નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે 137 દિવસ બાદ તેની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. મંગળવારથી દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લિટર મળશે. અગાઉ પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર હતી. સાથે જ રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે.
પાંચ રાજ્યની ચૂંટણી પૂરી થતાં ફરી એકવાર પેટ્રોલ, ડીઝલ અને LPGમાં ભાવ વધારો થયો છે. 04 નવેમ્બર, 2021 ના રોજ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે કુલ ચાર મહિના પછી તેમની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 14.2 કિલોના સિલિન્ડર માટે દિલ્હીમાં 949.50 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ 6 ઓક્ટોબરે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં આજથી પેટ્રોલમાં 79 પૈસા અને ડીઝલમાં 89 પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ અમદાવાદમાં નવા ભાવ પ્રમાણે પેટ્રોલનો ભાવ રૂ. 96 પ્રતિ લીટર પર પહોંચ્યો છે. જ્યારે રાજકોટમાં ડીઝલનો ભાવ લીટર દીઠ રૂપિયા 88.89થી વધી રૂપિયા 89.74 થવા જઈ રહ્યો છે. બીજી બાજુ ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ શકે છે. આજથી રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસની એક બોટલ 956.50ની આસપાસ મળશે. જ્યારે 19 KG કોમર્સિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.
![]() |
![]() |
![]() |











