દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Ahmedabad Rain Update: અમદાવાદમાં ચોમાસુ (Monsoon) શરૂ થાય એટલે અમદાવાદના રસ્તાઓ નદીઓમાં ફેરવાઇ જાય છે. ગઇકાલે સાંજના સમયે વરસાદના (Rain) કારણે લગભગ આખા અમદાવાદનાં રસ્તાઓ નદીઓમાં પરીવર્તિત થઈ ગયા હતા. પછી જ્યારે વરસાદ બંધ થાય એટલે રસ્તાઓ પર ભુવા (Potholes) પાડવાની શરૂઆત થાય છે. એટલે કે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા અને વરસાદ બંધ થાય પછી ભુવા પાડવાની સમસ્યાનો સામનો અમદાવાદીઓએ કરવાનો હોય છે, આ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) પ્રિમોનસૂન કામગીરી. આ કામગીરીના ફળ સ્વરૂપ એક જ દિવસમાં વરસેલા વરસાદ બાદ અમદાવાદમાં 30 જેટલા ભુવા પાડવાની ઘટનાઓ સામે આવી છે.

એક તરફ અમદાવાદને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે અને બીજી તરફ ચોમાસામાં અમદાવાદ ઈટલી બની જાય છે. બસ ફર્ક એટલો છે કે ઈટલી હજુ અમદાવાદ જેવુ સ્માર્ટ બન્યું નથી, કારણ કે ઈટલીમાં હજુ લોકો હોડકું લઈને ફરે છે જ્યારે અમદાવાદમાં તો તંત્રએ એવી વ્યવસ્થા કરી છે કે અમદાવાદીઓની ગાડીઓ જ હોડકું બની જાય છે. એટલે અમદાવાદમાં રહેતા લોકો પોતાની ગાડીઓ લઈને જ અમદાવાદની નદીઓમાં નીકળી પડે છે. આ બધુ શક્ય માત્ર AMCની પ્રિમોનસૂન કામગીરીને લીધે જ બને છે.

વરસાદમાં અમદાવાદ ઈટલી બની જાય એતો ઠીક છે, પણ પછી જ્યારે વરસાદ બંધ થઈ જાય પછી શરૂ થાય છે AMCની એડવેન્ચર રાઈડ અને આ રાઈડ વિશ્વની કોઈ પણ મોટી એડવેન્ચર રાઈડને પાછળ છોડી દે તેવી હોય છે. આ રાઈડ એવી હોય છે કે અમદાવાદનાં અલગ-અલગ રસ્તાઓ પર ખાડા પડી જાય છે અને અમુક જગ્યાએ તો આ ખાડા એટલા મોટા હોય છે કે આખે આખી ગાડી જ ખાડામાં ઘૂસી જાય અને આ ખાડામાં અમદાવાદીઓને પોતાની ગાડી લઈને નિકલવાનું. પાછું આ એડવેન્ચર રાઈડ અમદાવાદીઓને ફ્રીમાં (ટેક્સ તો ભરવો પડે) કરાવે છે. AMCની લોકો પ્રત્યેની લાગણી એટલી છે કે આ એડવેન્ચર કરવા તમારે કોઈ એક્ક જગ્યાએ ન જવું પડે. અમદાવાદમાં ઠેર-ઠેર આ રાઈડ બની જાય છે, તે પણ AMCની પ્રિમોનસૂન કાર્યવાહીના કારણે જ શક્ય છે. ગઇકાલના વરસાદ બાદ આજે અમદાવાદમા અનેક જગ્યાઓએ ભૂવાઓ પડવાની શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલથી અત્યાર સુધી અમદાવાદમાં કૂલ 30 જેટલા ભૂવા પડ્યા છે. હજુ આગળ કેટલા ભુવા પડશે તે તો સમય જ બતાવશે.
થેન્ક યુ AMC.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








