નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં જાણીતા જ્વેલરી શો રૂમના કર્મચારીને ફિલ્મી સ્ટાઈલમાં ઘરે બોલાવીને પિતા-પુત્રીએ કરોડો રૂપિયાના દાગીના પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. કર્મચારીએ ઘટનાની તાત્કાલિક જાણ પોલીસને કરતાં ગણતરીના કલાકોમાં પુત્રીને દાગીના સાથે ઝડપી પાડવામાં આવી છે. જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે.
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી(TBZ) નામના શો રૂમમાં ગઇકાલે એક યુવતીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે તેમના શો રૂમની નિયમિત ગ્રાહક છે. તેને દાગીના ખરીદવા હોવાથી કર્મચારીને દાગીના જોવા માટે બજરંગનગરવાડી વિસ્તારના ઘરે આવવાનો આગ્રહ કર્યો હતો.
જ્વેલરી શો રૂમના મેનેજરને ફોન કરનારી બીલ્કીસ નામની યુવતીની વાતમાં આવીને 1.48 કરોડના દાગીના લઈને તે યુવતીએ જણાવેલા સરનામે પહોંચ્યો હતો. મેનેજર દાગીના લઈને ઘરે પહોંચી જતાં ફોન કરનાર યુવતી અને તેના પિતાએ દાગીનાની લૂંટ ચલાવીને કારમાં ફરાર થઈ ગયા હતા.
TBZ શોરૂમમાં મેનેજર વિશાલ લલિતભાઈ શુક્લએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર, મેનેજર જ્યારે દાગીનાનું બોક્સ લઈને યુવતીના ઘરે પહોંચ્યો હતો, ત્યારે યુવતી તેના હાથમાં રહેલું બોક્સ ઝૂંટવીને કારમાં ભાગી ગઈ હતી. આ દરમિયાન તેના પિતા અને કેનોન નામના વ્યક્તિએ ફરિયાદીને પકડી રહ્યો હતો. ત્યાર બાદ મેનેજરને ધક્કો મારીને ઘરની બહાર નીકળી ગયા હતા અને ઘરમાં તાળું મારીને ત્રણે આરોપી ક્રેટા કારમાં ભાગી ગયા હતા.
મેનેજર દાગીનાનું જે બોક્સ લઈને યુવતીના ઘરે ગયો હતો તેમાં સોનાની 12 બંગડી, 5 સેટ, 4 વીંટી, 3 ચેઇન, 2 મંગળસૂત્ર જેવા ઘરેણાં હતા, જેની કિંમત 97,34,267 થાય છે. ઉપરાંત બોક્સમાં રિયલ ડાયમંડના દાગીનામાં 9 વીંટી, 5 બ્રેસલેટ, 1 સેટ, 1 પેન્ડલસેટ હતું. જેની કિંમત 51,09,015 રૂપિયા થાય છે. કર્મચારી લુટાતા તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસને લૂંટની જાણ થતાં શહેરમાં નાકાબંધી કરીને કાળા કલરની ક્રેટા કારને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ શો રૂમમાં ફોન કરીને દાગીના મગાવનારી યુવતીની દાગીના સાથે ધરપકડ કરી છે. જ્યારે લૂંટમાં સાથ આપનારા પિતા હજુ પોલીસ પકડથી બહાર છે.








