Rain will return to Gujarat after a long break : ચોમાસાની સિઝનમાં વરસાદે અતિ લાંબો વિરામ લેતાં ગુજરાતના અનેક તાલુકાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. હવામાન વિભાગે કરેલી આગાહી ગુજરાત (Gujarat Weather Forecast) ના ખેડૂતો માટે આશા સમાન બની છે. ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે.
ઉત્તર બંગાળની ખાડી અને તેની આસપાસના વિસ્તારોમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ બાદ 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડશે. દમણમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 13 સપ્ટેમ્બરના ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યેલો એલર્ટ રહેશે.
આગામી 14 અને 15 સપ્ટેમ્બરના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર રહેશે. 14 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. 15 સપ્ટેમ્બરના રોજ વરસાદનું મુખ્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર તરફ રહેશે. જેમાં પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, બોટાદમાં વરસાદી માહોલ રહેશે.








