નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટના જેતપુરમાં તાજેતરમાં કેનાલમાંથી એક સાધુનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહના હાથ પગ બાંધેલા હોવાથી હત્યા થઈ હોવાની આશંકા રહી હતી. ત્યારે આજે આ હત્યાનો ભેદ રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 4 માર્ચે જેતપુરના દાસીજીવણપરા પાસે આવેલી કેનાલમાંથી એક સાધુનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને નગર પાલિકાના ફાયર વિભાગની મદદથી કેનાલમાંથી બહાર કઢાયો હતો. જેતપુર સિટી પોલીસે અજાણ્યા આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાધુને ગળેટૂંપો આપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સાધુનું નામ રૂદ્રાનંદગીરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળના CCTV ચેક કરતાં સફેદ કલરની સ્વીફ્ટ કાર GJ-24-AA-0363 નજરે પડી હતી. આ કાર જયેશ ગૌરીશંકર દવેની હોવાની જણાતા જયેશની અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતા ગુનાનો ભેદ ઉકલાયો હતો અને અન્ય ત્રણ આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે જયેશ સહિત દર્શન રતિલાલ દેગામા, દિનેશ છગન ભાદાણી અને વિજય પરસોતમ વઘાસિયાને ઝડપી પડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં ચારે આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. વિજયને હૃદયની બીમારી હોવાથી તેણે આયુર્વેદિક દવા માટે રૂદ્રાનંદગીરી બાપુનો સંપર્ક કર્યો હતો. બાપુ સાથે પરિચયમાં આવ્યા બાદ વિજયે સાધુને શેરબજારમાં રોકાણ કરવા કહ્યું હતું. શેરબજારમાં રોકાણ માટે સાધુએ વિજયને રૂ. 2.50 લાખ આપ્યા હતા. ત્યાર બાદ વિજયે સાધુને માત્ર 50 હજાર પાછા આપ્યા હતા. જેથી સાધુએ બે લાખ માટે ઉઘરાણી શરૂ કરી હતી અને સાધુએ જયેશને અપમાનિત કરીને આશ્રમની બહાર કાઢી પણ મુક્યો હતો. વિજયે આ વાતને ધ્યાનમાં રાખીને સાધુની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.
![]() |
![]() |
![]() |











