નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે, છતાં પણ લોકો તેમાંથી બોધપાઠ લેતા નથી અને આવી છેતરપીંડીના ભોગ બનતા રહે છે. રાજકોટમાં (Rajkot) વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ મુશ્કેલીઓ દૂર કરવા માટે તાંત્રિકનો (Tantrik )સહારો લીધો અને મહિલા સાથે લખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ. આ અંગે મહિલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં (Bhakti Nagar Police Station) ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. અહિયાં નોંધનીય બાબત એ છે કે, મહિલાએ આ તાંત્રિકનો સંપર્ક એક સમાચાર મધ્યમમાં જાહેરાત જોઈને કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા ઘણાં સમયથી મુશ્કેલીમાં હતી. એક ન્યૂઝ ચેનલમાં તાંત્રિકની જાહેરાત આવતા તેણે મુશ્કેલી દૂર કરવા માટે તાંત્રિકના નંબર પર સંપર્ક કર્યો હતો. મહિલાએ પોતાની સમસ્યા તાંત્રિક જણાવતા પાખંડી તાંત્રિકે મહિલાને કહ્યું હતું કે, તમારામાં માનસિક અશાંતિ લાગી રહી છે, જેના માટે વિધિ કરવી પડશે. આમ અલગ-અલગ વિધિના નામે ટુકડે-ટુકડે 2.73 લાખ જેટલી રકમ પડાવી લીધા બાદ તાંત્રિકે મહિલાને કહ્યું હતું કે, હું કાલે ફરી વિધિ કરવા આવીશ. ત્યાર બાદ તાંત્રિક ફરાર થઈ ગયો હતો. મહિલાએ બીજા દિવસે ફોન કરતા તાંત્રિકનો ફોન સતત સ્વીચઓફ આવતો હતો. મહિલાને થોડો સમય બાદ છેંતરપિંડીનો અહેસાસ થતા તેણે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પાંખડી તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિકને પકડવા તપાસ શરૂ કરી હતી.
ભક્તિનગર પોલીસને ટેક્નિકલ સર્વેલન્સના અધારે તાંત્રિક રાજસ્થાનના પાલીમાં હોવાનું જણાવા મળ્યું હતું. તાંત્રિકનું લોકેશન મળતા જ ભક્તિનગર પોલીસની એક ટીમ પાલી જવા રવાના થઈ હતી અને તાંતરિકનો મોબાઈલ ટ્રેક કરી લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ તેને રાજકોટ લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં મુખ્ય ભૂમિકા એક સમાચાર માધ્યમની પણ કહેવાય. જેવી રીતે સમાચાર માધ્યમો પૈસા કમાવવાની લાલચમાં ગમે તેવી જાહેરાતો લઈ લે છે, તેના કારણે ઘણા લોકોને હેરાન થવાનો વારો આવે છે. મોટા ભાગના સમાચાર માધ્યમોમાં આ પ્રકારની અંધશ્રદ્ધાને સમર્થન કરતી જાહેરાતો આવતી હોય છે અને સમાચાર માધ્યમની વિશ્વસનીયતાના કારણે લોકો આ જાહેરાતો ઉપર પણ ભરોશો કરી લેતા હોય છે અને બાદમાં તેમની સાથે આવી રીતે છેતરપિંડી થઈ જાય છે. સમાચાર માધ્યમોએ કોઈ પણ પ્રકારની જાહેરાત લેતા પહેલા એક વાર પૈસાની લાલચ છોડીને લોકોનું હિત પણ વિચરવું જોઈએ.








