Rajkot dog owner arrested: રાજકોટના મવડી વિસ્તારમાં 29 સપ્ટેમ્બરે પાલતુ શ્વાન દ્વારા હુમલો કરાવ્યાના આક્ષેપ સાથે પોલીસે દીપ જાડેજાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ચાર વર્ષ જૂની અદાવતને કારણે હુમલો કરાવ્યાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે માલવીયા નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસમાં કિશન મેવાડા નામના યુવક પર દીપ જાડેજાએ પાલતુ શ્વાન દ્વારા હુમલો કરાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભોગ બનનારના જણાવ્યા મુજબ, મોબાઈલને લઈને ચાલતી ચાર વર્ષ જૂની અદાવત આ હુમલા પાછળનું કારણ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. CCTVમાં બનેલી ઘટનાના દૃશ્યો સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. 29 સપ્ટેમ્બરે નોંધાયેલી ફરિયાદના આધારે માલવીયા નગર પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન દીપ જાડેજાનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.
ભોગ બનનાર યુવકે એવો પણ દાવો કર્યો છે કે પાલતુ શ્વાનને હુમલો કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. જોકે, આ દાવો સાચો છે કે નહીં તે પોલીસ તપાસનો વિષય છે. CCTV ફૂટેજ, ભોગ બનનારનું નિવેદન અને ઘટનાસ્થળની અન્ય વિગતોના આધારે આ અંગેની હકીકત ચકાસવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ બાદ હુમલા પાછળનું ચોક્કસ કારણ શું હતું, શ્વાનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.








