નવજીવન ન્યૂઝ, ભાવનગર : સ્પા અને મસાજ પાર્લરની આડમાં માત્ર ભાવનગર જ નહીં રાજ્યભરમાં દેહવ્યાપારનો ધંધો (Prostitution business under the guise of spa in Gujarat) ચાલી રહ્યો છે. કરોડો રૂપિયાની કમાણીવાળા આ ધંધામાં મોટા મોટા માથાઓએ પણ રોકાણ કર્યું છે. ભાવનગર શહેરમાં દેહવ્યાપારનો ધંધો ચલાવતા શબાના ફારૂકભાઈ થીમ નામની મહિલાએ અનૈતિક કમાણીમાંથી અંદાજે 80 લાખની મિલકત વસાવી છે. શબાના સામે બબ્બે ગુનાઓ નોંધાતા પોલીસે તેની મિલકત જપ્ત કરવા BNSS ની કલમ 107 હેઠળ રિપોર્ટ રજૂ કર્યો છે.
ભાવનગર પોલીસે (Bhavnagar Police) શહેરના બે અલગ-અલગ સ્થળો પર દરોડા પાડીને દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી કોમ્પલેક્ષમાં ચાલતા “આયુર થાઇ ફેમીલી સ્પા” અને શિવા બ્લેસીંગ બિલ્ડીંગમાં આવેલા “ક્રિસ્ટલ ફેમીલી સ્પા”નો સમાવેશ થાય છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી શબાનાએ વર્ષ 2022માં “આયુર થાઇ ફેમીલી સ્પા” વાળી દુકાન સૌ પ્રથમ ભાડે રાખીને આ વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારબાદ આ અનૈતિક ધંધામાંથી થયેલી કાળી કમાણીનો ઉપયોગ કરીને તેણે એ જ દુકાન ખરીદી લીધી હતી. આશરે 80 લાખ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદેસર આવકમાંથી ઊભી કરાઈ હોવાનું સાબિત થતાં પોલીસે નવા કાયદા મુજબ તેને ટાંચમાં લેવાની તજવીજ શરૂ કરી છે.








