2 પ્રતિ દિવસ) તેમજ બિનરહેણાંક માટે વાર્ષિક રૂપિયા 1460 (રૂ. 4 પ્રતિ દિવસ) અને ખુલ્લા પ્લોટ માટે 500 ચોરસ મીટર સુધી રૂપિયા 28 અને તેનાથી વધારે ક્ષેત્રફળના પ્લોટ માટે વાર્ષિક રૂપિયા 42 પ્રતિ ચોરસ મીટર તેમજ વાણિજ્ય હેતુ માટે ઉપયોગ થતો હોય તેવા પ્લોટ માટે વાર્ષિક રૂપિયા 56 પ્રતિ ચોરસ મીટર ચાર્જ વસૂલ કરવાનું સૂચન પણ આ બજેટમાં કરવામાં આવ્યું છે.

મનપા કમિશનરે રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટની મુખ્ય બાબતો

મિલકતવેરામાં કાર્પેટ દિઠ રૂપિયા 2 થી 4નો વધારો
પાણીવેરામાં રેસીડેન્શિયલમાં 3 ગણો, કોમર્શિયલમાં 4 ગણો વધારો
પર્યાવરણ (એન્વાયર્મેન્ટ)ના નામે નવો વેરો આવ્યો.
પાણીવેરો રહેણાંક : હાલ 840, સૂચિત 2400
પાણી વેરો કોમર્શિયલ : હાલ 1680, સૂચિત 4800
ગાર્બેજ કલેક્શન : હાલ 365, સૂચીત 730
ગાર્બેજ કલેક્શન કોમ. : હાલ 730, સૂચિત 1460
મિલકત વેરો રહેણાંક : હાલ 11, સૂચિત 13
મિલકત વેરો કોમ. : હાલ 22, સૂચિત 25 ( પ્રતિ ચો.મી )
પ્રથમ વખત પર્યાવરણ ચાર્જ : રહેણાંકને લાગુ નહિ પડે
મિલકત વેરા મારફતે રૂ. 340 કરોડના ટાર્ગેટની સામે અત્યાર સુધીમાં રૂ. 240 કરોડ વસૂલવામાં આવ્યા
વર્ષ 2023 – 2024 માટે મિલકત વેરાનો ટાર્ગેટ 471 કરોડનો રાખવામાં આવ્યો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular