નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: લોકસભા સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ મુસ્લિમીન(AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની ગાડી પર ફાયરિંગને લઈને ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં નિવેદન જાહેર કર્યું છે. તેમણે ગૃહને જણાવ્યું કે ઓવૈસીની સુરક્ષા પર ખતરાનું આકલન કરવામાં આવ્યું છે અને બુલેટ પ્રૂફ કારની સાથે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઓવૈસીએ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. શાહે કહ્યું, “હું તેમને ગૃહના માધ્યમથી સુરક્ષા લેવાની વિનંતી કરું છું. હું ગૃહમાં વિનંતી કરું છું, અસદુદ્દીન ઓવૈસીએ સુરક્ષા લેવી જ જોઇએ.”
ગૃહમાં નિવેદન જારી કરતા ગૃહમંત્રીએ કહ્યું કે, “3 ફેબ્રુઆરીએ જ્યારે ઓવૈસી દિલ્હી પરત ફરી રહ્યા હતા, ત્યારે ટોલ પ્લાઝા પાસે બે અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમની કારમાંથી ત્રણ ગોળીના નિશાન મળી આવ્યા હતા. આ કેસમાં ત્રણ સાક્ષીઓ છે. પીલખુવા ખાતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી બે પિસ્તોલ અને એક અલ્ટો કાર મળી આવી હતી. પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.” “ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે. કડક તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું છે. ઓવૈસીની હિલચાલ વિશે જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી ન હતી.”
ગયા અઠવાડિયે ગુરુવારે ઓવૈસી જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરીને દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કહ્યું છે કે, ઓવૈસી અને તેમના નાના ભાઈના નિવેદનોથી તેઓ ખૂબ જ નારાજ છે. ફેસબુક, ટ્વિટર, સોશિયલ મીડિયા પર તેઓ ઓવૈસીના ભાષણો સાંભળતા હતા અને તેમને ખૂબ જ નફરત કરતા હતા. આ બંને પાસેથી દેશી બનાવટની મુંગેર ટાઇપની પિસ્તોલ મળી આવી છે, જે તેમણે તાજેતરમાં જ કોઈની પાસેથી ખરીદી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












