નવજીવન ન્યૂઝ. જામનગર: જામનગરમાં ગ્રામ પંચાયતના બે સભ્ય લાંચ લેતા ACBના હાથે ઝડપાઇ ગયા છે. જામવંથલી ગ્રામ પંચાયતના બે પંચાયત સભ્યએ ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે 3 લાખની માગણી કરી હતી. જો કે લાંચિયા બાબુ ખીસું ગરમ કરવા જાય તે પહેલા જ ACBના હાથે ઝડપાઇ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, ફરિયાદીની કોન્ટ્રાકટ કંપની જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરે છે . આ કામ માટે ગ્રામ પંચાયતનું એન.ઓ.સી. આપવા માટે અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજા ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી)એ પોતાના અને સરપંચ/ઉપસરપંચના મળી ૨,૫૦,૦૦૦ રૂપિયાની ઉપરાંત નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયા, ગ્રામ પંચાયત સભ્ય (પદાધિકારી)એ ૫૦,૦૦૦ કુલ મળીને ૩,૦૦,૦૦૦ રૂપિયાની લાંચ માગી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરાવી હતી. ફરિયાદ આધારે જામનગર-રાજકોટ હાઈવે ધ્રોલ ગામ પાસે આવેલી હોટલ શિવશકિત નજીક લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન બન્ને આરોપીઓએ ફરિયાદી પાસેથી ૩,૦૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. પોતાના પદાધિકારી તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી પકડાઈ જતાં બન્ને આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |











