નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ૧ ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીઓ અને નોડલ અધિકારીઓ પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યા છે.
જે અનુસંધાને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓ માટેની આનુસંગિક વ્યવસ્થાઓને લઈને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ઓબ્ઝર્વર નોડલ અધિકારી એ.કે.સિંઘ અને અવનીબેન હરણના અધ્યક્ષ સ્થાને લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓના લાયઝન તરીકે નિયુક્ત થયેલાં તેમજ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. લાયઝન અધિકારીઓને એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓને ફાળવેલી બેઠકના રૂટ, મતદાર વિધાનસભા વિસ્તારની આંકડાકીય માહિતી, ભૌગોલિક પરિસ્થિતિ, ફરજ બજાવનાર અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવા સૂચન કર્યું હતું.
વધુમાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓ માટે ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલાં જરૂરી ફોર્મ વિશે સંપૂર્ણ અભ્યાસ કરી લેવા જણાવ્યું હતું. તેમજ સર્વે ફોર્મ યોગ્ય સમયે સ્ટેનોગ્રાફર મારફત ફિલઅપ થઈ જાય તેની કાળજી રાખવા કહ્યું હતું.