નવજીવન ન્યૂઝ. રાજકોટ: થોડા સમય અગાઉ ફરજી નામની વેબ સિરીઝ (Farzi Web Series)રિલીઝ થઈ હતી, જેમાં કેવી રીતે નકલી નોટ બનાવમાં આવે છે તેની પદ્ધતિ દર્શાવી હતી. પરંતુ ફિલ્મ અને વાસ્તાવિક્તા વચ્ચે અંતર હોય છે એ વાત ગુનેગારો ભૂલી જતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં (Rajkot) બન્યું અને પોલીસે નકલી નોટ છાપી બજારમાં ફરતી કરતા આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) નકલી નોટ છાપતા (printing fake notes) 3 આરોપીને રૂપિયા 23 લાખ કરતા વધારેની નકલી ચલણી નોટ (fake currency notes) સાથે ઝડપી લીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે સાધુ વાસવાણી રોડ અને મોરબી રોડ નજીક હોટલ રેડ રોઝ પાછળ મકાનમાં દરોડો કર્યો હતો. દરોડો કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમને હાથ નકલી નોટનું કારસ્તાન પકડાયું હતું. જેમાં આરોપી વિશાલ બાબુભાઈ ગઢીયા અને વિશાલ વસંતભાઈ બુદ્ધદેવ દ્વારા વિશાલ ગઢીયાની દુકાનમાંથી રૂપિયા 500ના દરની 200 નંગ નકલી નોટ મળી આવી હતી. આરોપીઓની પુછપરછ કરતા તેમણે કેફિયત આપી હતી કે આ નકલી નોટનો જથ્થો તેણે આરોપી નિકુંજ ભાલોડીયા પાસેથી મેળવ્યો છે. આમ પોલીસે આરોપીની કેફિયતના આધારે નિકુંજના મકાનમાં દરોડો કર્યો હતો.
પોલીસે નિકુંજ ભાલોડીયાના મકાનમાં દરોડો કરી તપાસ કરતા ત્યાંથી પણ મોટી સંખ્યામાં નકલી નોટનો જથ્થો પકડાયો હતો. પોલીસે જણાવ્યા અનુસાર નિકુંજના મકાનમાંથી રૂપિયા 500ના દરની કુલ 4622 નકલી નોટ જ્યારે રૂપિયા 100ના દરની 335 નંગ નકલી નોટ મળી આવી હતી. સાથે જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નકલી નોટ છાપવા માટે ઉપયોગમાં લેવાતા સ્કેનર, કોમ્પ્યુટર સહિતની સામગ્રી પણ નિકુંજના મકાનમાંથી કબ્જે કરી હતી. આમ નિકુંજના કબ્જામાંથી કુલ 23 લાખ 44 હજાર 500ની નકલી ચલણી નોટ મળી આવી હતી. આરોપી નિકુંજ આ નોટ કેવી રીતે બનાવતો હતો તેની પુછપરછ કરતા પોલીસને મહત્વની માહિતી સામે આવી હતી.
પોલીસે નકલી નોટના કારસ્તાનની તપાસ કરતા માહિતી ખુલી હતી કે આરોપીઓ અસલી ચલણી નોટ સ્કેન કરી જે.પી.જી. ફાઈલને ફોટોશોપમાં એડિટિંગ કરી કલર પ્રિન્ટર મારફતે પ્રિન્ટ કરી બજારમાં ફરતી કરતા હતા. સાથે જ માહિતી ખુલી હતી કે આરોપીઓ નાની રકમની નોટ છાપતા હતા જેથી બજારમાં સહેલાઈથી ફરતી કરી શકાય.
હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીઓ દ્વારા આ નોટ કોને-કોને આપવા આવતી હતી અને અન્ય કોઈ સ્થળે પણ સપ્લાઈ કરવામાં આવી હતી કે તેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








