મોહિત નામનો સખ્શ બાઈક પર દારૂની હેરાફેરી કરનાર ખેપિયાઓને રક્ષણ આપતો હોવાની બુટલેગરોની કબૂલાત
અરવલ્લી પોલીસની દારૂબંધીની કડક અમલવારીની હવા કાઢતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કાગળ પર હોવાના ઠેર ઠેર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં માંગો તે બ્રાન્ડનો વિદેશી દારૂ મળી રહે છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી નાના મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. બુટલેગરો સાથે અરવલ્લી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને અનેક કર્મીઓ ભાઈબંધી નિભાવવામાં નોકરી ગુમાવી ચૂક્યા છે. કેટલાક પોલીસ કર્મીઓ બુટલેગર બની લાઈનો ચલાવતા ઝડપાઈ ચૂક્યા છે. કેટલાક ભ્રષ્ટ કર્મી નોકરી પોલીસની અને વફાદારી બુટલેગરોની કરી રહ્યા હોવાનું જગજાહેર છે.
ઇસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રેલ્લાવાડા નજીક રાજસ્થાન રાજ્યને જોડતી સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો છે. દારૂની લાઈન ચાલતી હોવાની ચર્ચા વચ્ચે રાજસ્થાની બુટલેગરો અને દારૂના ઠેકાઓ પરથી હાઈસ્પીડ બાઈકો પર વિદેશી દારૂ ભરી વીરપુર ગામના માર્ગ પરથી બેફામ ઝડપે પસાર થતા અકસ્માતનો ભય સતત સ્થાનિક લોકો પર મંડરાઈ રહ્યો છે. રાહદારીઓ અને વાહન ચાલકો બુટલેગરોની હાઈસ્પીડ બાઈકોથી ત્રાહિમામ પોકારી ઉઠતા અને ઇસરી પોલીસ આંખ આડે કાન કરતા વીરપુર ગામના અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આખરે જાગૃત લોકોએ જનતા રેડની માફક સરહદ પરના માર્ગો પર વોચ ગોઠવી હતી અને દારૂની પેટીઓ ભરી ગુજરાતમાં પ્રવેશતા ચાર હાઈસ્પીડ બાઈકને અટકાવવાનો પ્રયાસ કરતા બે બાઈક હાથમાં આવી ગઈ હતી. લોકોએ બાઈક પાછળ વિદેશી દારૂ ભરેલી પેટીઓ સાથેનો વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં ગાંધીના ગુજરાતમાં દારૂ કઈ રીતે ઘૂસાડાય છે, તે અંગે પ્રશ્નો કરી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા હતા મોહિત નામનો સખ્શ બુટલેગરો ને રક્ષણ આપતો હોવાનો વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.
રાજસ્થાની અને સ્થાનિક જાગૃત નાગરિકોએ હાઈસ્પીડ બે બાઈક પર દારૂની ખેપ મારતા બુટલેગરોને દારૂની ખેપ અંગે પૂછતાં એક બુટલેગર બે દિવસ પહેલા દારૂની ખેપ મારી હોવાનું અને બીજો ખેપિયો પહેલીવાર દારૂની ખેપ મારતો હોવાનો એકરાર કરતા સ્થાનિક વ્યક્તિએ દરરોજ દારૂની ખેપ મારો છો કહી દારૂ કયા લઈ જવાતો હોવા અંગે પૂછતા મોડાસા લઈ જવામાં આવતો હતો અને ત્યાંથી લોકેશનના આધારે અન્ય સ્થળે ડિલિવરી આપવામાં આવતી હોવાનું અને મોહિત નામના સખ્શની રહેમ નજર હેઠળ દારૂ લઈ જતા હોવાનું જણાવ્યું હતું. હાઈસ્પીડ બાઈક પર દારૂની લાઈનનો જાગૃત નાગરિકોએ પર્દાફાશ કરતા ઇસરી સહિત જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચતા દોડતી થઈ હતી. જાગૃત નાગરિકોએ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની કડક દારૂબંધી અંગેની કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા હતા. જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી દરરોજ મોડી રાત્રે અને વહેલી પરોઢે લક્ઝુરિયસ કારમાં દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. પોલીસ બાતમીના આધારે કારમાં હેરાફેરી થતો વિદેશી દારૂ ઝડપી રહી છે. જો કે આ દારૂ દેશી કહેવાત મુજબ પાહેરામા પૂણી જેટલો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.
ઇસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રાજસ્થાન રાજ્યને અડીને આવેલ વિરુપુર ગામ નજીક સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી જનતા રેડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર પર મોટા સવાલ ઊભા થાય છે. જો જાહેર જનતાને ખબર પડતી હોય કે, આ માર્ગથી વિદેશી દારૂ હાઈસ્પીડ બાઈકો અને અન્ય વાહનો મારફતે અરવલ્લી સહિત ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યો છે,તો પોલીસને આ વિશે માહિતી કેમ નથી મળતી? જો સ્થાનિકો હાઈસ્પીડ બાઈક પર દારૂની ખેપનો પર્દાફાશ કરવા મજબૂર બન્યા ત્યાં સુધી ઇસરી અને જીલ્લા પોલીસ દારૂની ખેપ અંગે કેમ અંધારામાં રહી..? પોલીસ કેમ દારૂની હેરાફેરી પર અંકુશ નથી લગાવી શકતી..? વિદેશી દારૂ કોની દયા દ્રષ્ટિ હેઠળ રાજસ્થાનથી ગાંધીના ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે..? સ્થાનિકોની જનતા રેડથી દારૂબંધીને લઈને પોલીસ કાર્યવાહીને જોતાં લોકો તેમની પ્રામાણિકતા પર પણ પ્રશ્નો કરી રહ્યાં છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








