કિરણ કાપૂરે (અમદાવાદ): કેન્દ્ર સરકારે પોર્ટમોર્ટમના પ્રોટોકોલમાં બદલાવ લાવીને એ નિર્દેશિત કર્યું છે કે હવે શવનું પોસ્ટમોર્ટમ દિવસમાં કોઈ પણ સમય થઈ શકશે. અત્યાર સુધીની પ્રણાલી મુજબ પોસ્ટમોર્ટમ સૂર્યાસ્ત બાદ હાથ ધરવામાં આવતા નહોતા. અગાઉ આમ ન થવાનું કારણ પૂરતો કુદરતી પ્રકાશનો અભાવ હતો; પણ પછીથી કૃત્રિમ પ્રકાશની ઉપલબ્ધતા છતા પોસ્ટમોર્ટમ સાંજ ઢળ્યા પછી કરવામાં આવતાં નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ કરવું નહીં તેવું કાયદામાં ક્યાંય નથી, તેમ છતાં તેનું અનુસરણ થતું. મેડિકલ જેવાં ક્ષેત્રમાં જ્યાં તર્કબદ્ધ વિચારને અવકાશ હોય ત્યાં પણ આ પ્રકારની ઢબ વર્ષોથી ચાલતી હતી. જોકે હવે અનેક મેડિકલ નિષ્ણાતોના રજૂઆતના પગલે દિવસના કોઈ પણ સમયે પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો છે.

સામાન્ય રીતે પોસ્ટમોર્ટમ અકસ્માતે મૃત્યુના કિસ્સામાં અથવા તો જે મૃત્યુ ગુનાહિત ક્ષેત્રમાં આવતું હોય તે શવોનું પોસ્ટમોર્ટમ થાય છે. અકસ્માતે થયેલાં મૃત્યુના કારણ જાણવાનું મેડિકલ વ્યવસાયનું કાર્ય છે. કોરોનાકાળ દરમિયાન આવા પોસ્ટમોર્ટમ કરીને જ વાઇરસ શરીરના કયા અંગને નુકસાન કરે છે તે માહિતી મેળવવામાં આવી હતી. આ સિવાય શંકાસ્પદ કે ગુનાહિત કિસ્સામાં થતાં મૃત્યુમાં પણ શવનું પરીક્ષણ થાય છે. ગુનાના સંદર્ભે જ્યારે શવપરીક્ષણ થાય ત્યારે તે આરોપ સાબિત કરવા માટે સૌથી ઠોસ પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. હાલમાં વડોદરા અપમૃત્યુના કિસ્સામાં પણ પોસ્ટમોર્ટમ થકી જ યુવતિના મોતનું કારણ જાણવા મળ્યું છે.
પોસ્ટમોર્ટમ જાણીતો શબ્દ છે અને તેની પ્રક્રિયા પણ લોકોના માનસપટલ પર સ્પષ્ટ છે. આપણી આસપાસના ગુનાઓમાં અને ફિલ્મોમાં પોસ્ટમોર્ટમનો ઉલ્લેખ આપણે એટલી જોયો છે કે તેમાં શું થાય છે તેની પ્રાથમિક વિગત સૌને ખબર છે. જોકે આ સામાન્ય જાણકારી છતાંય અત્યાર સુધી સૂર્યાસ્ત બાદ પોસ્ટમોર્ટમ થતાં નહીં તે વિશે જૂજ લોકોને માહિતી હતી. પોસ્ટમોર્ટમ કરવાનું કાર્ય પેથોલોજિસ્ટ કરે છે જેઓને મેડિકલ એક્ઝામિનર અથવા તો કોરોનોરથી ઓળખવામાં આવે છે. કોઈ પણ સમયે પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવાયો છે તો તે કેમ અગત્યનો બને છે? આપણા દેશની વાત કરીએ તો ન્યાય મોડો મળે તે વાત સામાન્ય છે અને તેમાં સિસ્ટમની અનેક કડીઓ ભાગ ભજવે છે, પણ જ્યાં કોઈ ટેક્નિકલ મુદ્દો આવે છે ત્યારે તો ન્યાય ઝંખનારાઓ માટે મુસિબત મોટી બને છે. કોઈ મેડિકલ બાબતમાં વિલંબ થાય તો તેમાં ન્યાય ઝંખનારને કોઈ માર્ગ દેખાતો નથી. પોસ્ટમોર્ટમ મેડિકલ મુદ્દો છે, અને ત્યાં આ રીતે કારણ વિના થતાં વિલંબ દૂર કરવાનું કાર્ય કેન્દ્ર સરકારે કર્યું છે. જેઓએ હાલમાં રિલિઝ થયેલું ‘જય ભીમ’ જોયું હશે તેઓને તો પોસ્ટમોર્ટમનું મહત્ત્વ સુપેરે સમજાય એવું છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયનું આ અંગે આવેલાં નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સૂર્યાસ્ત પછી શવનું પોસ્ટમોર્ટમ કરવાની કોઈ કાનૂની બાધતા નહોતી, પરંતુ દિવસના અજવાળામાં પોસ્ટમોર્ટમ કરવાની પરંપરાના કારણે અનેકવાર પ્રક્રિયામાં વિલંબ થતો. વિશેષ કરીને આ બહાનું બનાવી નાના શહેરમાં સમયસરના પોસ્ટમોર્ટમ ટાળવામાં આવતાં હતાં. નવીન નિર્દેશ મુજબ મૃતકોના પરિવારજનોની સ્થિતિ બદલાશે અને તેઓને શવ મેળવવા માટે લાંબા સમય વાટ જોવી પડતી હતી તેમાં રાહત મળશે. તદ્ઉપરાંત અંગદાન કાર્યક્રમમાં પણ તેની હકારાત્મક અસર થવાની શક્યતા છે.
આ પૂરી વિગત સરકારે જ્યારે મીડિયા સમક્ષ મૂકી ત્યારે તેમાં જે અગત્યની વાત એ કહી કે સરકારી પ્રક્રિયાઓના કારણે પડનારાં બોઝને ઘટાડીને જીવન જીવવું વધુ સરળ થાય તે અર્થે આ નિર્ણય લેવાયો છે. નિવેદનમાં એ પણ કહેવાયું છે કે, નવી પ્રક્રિયા દ્વારા અંગદાન અને પ્રત્યારોપણને પણ પ્રોત્સાહન મળશે, અને તેમાં શબનું પરીક્ષણ થયા બાદ તુરંત તેના અંગોનો ઉપયોગ થઈ શકશે.
આ સાથે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે, જેમ કે જ્યાં હત્યા, આત્મહત્યા, બળાત્કારની શંકાના આરોપ છે અથવા તો શવની સ્થિતિ સારી નથી અથવા તો કોઈ ગરબડ થઈ છે તેની શંકા હોય ત્યારે શવોની તપાસ અચૂકપણે દિવસના અજવાળામાં થવી જોઈએ – તેવું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. પરંતુ આ મુદ્દાને લઈને પણ એક અપવાદ રાખવામાં આવ્યો છે કે જો કાયદોવ્યવસ્થાની સ્થિતિ નાજૂક હોય તો આ પ્રક્રિયામાં ગતિ લાવી શકાય. ટૂંકમાં સંજોગાવશત્ દિવસનો સમય પૂર્ણ થયા બાદ પણ પોસ્ટમોર્ટમ થઈ શકે છે.
હવે આ દિવસનો પ્રકાશ અત્યાર સુધીનો મામલો શો હતો જે કારણે પોસ્ટમોર્ટ દિવસના અજવાળામાં કરવાની પ્રથા પડી. પોસ્ટમોર્ટમના કિસ્સામાં કુદરતી પ્રકાશ અગત્યનો એ રીતે છે કે શવને થયેલી આંતરિક ઇજા કે આંતરિક અંગોના રંગથી મૃત્યુના કારણની માહિતી વધુ સટીક રીતે મળી શકે છે. ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર આ વિશેનો એક સરસ આર્ટીકલ છે અને તેમાં સંદર્ભ તરીકે પુનાના ‘ડિફેન્સ મેડિકલ કોલેજ’ના ફોરેન્સિક મેડિસિન વિભાગના પ્રમુખ રહેનારા ડો. આર.બી. કોટાબાગીનું નામ ટાંક્યું છે. ડો. કોટાબાગીએ મેડિકલ જર્નલના એક પેપરમાં લખ્યું છે કે, પૂરતી ઠંડક આપે તેવું કોલ્ડ સ્ટોરેજ અને સજ્જ શવ પરીક્ષણ એક પાયાની જરૂરીયાત છે. તેઓ આગળ લખે છે કે, ઓટોપ્સી રૂમમાં યોગ્ય કુદરતી પ્રકાશ, એગ્ઝોટ વેટિંલેશન, ફ્લાઈ-પ્રૂફીંગ, પાણીની સતત સપ્લાય, સારી ડ્રેનજ વ્યવસ્થા સાથે સેન્ટ્રલ ડ્રેનેજ ધરાવનારી ઓટોપ્સી ટેબલ હોવું જોઈએ. કુદરતી પ્રકાશ સૌથી યોગ્ય એ માટે છે કારણ કે તેમાં અલગ અલગ રંગોને સારી રીતે જોઈ-સમજી શકાય છે. એટલે એક નિયમની રીતે આર્ટિફીશીયલ રોશનીમાં શબ પરીક્ષણ થતું નહોતું.
જોકે હવે સમય બદલાયો છે તેમ નિયમ બદલાયા છે અને તે માટે ‘ધ પ્રિન્ટ’માં એમ્સના પૂર્વ નિર્દેશક અને ફોરેન્સિક મેડિસિનના વિશેષજ્ઞ ડો. ટી. ડી. ડોગરાએ જણાવ્યા મુજબ આ પૂરી પ્રથાની શરૂઆત બ્રિટિશ શાસનકાળ દરમિયાન થઈ હતી. તેમણે કહ્યું છે કે, ઓટોપ્સી 1860ના દાયકાની આસપાસ શરૂ થઈ હતી. તે વખતે કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા નહોતી એટલે સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમ ન થતા. ડો. ડોગરા કહે છે કે કોઈ પણ ઇજાને સમજવા અર્થે કુદરતી પ્રકાશ અગત્યનો ભાગ ભજવે છે પણ એય સમજવું જોઈએ કે આવો કોઈ આદેશ નહોતો. આ જાણે પરંપરા ચાલી આવતી હતી. ડો. ડોગરાએ ઓટોપ્સી ખંડમાં આર્ટિફિશિયલ પ્રકાશના સંબંધમાં પોતાના જ એક રિસર્ચ પેપરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમનું રિસર્ચ 1984માં ‘જર્નલ ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’માં પ્રકાશિત થયું હતું. આ પેપરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમના મેજ પર 150 લુમેનની રોશની પૂરતી છે. તેમણે એ સુદ્ધા કહ્યું કે દિલ્હી સ્થિત એમ્સમાં 2000ના વર્ષ સુધી પોસ્ટમોર્ટમ આર્ટિફિશિયલ પ્રકાશના તળે એક ખંડેર જેવાં લાગતાં મકાનમાં કરવામાં આવતું હતું. તેમણે ત્યાં સુધી કહ્યું કે એમ્સમાં 1971થી કૃત્રિમ પ્રકાશમાં પોસ્ટમોર્ટ થવું સામાન્ય બાબત છે. એવું ગુજરાત, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં પણ મોટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં ઘણી વેળાએ સમયનો બાદ્ય રાખવામાં આવતો નથી.
પોસ્ટમોર્ટમ કોઈ પણ સમયે થવું જોઈએ તે નિર્ણયને તમામ મેડિકલ નિષ્ણાતોએ આવકાર્યો નથી. જેમ કે નાગપુરના ‘ડિરેક્ટરોટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’(ડિએમઈઆર) નામની સંસ્થાએ તેનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે અમારા ત્યાં સ્ટાફ અપૂરતો છે અને સાધનોની પણ કમી છે. આવા કિસ્સામાં પૂરા દિવસભર જો પોસ્ટમોર્ટમ કરવાનું ભારણ નાંખવામાં આવે તો તેનાં પરિણામમાં મર્યાદા આવવાની શક્યતા વધી જાય છે. ઉપરાંત ‘ડિએમઈઆર’ના પ્રોફેસર એવું સુદ્ધા જણાવે છે કે ફોરેન્સિક એક્ઝામિનને લગતાં સંદર્ભ પુસ્તકો તો હજુ પણ દિવસના અજવાળાને પોસ્ટમોર્ટમ માટે યોગ્ય ગણાવે છે. આ સંસ્થાના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના વડા ડો. પ્રદિપ દિક્ષિત કહે છે કે, દિલ્હી સ્થિત એમ્સમાં પણ સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમ કરવાની મનાઈ છે. આ રીતે ડો. ડોગરા અને ડો. પ્રદિપ દિક્ષિતને એમ્સમાં જ થતાં પોસ્ટમોર્ટમને લઈને જુદા જુદા મત છે.
હા, એટલું ચોક્કસ કે સમયસર પોસ્ટમોર્ટમ થાય તો તેનો લાભ અંગદાનમાં થશે. દેશમાં મૃત્યુ પ્રમાણ વધ્યું હોવા છતાં અંગદાન થતું નથી અથવા તો તેની પ્રક્રિયા આંટીઘૂંટીવાળી બની જાય છે. સરકારે પોસ્ટમોર્ટમના કિસ્સામાં નિર્ણય લઈ લીધો છે, હવે તેનો અમલ કેવી રીતે થાય છે અને તે ખરેખર લોકોના લાભમાં રહેશે કે નહીં તે જોવાનું છે.








