જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લામાં મંદિરોમાંથી ઘંટ ચોરીની વધતી ઘટનાઓ વચ્ચે મોડાસા ટાઉન પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે. કકરાઈ માતા મંદિર તથા પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી ઘંટ ચોરી કરનાર આરોપીને 26 ઘંટ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
તાંબા અને પિત્તળના ભાવમાં વધારાના કારણે મંદિરોમાં ઘંટ ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોવાનું સામે આવી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ વણઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ તંત્રને સઘન પેટ્રોલિંગ હાથ ધરવા તેમજ શંકાસ્પદ વાહનો અને ઇસમો પર કડક વોચ ગોઠવવાની સૂચના આપી હતી.
આ દરમિયાન મોડાસા ટાઉન પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન માલપુર રોડ પર આવેલા સાંઇ મંદિર નજીક બાઈક પર થેલામાં ઘંટ ભરેલા ઇસમને શંકાસ્પદ હાલતમાં પસાર થતા અટકાવ્યો હતો. પોલીસે થેલાની તપાસ કરતા અંદર મંદિરના ઘંટ અને તોડેલા ઘંટનો મોટો જથ્થો મળતાં પોલીસ ચોંકી ઉઠી હતી.
પોલીસે બાઈક ચાલકની ઓળખ વિષ્ણુ ફતા વાદી (રહે. પીપરાણા, તાલુકો માલપુર) તરીકે કરી હતી. શરૂઆતમાં તેણે ગોળમટોળ જવાબ આપ્યા હતા, પરંતુ આગવી ઢબે પૂછપરછ કરતા તેણે થેલામાં રહેલા ઘંટ ચોરીના હોવાનું કબૂલ્યું હતું.
આરોપીએ દધાલિયા ગામના કકરાઈ માતા મંદિર તથા પહાડપુરના જગદીશ્વર મહાદેવ મંદિરમાંથી કુલ 26 ઘંટ અને તૂટેલા ઘંટની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે રૂ. 60 હજારના મંદિરના ઘંટ અને બાઈક સહિત કુલ રૂ. 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મોડાસા ટાઉન પી.આઈ. ડી.બી. વાળા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી ટીંટોઈ અને મોડાસા ટાઉન પોલીસ વિસ્તારમાં નોંધાયેલા ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








