Thursday, June 25, 2026
HomeGujaratAhmedabadરાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાને સારવારમાં ચૂક બદલ બાળકોને 12 લાખનું...

રાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાને સારવારમાં ચૂક બદલ બાળકોને 12 લાખનું વળતર ચૂકવવા આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Rajkot News: રાજકોટની કલરવ હોસ્પિટલ (Kalrav Children Hospital) ના ડૉ. પ્રિતેશ પંડ્યા (Dr. Pritesh Pandya) ની મેડિકલ ચૂકના કારણે રાજકોટના બે બાળકોને જન્મતા વેંત અંધાપો આવવાના કેસમાં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાની મેડિકલ ચૂક હોવાનું સાબિત થતા કમિશને ફરિયાદી પક્ષ તરફે ચૂકાદો આપ્યો છે. કમિશને આ મામલે પીડિત બાળકો અને તેના વાલીને વળતર પેટે પ્રતિ બાળક રૂપિયા 12 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે.

માતા-પિતાની ખુશી પરેશાનીમાં ફેરવાઈ

ઘટનાની મળતી વિગતો અનુસાર વર્ષ 2013માં રાજકોટ (Rajkot) ના યોગેશ કોટકના પત્ની બીનાબેન કોટકે લગ્નના વર્ષો બાદ બે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. લાંબા સમયે ખુશીના સમાચાર મળતા કોટક પરિવાર ખુશ હોવા સાથે જ ચિંતામાં પણ હતો કારણે બંને બાળકો સમય કરતા વહેલા જનમ્યા હતા. રાજકોટની કલરવ હોસ્પિટલમાં બીનાબેનની વહેલી પ્રસુતી થતા બંને બાળકોને કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા દ્વારા સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ કોટક પરિવાર એ વાતથી અજાણ હતો કે તેમના બાળકો ડૉકટરની સારવારમાં ચૂકથી અંધાપા તરફ ધકેલાઈ રહ્યા છે. આ વાતથી અજાણ બંને બાળકોને કલરવ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ખુશખુશાલ કોટક દંપતિ બાળકો સાથે ઘરે જતું રહ્યું. દરમિયાન બાળકોની વધામણી કરવા યોગેશ કોટકના ડૉકટર મિત્ર આવ્યા અને તેમણે ચિંતા વયક્ત કરતા કહ્યું કે બાળકોને તાત્કાલીક આંખના ડૉકટરને બતાવવા જોઈએ કારણ કે આંખોમાં કંઈક તકલીફ હોય તેવું જણાય છે. અને ખરેખર આંખના ડૉકટર્સને બતાવતા બાળકોની આંખમાં ગંભીર સમસ્યા હોવાનું સામે આવતા કોટક પરિવાર બંને બાળકોના ભવિષ્યની ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારને બાળકોને રાજકોટ, અમદાવાદ અને ચેન્નાઈ સુધી જઈ આંખના સ્પેશ્યાલિસ્ટ ડૉકટર્સને બતાવતા જાણવા મળ્યું કે હવે સમય જતો રહ્યો છે અને આ સમસ્યા જન્મબાદ ડૉકટરની સારવારમાં થયેલી ચૂકના કારણે થઈ છે.

- Advertisement -

ડૉકટરે કહ્યું બધુ બરાબર છે

આ બાબતે કાયદાકીય રીતે ન્યાય મેળવવા પીડિત બાળકોના પિતા યોગેશ કોટકે જાન્યુઆરી 2014માં રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ધા નાખી હતી. તેમણે કમિશન સમક્ષ રાજકોટની કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યા વિરૂધ્ધ અરજી કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. 6 વર્ષ જેટલા સમય સુધી આ કેસમાં બંને પક્ષની દલીલો અને પુરાવાઓને આધારે કમિશને પીડિત પક્ષે ચૂકાદો આપતા કલરવ હોસ્પિટલના ડૉ. પ્રિતેશ પંડ્યાને પ્રત્યેક બાળક દિઠ રૂપિયા 12 લાખ ચૂકવવા માટે આદેશ કર્યો છે. કમિશન સમક્ષ થયેલી દલીલોમાં ફરિયાદી પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે પ્રિમેચ્યોર બાળકોના જન્મ થયા બાદ તેને ઈન્ક્યુબેટર/ વાર્મરમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં 22 જાન્યુઆરી 2013ના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. પરંતુ પ્રીમેચ્યોર બાળકોની સારવાર દરમિયાન કલરવ હોસ્પિટલમાં ડૉ. પ્રિતેશ પંડ્યાએ નવજાતની ટ્રીટમેન્ટ માટે કોઈ બાળકો માટેના ન્યુરો એક્સપર્ટ કે આંખના એક્સપર્ટને બોલાવી બાળકોની તપાસ કરાવવી જરૂરી હોવા છતાં આવું કર્યું નહીં. એટલું જ નહીં પરંતુ બાળકોના પરિવારે આંખમાં તકલીફ હોવાની શંકા વ્યક્ત કરી ફરી ચેકઅપ કરાવ્યું ત્યારે પણ ડૉકટરે બધુ બરાબર હોવાનું જણાવ્યું હતું.

હવે મોડું થઈ ગયું છે

બાદમાં પરિવારે બાળકોની આંખની દૃષ્ટી બાબતે શંકા હોય અમદાવાદ ખાતે આંખના ડૉકટરને બતાવતા તેમણે ગંભીરતા પારખી ચેન્નાઈ ખાતેની શંકરા નેત્રાલય હોસ્પિટલ ખાતે જવાની સલાહ આપી હતી. જ્યારે શંકરા નેત્રાલયમાં બાળકોની ડૉકટર્સ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ડૉકટર્સે સ્પષ્ટતા થઈ કે બાળકોની આંખમાં રેટીનોપથી ઑફ પ્રીમેચ્યોરીટી ડેવલોપ થઈ ગઈ છે. શંકરા નેત્રાલય બાદ બાળકોને ડૉ. મધુમિતા કૌલ પાસે તપાસ કરવા લઈ જવાતા તેમણે પણ ખુબ મોડું થઈ ગયું હોવાનું જણાવી ક્ષતી પકડી પાડી હતી. આ તમામ બાબતો કમિશન સમક્ષ રજૂ કરતા ફરિયાદી પક્ષે રજૂઆત કરવામાં આવતા કમિશને પીડિત બાળકોને વળતર ચૂકવવા માટે આદેશ કર્યો છે.

વ્યાજ સાથે વળતર ચૂકવવું પડશે

રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રિસાઈડિંગ મેમ્બરન આર.એન. મહેતના કોરમે ગત 15 ફેબ્રુઆરીના રોજ ડૉ. પ્રિતેશ પંડ્યા વિરૂધ્ધ ચૂકાદો આપતા જણાવ્યું છે કે, બંને બાળકોને રૂપિયા 12 લાખનું વળતર ચૂકવવામાં આવે. સાથે જ ફરિયાદીની ફરિયાદના દિવસથી આદેશ સુધીના સમયનું 10 ટકા લેખે વ્યાજ પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કમિશને આદેશમાં ટાંક્યુ છે કે, ચૂકાદના 60 દિવસમાં વળતર ચૂકવવામાં ચૂક થયે 1 મે 2023થી 12 ટકા લેખે વ્યાજની પણ ચૂકવણી કરવી પડશે.

- Advertisement -

શું કહે છે બાળકોના પિતા?

આ ચૂકાદા બાબતે બાળકોના પિતા યોગેશ કોટક સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, બાળકોના ભવિષ્ય અંધકારમયી બનતા હોય ચૂકાદામાં જણાવેલી રકમ ખુબ ઓછી છે તેમ જણાય છે. અમો હાલ કાયદાકીય સલાહ લઈ વધારે વળતર માટે કાર્યવાહી કરવાની વિચારણા કરી રહ્યા છીએ. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, તેમની દિકરી અને દિકરા બંનેની એક આંખમાં દૃષ્ટી શૂન્ય છે જ્યારે એક આંખમાં 30 ટકા જેવી દૃષ્ટી બચી છે. બંને બાળકોને અમે અભ્યાસ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ પણ સારી રીતે અભ્યાસમાં ધ્યાન આપી રહ્યા છે. પરંતુ બંને બાળકોના ભવિષ્યને લઈ અમે ખુબ ચિંતિત છીએ. ડૉકટરની બેદરકારીના કારણે અમે અને અમારા બંને બાળકો આજીવન સજા ભોગવવા મજબૂર બન્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular