નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકી નેટવર્કને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. પ્રતિબંધિત આતંકી સંગઠન અલ-બદ્રના મુખ્ય કમાન્ડરોમાં સામેલ અરજમંદ ગુલઝાર ઉર્ફે ‘બુરહાન હમઝા’ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઠાર મારાયો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો મુજબ, અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ અરજમંદ ગુલઝાર લાંબા સમયથી ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને દક્ષિણ કાશ્મીરમાં યુવાનોને કટ્ટરપંથી વિચારધારા તરફ ધકેલનારા મુખ્ય ચહેરાઓમાં તેની ગણના થતી હતી.
મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી અરજમંદ ગુલઝાર આશરે સાત વર્ષ પહેલા કાયદેસર દસ્તાવેજો દ્વારા પાકિસ્તાન ગયો હતો. ત્યાં તેણે અલ-બદ્ર આતંકી સંગઠન સાથે જોડાઈ તાલીમ લીધી હતી અને બાદમાં સંગઠનનો ઓપરેશનલ કમાન્ડર બન્યો હતો. પાકિસ્તાનમાં બેઠા બેઠા તે કાશ્મીરમાં આતંકીઓની ભરતી, ફંડિંગ અને હથિયારોની સપ્લાયનું નેટવર્ક સંચાલિત કરતો હતો.
ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેને લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ કર્યો હતો. ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2022માં તેને સત્તાવાર રીતે આતંકવાદી જાહેર કર્યો હતો. તેના પર પુલવામા અને દક્ષિણ કાશ્મીરમાં આતંક ફેલાવવો, યુવાનોને આતંકી સંગઠનોમાં જોડાવા પ્રેરવા અને આતંકી પ્રવૃત્તિઓ માટે આર્થિક મદદ એકત્ર કરવાની ગંભીર ભૂમિકાના આરોપો હતા.
પુલવામા વિસ્તાર લાંબા સમયથી આતંકી પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે. અહીંથી અનેક મોટા આતંકી ચહેરાઓ સામે આવ્યા હતા. અરજમંદ ગુલઝારને પણ સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્ક મારફતે યુવાનોને હથિયાર ઉઠાવવા પ્રેરિત કરનારા આ જ મોડલનો મહત્વનો ભાગ માનવામાં આવતો હતો.
સુરક્ષા એજન્સીઓના અનુસાર તેનો નેટવર્ક પુલવામા, શોપિયાં અને અવંતીપોરા વિસ્તારોમાં સક્રિય હતો. તેના પર આરોપ હતો કે પાકિસ્તાનમાં બેઠા બેઠા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) મારફતે હથિયારો, ફંડિંગ અને આતંકી સૂચનાઓ પહોંચાડતો હતો. અનેક કેસોમાં તેનું નામ વિસ્ફોટકોની સપ્લાય, ગ્રેનેડ હુમલા અને આતંકી ભરતી સાથે જોડાયું હતું.








