કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): 8 માર્ચના રોજ ‘મહિલા આંતરરાષ્ટ્રિય દિવસ’ ઉજવાય છે અને આ નિમિત્તે ગુજરાતીમાં ઇલા ભટ્ટનાં (Ela Bhatt) વ્યાખ્યાનોનો સંગ્રહનું પુસ્તક ખાસ વાંચવા જેવું છે. પુસ્તકનું નામ છે : ‘મહિલાઓ, કામ અને શાંતિ’. ‘સેવા’[સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસોશિએશન] સંસ્થાના સ્થાપક ઇલા ભટ્ટનું અવસાન 2 નવેમ્બર 2022ના રોજ થયું; અને તે પછી જૂન, 2023માં આ પુસ્તકનું પ્રકાશન ગુજરાતીમાં થયું છે. પુસ્તકનો અનુવાદ હેમન્તકુમાર શાહે કર્યો છે. મૂળે અંગ્રેજીમાં ‘Women Work And Peace’ એ નામે પ્રકાશિત થયેલાં આ પુસ્તકનાં સંપાદક માર્ગી શાસ્ત્રી છે. આ પુસ્તકને ઇલાબહેનનાં જીવનકાર્ય-વિચારનાં નિચોડ તરીકે જોઈ શકાય. સામાન્ય રીતે ન જોવા મળે તે રીતે આ પુસ્તક ડિઝાઇન થયું છે, તેમાં ઇલાબહેનનાં ચુનંદા વક્તવ્ય છે. તદ્ઉપરાંત, તે વક્તવ્યોની આગળ એક પાનાં પર તેનો સારાંશ આપી દેવામાં આવ્યો છે; અને તે વક્તવ્ય પછી તે વિષય સંદર્ભે સંપાદક માર્ગ શાસ્ત્રીને જે પ્રશ્નો થયા હોય, તેનાં જવાબો અહીં ઇલાબહેનને પૂછીને વક્તવ્ય પછી આપવામાં આવ્યા છે. મતલબ, કે સમય-સંજોગો અનુસાર વક્તવ્યમાં જે મુદ્દા રહી ગયા હોય તે સંપાદકે પોતાના પ્રશ્નોથી તેને સમાવી લીધા છે. એ રીતે પુસ્તક અદ્વિતિય બન્યું છે. ખાસ કરીને તો ‘આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ’ આવી રહ્યો છે ત્યારે આ પુસ્તક વધુ ને વધુ મહિલાઓ સુધી પહોંચવું જોઈએ.

‘સેવા’ સાથે સંકળાયેલા રેનાના ઝાબવાલા પુસ્તકનાં ઉદ્ઘોષમાં લખે છે : ‘ઇલાબહેન કેટલાક વ્યાપક ખ્યાલા સાથે પ્રતિબદ્ધ છે. તેઓ જગતમાં શાંતિ અને એખલાસ લાવવાનું કેટલું મહત્ત્વનું છે – તેમાં માને છે, તેઓ અન્યાય સામેની અહિંસક લડતમાં માને છે, તેઓ સંસાધનોની વધુ પડતી વપરાશના જવાબમાં સાદગીમાં માને છે, તેઓ જીવનના માર્ગ તરીકે કામ(work)માં માને છે. તેઓ તેમની આ માન્યતાઓ સાથે પોતાનું અંગત જીવન જીવે છે અને કામ કરે છે.’ આગળ રેનાના લખાણમાં પુસ્તકની ભૂમિકા વધુ સ્પષ્ટ થાય છે : “ઇલાબહેન ગરીબ મહિલાઓના જીવનમાં પોતાની જાતને ઓગાળી દે છે અને તેમને સંગઠિત કરવા કામ કરે છે. તેમની જિંદગી બદલવા માટે તેમની સાથે કામ કરે છે, સત્તાવાળાઓ તેમની માનસિકતા બદલે તે માટે તેમને મળે છે ત્યારે આ માન્યતાઓ તેમનું નક્કર જીવન બને છે. આ પ્રક્રિયામાં આ વિચારો અને ખ્યાલો નક્કર આકાર પામે છે. …જે પછી નીતિઓને સુધારવામાં પરિણમે છે, અને આ વલોણું પછી કેવી રીતે વ્યાપક વિભાવનાઓને નક્કર સ્વરૂપ આપે છે અને મજબૂત કરે છે, તેમાંથી આ પુસ્તક જન્મ્યું છે.”
મહિલાઓ તમામ પાસાંમાં સક્ષમ બને તેવી ચાવીઓ આ પુસ્તકમાં છે. 2008 વર્ષમાં જિનિવા ખાતે ઇલાબહેને ‘કોફી અન્નાન ગ્લોબલ હ્યુમેનેટેરીયન ફોરમ’માં આપેલાં વક્તવ્યમાં ‘ભાવિ માર્ગ : સો માઇલના સિદ્ધાંત’ વિશે વાત કરી હતી. આ વિચારની વિભાવના આપતાં તેમણે કહ્યું હતું : “સો માઈલનો સિદ્ધાંત કે કલ્પના એવો વિચાર છે કે જે મેં છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી મનમાં વિચારેલો છે. બહુ પહેલાં મેં એક વાર આ વિચાર વિશે ક્યાંક વાત કરી હતી ત્યારે મેં તેને નાગરિકતા સાથે જોડ્યો હતો. હું માનું છું કે નાગરિકતા બે પ્રકારની છે : એક સમુદાયની અને બીજી રાષ્ટ્ર-રાજ્યની. કોઈક રાષ્ટ્ર-રાજ્યમાં નાગરિકતાની વ્યાખ્યા દ્વારા જે સામાજિક અવકાશ નક્કી થાય છે તે તો અપૂરતો છે. તે તો સ્વાધીનતા(liberty) આપે છે પણ સ્વતંત્રતા(freedom) વિના. હું જે સમુદાયની વાત કરું છું તે ફક્ત જ્ઞાતિ, ગામ કે વંશીયતાની જ ઓળખ નથી. મારી સમુદાયની સમજ કામની આસપાસ કેન્દ્રિત થયેલી છે. સમુદાય દેશ અને કાળમાં ત્રણ પ્રકારનો પ્રવાહ ધરાવે છે. તે જીવનચક્ર છે, જીવનનિર્વાહનું ચક્ર છે અને સૃષ્ટિનું ચક્ર છે. સમુદાય ત્યારે સ્વાયત્ત બને છે કે જ્યારે તે અન્ન, વસ્ત્ર અને આવાસની બાબતમાં અંકુશ ધરાવે છે. મારા સો માઇલના સિદ્ધાંત મુજબ મનુષ્યને રોટી, કપડા અને મકાન સો માઇલના ત્રિજ્યામંથી મળી રહેવાં જોઈએ. આ ત્રણ પ્રાથમિક જરૂરિયાતોમાં મેં બીજી બે પ્રાથમિક જરૂરિયાતો ઉમેરી છે : પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક આરોગ્યસંભાળ.”
ઇલાબહેનનું ફલક વૈશ્વિક હતું અને તેમણે વક્તવ્યોમાં રજૂઆત પણ એવી જ દેખાય છે. તેમણે સ્થાનિકથી વૈશ્વિક સફર ખેડી હતી અને તેથી તેમની રજૂઆતમાં કોઈ વર્ગની બાદબાકી થતી નથી. 2009માં ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે તેમણે ‘ઇન્ટરનેશનલ એસોશિએશન ફોર કોમ્યુનિટી ડેવલપમેન્ટની’ પરિષદમાં મહિલાઓનાં નેતૃત્વ અંગે વાત કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું : “અમારા વિચારોમાં મનુષ્ય કેન્દ્રમાં હતો તેથી ધીમે ધીમે અમે સમજ્યા કે વિકાસ સમગ્રલક્ષી અને સંકલિત છે. તમામ પાસાં સાથે વિકાસને સમજીને, અમે અમારી કોઈ પણ પ્રવૃત્તિ અમારા પોતાના પર, સમાજ પર અને જગત પર શી અસર ઊભી કરે છે તેની સાથે જોડતા હતા અને એ રીતે અમે એક જવાબદાર વૈશ્વિક નાગરિક બનતા હતા. એકબીજા સાથે બધી બાબતોને જોડવાની બાબત અમારા માટે અમારા શિક્ષણનો આધાર બની હતી. જોકે, મારા દિલની સૌથી નજીક કોઈ બાબત હતી તો તે હતી કામ(work). હું કામ એટલે કે ‘કર્મ’ને મનુષ્યની જિંદગીમાં કેન્દ્રસ્થાને મૂકું છું. ભગવદ્ ગીતા કહે છે તેમ, જે વ્યક્તિ પૃથ્વી પરનાં ફળ ખાય છે અને કોઈ શ્રમ કરતી નથી તે ચોરી કરે છે. એટલે કે કામ, ઉત્પાદક કામ જ વિકાસ અને વૃદ્ધિ તરફ લઈ જાય છે.”
તેમનાં વક્તવ્યોમાં કેટલાંક ઠેકાણે તેમણે સમાજની કઠોર વાસ્તવિકતા પણ દર્શાવી છે. 2010માં જાપાનમાં ‘નિવાનો શાંતિ સન્માન’ સ્વીકારતી વેળાએ કહ્યું હતું : “હિંસા જીવન જીવવાના માર્ગોનો વિનાશ કરે છે. તે અમલદારશાહીના સત્તાવાર જગતનું નજરાણું છે. મહિલાઓના કામને ઘણી વાર સત્તાવાર રીતે માન્યતા મળતી નથી. મહિલાઓનું કામ સત્તાવાર વર્ગીકરણમાં બંધબેસતું નથી. મહિલાઓના કામને ઘણી વાર પ્રમાણપત્રને લાયક સમજવામાં આવતું નથી. આમ જુઓ તો, હિંસા અને સત્તાવાર વર્ગીકરણ સામે મહિલાઓના કામની લડાઈ છે. જેઓ સત્તામાં છે તેમનું સત્તાવાર કામ નવેસરથી ગોઠવાય એ શાંતિ માટેના ‘સેવા’ના કાર્યનો એક પ્રવાહ છે. જ્યારે સત્તામાં બેઠેલાઓ દેશના કામ કરતા બહુમતી ગરીબ લોકોની બાદબાકી કરે છે ત્યારે તેઓ એક એવું સીમાંત જગત ઊભું કરે છે કે જેણે અસ્તિત્વ ટકાવવાની જરૂર હોય છે.”
સમાજની વરવી વાસ્તવિકતા બતાવતાં ઇલાબહેને કેનેડાની ‘મેકમાસ્ટર યુનિવર્સિટી’ ખાતે ઑક્ટોબર, 2013માં આપેલા વક્તવ્યમાં કહ્યું હતું કે, “ગરીબો પ્રત્યેનું આપણું વલણ વાંધાજનક છે. ઘણી વાર ગરીબીને ચારિત્ર્યમાં ખામી તરીકે જોવામાં આવે છે. જે લોકો ગરીબ છે એ એમના પોતાના વાંકે છે એમ સમજવામાં આવે છે. જો તેઓ ગરીબ છે તો તેનું કારણ એ છે કે તેઓ આળસુ છે, તેઓ ગંદા છે, તેઓ અશિક્ષિત છે અને અણધડ છે અથવા તો તેઓ નીચલી જ્ઞાતિના, જાતિના કે ધર્મના છે એમ માનવામાં આવે છે. કોઈક રીતે આપણે તાકાત, સ્થિતિસ્થાપકતા, સંસાધનક્ષમતા અથવા ગૌરવ જેવા શબ્દોને ગરીબો સાથે જોડવા માંગતા નથી. ગાંધીજીએ ગરીબીને સમાજનું નૈતિક અધ:પતન ગણાવી હતી. અને ખરેખર, ગરીબી એ પરોક્ષ હિંસા સિવાય બીજું શું છે? એ માનવગૌરવની અપ્રતિમ હાનિ છે કે જે મનુષ્યને તેના મનુષ્યત્વથી જ વંચિત કરે છે અને મનુષ્યના જુસ્સાને ધોઈ નાખે છે. આપણે જો ગરીબીને અવગણીએ તો તેનો અર્થ એ છે કે આપણે એ સ્થિતિમાં સંમતિ આપીએ છીએ. આપણે હજુ પણ ગરીબીને સહન કરીએ છીએ એ જ આપણી નૈતિક નિષ્ફળતા છે.”
આવું જ તેમણે દેશમાં ખુલ્લા બજાર વિશે કહ્યું હતું કે, “ભારતનાં તમામ શહેરોમાં ખુલ્લામાં બજારો હોય છે અનેતે દાયકાઓથી શહેરોનો હિસ્સો રહ્યાં છે. આ કુદરતી બજારો છે કે જે કુદરતી રીતે જ ગ્રાહકો માટે અનુકૂળ રહ્યાં છે કારણ કે આ બજારો તેમને શાકભાજી અને ફળો આપે છે અને તેમને તે નજીકનાં સ્થાનોએ નીચા ભાવોએ મળે છે તેથી તેમને માટે તે વધુ સગવડભર્યું હોય છે. ભારતમાં કુદરતી બજારનો ખ્યાલ 1982માં સર્વોચ્ચ અદાલતે સૌધનસિંઘ કેસમાં જે ચૂકાદો આપ્યો તેનાથી આવ્યો અને તેમાં રસ્તા પર ફેરી કરવી એ મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો.”
સમાજ વધુ સુદૃઢ થઈ શકે, સમાજમાં શાંતિ-સંવાદિતા કાયમ રહી શકે તે માટે ઇલાબહેનનાં અનેક વિચારો આ પુસ્તક થયા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796