નવજીવન ન્યૂઝ. રાજકોટઃ બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા હજી શાંત નથી થયા. ત્યાં દારૂ માફિયાઓ જાણે રાજ્યમાં ફરી સક્રિય થયા હોય તેવી ઘટના જેતપુરથી સામે આવી છે. જેમાં રાજકોટના જેતપુર સિટી પોલીસની (Jetpur City Police) સતર્કતાને કારણે મોટી ઘાત ટળી છે. જેતપુર સિટી પોલીસે દરોડો કરી વિપુલ માત્રામાં શંકાસ્પદ પ્રવાહી ઝડપી પાડ્યું છે, આ કેમિકલનો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે થવાનો હોવાનું હાલ પોલીસનું અનુમાન છે. પોલીસે આ કેમિકલની તપાસ માટે એફએસએલની ટીમની મદદ મેળવી કાર્યવાહી આરંભી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જેતપુર તાલુકાના જીવણપરા વિસ્તારમાંથી જેતપુર સિટી પોલીસે શંકાસ્પદ કેમીકલ ઝડપી પાડ્યું છે. પોલીસે કેમીકલ ભરેલા 15 જેટલા બેરલને જપ્ત કર્યા છે. શંકાસ્પદ કેમીકલ મળી આવતા તેની ખરાઈ કરવા માટે FSLની ટીમને પણ બોલાવામાં આવી હતી. FSLની ટીમે કેમિકલ ના સેમ્પલ લીધા હતા. કેમીકલ શું અને તેનો ઉપયોગ શા માટે થતો તે FSLના રિપોર્ટ બાદ જ બહાર આવી શકે છે. પરંતુ જો ખરેખર આ કેમિકલ દેશી દારૂ બનાવવાના ઉપયોગમાં લેવાનું કારસ્તાન હોત તો પોલીસની કામગીરીએ અસંખ્ય જીવ બચાવી લીધા તેમ કહી શકાય.

જથ્થો ઝડપાયો તે જગ્યા કોણે રાખી ભાડે ?
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આ કેમીકલ જે સ્થળેથી ઝડપાયું છે તે જગ્યા પર વિજય વેગડા નામનો બુટલેગર ભાડે જગ્યા રાખી હતી. જેના કારણે આ કેમીકલ દારૂના ઉપયોગમાં લેવાતું હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. હાલ સમગ્ર બાબતે જેતપુર સિટી પોલીસે જથ્થો કબ્જે લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. ત્યારે હવે FSLના રિપોર્ટ બાદ જોવાનું રહ્યુ કે કેમીકલનુ રહસ્ય શું હતુ. જેતપુર સિટી પોલીસે મોટી માત્રામાં શંકાસ્પદ કેમિકલ ઝડપી લેતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

દારૂમાં કેમિકલ શા માટે ભેળવાઈ છે ?
ઉલ્લેખનીય છે કે, બોટાદમાં ગત જુલાઈ મહિનામાં ઝેરી કેમીકલકાંડમાં 50થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. જેમાં 40 રૂપિયામાં ખરીદેલી દેશી દારૂની પોટલી પીવાના કરાણે અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. બોટાદના કેમિકલ કાંડમાં એફએસએલની તપાસમાં સામે આવ્યું હતું કે કેમીકલમાં સીધું પાણીમાં ભેળવી દેવાયુ હતુ. સામાન્ય રીતે દેશી દારૂ બનાવવાની પ્રક્રિયામાં 4થી 5 દિવસનો સમય લાગતો હોય છે. પરંતુ દેશી દારૂના માગને પહોંચી વળવા માટે બુટલેગર દ્વારા કેમીકલનો ઉપયોગ કરતાં હોય છે. જોકે કેમીકલની ભેળસેળ કરવામાં માપ ન રહે તો કેમીકલકાંડ જેવો બનાવ સામે આવે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








