નવજીવન ન્યૂઝ અમદાવાદ : ગુજરાત રાજ્યની ચૌદમી વિધાનસભાની ચૂંટણીની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. લગભગ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP) સહિત તમામ રાજકીય પક્ષ પોતપોતાના સ્ટાર પ્રચારકો સાથે પ્રચારના કામમાં વ્યસ્ત છે. પક્ષના પ્રચારના ભાગરૂપે વડાપ્રધાન મોદી (PM Modi) પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે સવારે લગભગ સવા દસ વાગ્યે પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પૂજા કરીને તેમની આગામી સભાઓના શ્રીગણેશ કર્યા. જોકે સોમનાથ મંદિર (Somnath Temple) સાથે નરેન્દ્ર મોદીનો સંબંધ બહુ જૂનો છે. એક માન્યતા એવી પણ છે કે, મોદીની રાજકીય કારકિર્દીનો ઉદય પણ અહીંથી જ થયો છે. તો આપણે નજર કરીએ એ સંબંધ પર.
1990માં જ્યારે રામ જન્મભૂમિને લઈને આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે એ સમયના ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણીએ આંદોલનને અલગ જ વળાંક આપ્યો. જે ભાજપના, ગુજરાતના અને દેશના રાજકારણમાં નોંધનીય ઘટના હતી. એ વખતે અડવાણીએ એક રથયાત્રાનું આયોજન કર્યું હતું જેના સંયોજક આમ તો પ્રમોદ મહાજન હતા. પરંતુ યાત્રાની સમગ્ર જવાબદારી ભાજપના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીને સોંપવામાં આવી હતી. કારણ કે, વર્ષો સુધી RSSમાં સેવક અને પ્રચારક રહ્યા હોવાના કારણે નરેન્દ્ર મોદી જાણતા હતા કે, સોમનાથ મંદિરનું રાજકારણમાં કેટલું મહત્ત્વ છે અને આ યાત્રાની શરૂઆત નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરથી કરી હતી.
આ રથયાત્રા પછી ગુજરાતના નાગરિકો ભારતીય જનતા પાર્ટી સાથે એક ધાર્મિક કહી શકાય તેવી લાગણીથી જોડાયા. જે લાગણી ચૂંટણી વખતે વોટમાં પરિણમી અને ભાજપે ગુજરાત રાજ્યમાં સત્તા મેળવી. જોકે સત્તા મેળવ્યા બાદ પણ પાર્ટીમાં આંતરિક મતભેદ ચાલુ રહ્યા અને ભાજપના હાઈકમાન્ડ અને અટલ બિહારી વાજપેયીએ નરેન્દ્ર મોદીને ગુજરાતની જવાબદારી સોંપી. પછી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા અને વડાપ્રધાન પણ.

1990ની રથયાત્રાથી જ નરેન્દ્ર મોદીને સોમનાથ મંદિરનું રાજકારણમાં મહત્ત્વ સમજાઈ ગયું હતું. વર્ષો પહેલા તેમણે સોમનાથ મંદિરના વિકાસ માટે માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો અને તેનો અત્યારે અમલ પણ કરી રહ્યા છે.
એ જ પ્લાનના ભાગરૂપે તાજેતરમાં ‘સોમનાથ સમુદ્ર દર્શ વોક વે’, ‘સોમનાથ પ્રદર્શન કેન્દ્ર’ અને ‘અહલ્યાબાઈ હોલકર મંદિર પરિસર’ના રિનોવેશન પ્રોજેકટ પણ શરૂ કરવામાં આવ્યા. સાથે સાથે સોમનાથ મંદિરની સામેની જગ્યામાં ત્રીસ કરોડના ખર્ચે પાર્વતી દેવીનું મંદિર બનાવવાની જાહેરાત કરી. 18891 ચોરસ ફૂટના આ મંદિરમાં લગભગ 66 સ્તંભ હશે. અને સફેદ પથ્થરોથી લગભગ 71 ફૂટ ઊંચું મંદિર બનશે. જેનું ભૂમિપૂજન કરીને હાલ મંદિર બનાવવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે.
જો ગુજરાતની 182 વિધાન સભાના ગાણિતિક સમીકરણ તપાસીએ તો એક એવો ખ્યાલ બાંધી શકાય કે, સૌરાષ્ટ્રની કુલ 53 બેઠકમાંથી જે પાર્ટીને સૌથી વધુ બેઠકો મળે તે આસાનીથી રાજ્યમાં સરકાર બનાવી શકે. જોકે 1990થી અત્યાર સુધી તો ભારતીય જનતા પાર્ટી જ આ લાભ મેળવી રહી છે. કદાચ આ જ કારણે નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ચાર ચાર સભાઓ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરના ટ્રસ્ટના આઠમાં અધ્યક્ષ છે. જોકે અગાઉ પણ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ આ મંદિરના ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() | ![]() | ![]() |