નવજીવન ન્યૂઝ. રાજકોટઃ રાજકોટમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે દિકરાના કારણે માતા-પિતા ક્યાંય મોં બતાવવા જેવા નથી રહ્યા. આમ તો પોતાના બાળક પર દરેક માતા-પિતાને ગર્વ થતો હોય છે. પરંતુ કેટલીક વાર દિકરાઓ આડે રસ્તા પર વળી જતા માતા-પિતા માટે સરળ ચાલતું જીવન પણ ભારે પડી જતું હોય છે. રાજકોટમાં એક યુવાનને મહિલાઓની છેડતી કરતા ઝડપાયો હતો. જોકે પોલીસ તપાસમાં તેણે 100થી વધુ મહિલાઓની છેડતી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે દિકરાની આ હરકતથી પિતાએ પોતાની હૈયાવરાળ ઠાલવી છે.
માહિતી અનુસાર, રાજકોટના અક્ષર માર્ગના એપોર્ટમેન્ટમાં ગત 22 નવેમ્બરના વહેલી સવારે લિફ્ટમાં બુકાનીધારીએ એક વ્યક્તિ યોગા ટીચર સામે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. મહિલાની છેડતી બાદ મારમારીને ભાગી ગયો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા છેડતી કરનારો વ્યક્તિ કૌશલ રમેશ પીપળિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કૌશલે છેલ્લા બે વર્ષમાં 100થી વધુ યુવતી અને મહિલાઓની છેડતી કરી હતી. કૌશલ છેડતી કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ જતો હતો. કૌશલ રોજ વહેલી સવારે ઘરેથી નીકળીને થોડે દૂર પહોંચતા બાઈકની નબંર પ્લેટ કાપડથી ઢાંકી દેતો હતો અને મોઢે માસ્ક પહેલી લેતો હતો જેથી તેની ઓળખ કોઈ કરી શકે નહીં, ત્યારબાદ કૌશલ અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ, એસ્ટ્રોન સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, પંચવટી સોસાયટી સહિતના વિસ્તારમાં રાહદારી મહિલા અને યુવતીઓને પાછળથી અડપલા કરી નાસી જતો હતો. જે મહિલા અને યુવતીઓ કૌશલનીઆવી કરતૂતનો ભોગ બની છે તેમને ફરિયાદ કરવા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરએ અપીલ કરી છે.
કપાતર પુત્રની કરતૂત અંગે તેના પરિવારને જાણ થતા તેના માતા-પિતાને પણ આઘાત લાગ્યો હતો. કૌશલમાં પિતા રમેશ પીપળિયાએ જણાવ્યું હતું કે, મારા દિકરા સામે પોલીસ કાયદેસરની તમામ કાર્યવાહી કરે, તેને છોડાવવા માટે કોઈ મદદ કરવામાં નહીં આવે, મારો પુત્ર આખી જિંદગી જેલમાં રહે તો પણ હું રાજી છું, પુત્ર રોજ રાત્રે મોડો ઘરે આવતો હતો, મોડા આવવા અંગે વાત કરીએ તો મિત્રો સાથે બેઠો હોવાનું રટણ કરતો હતો, અગાઉ પુત્ર હથિયાર સહિતના બે ગુનામાં પોલીસે ઝડપ્યો હતો, તેને અવાર-નવાર ઠપકો આપવા છતાં કોઈ અસર થતી નહોતી, તેને ઘરમાંથી કેવી રીતે અલગ કરવો તેનુ વિચારતા હતા તે દરમિયાન જ તેની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. અમારે હવે પુત્ર સાથે કોઈ લેવા દેવા નથી, અમે જે જગ્યાએ રહીએ તે ફ્લેટનો દસ્તાવેજ કરવાનો પણ બાકી છે, પુત્રની હરકતો બહાર આવતા ફ્લેટના અન્ય લોકો ફ્લેટ ખાલી કરવા દબાણ કરી રહ્યા છે, પાર્કિંગમાં પડેલી મારી કારમાં કોઈએ નુકશાન કર્યું છે, મારા કપાતર પુત્રની હરકતોનો ભોગ અમે બની રહ્યા છે.
ફ્લેટના અન્ય રહીશોના જણાવ્યા અનુસાર, કૌશલ તેના પરિવાર સાથે બે વર્ષથી અહીંયા રહે છે, તે મોટી રાત્રે ઘરે આવે છે, એપાર્ટમેન્ટના પાર્કિંગ અને સીડીઓની લાઈટો પણ બંધ કરી દેતો હતો, કોઈ કાળા ધંધા કરવા માટે જ આવુ કરતો હોવાની શંકા છે, અગાઉ ચોથા માળે એક ટ્યુશન ક્લાસીસની એક છાત્રાની છેડતી કરવામાં આવી હતી, પરંતુ તે કોણે કરી હતી તે હજી સુધી બહાર નથી આવ્યું પરંતુ કૌશલનો ભાંડો ભૂટતા આ હરકત પણ તેણે જ કરી હોવાની શંકા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796