Wednesday, December 11, 2024
HomeGujaratગૃહમંત્રી સાહેબ વાત માત્ર પે ગ્રેડની નથી અમને કોઈ માણસ ગણવા પણ...

ગૃહમંત્રી સાહેબ વાત માત્ર પે ગ્રેડની નથી અમને કોઈ માણસ ગણવા પણ તૈયાર નથીઃ એક પોલીસ જવાનનો ખુલ્લો પત્ર

- Advertisement -

આદરણીય,

હર્ષ સંઘવી સાહેબ આપણને ગૃહમંત્રી થવા માટે ખુબ અભિનંદન , આપ હવે અમારા ઘરના વડા છો, એટલે જ તમને પહેલી વખત પત્ર લખી રહ્યો છુ, હમણાં અમારો પરિવાર રસ્તા ઉપર ઉતરી પોતાની નારાજગી વ્યકત કરી રહ્યો છે, પણ તમે તેનાથી નારાજ થતાં નહીં, અમે પોલીસ ખાતામાં ભરતી થયા ત્યારથી અમને શારિરીક અને માનસીક સમજ આપવામાં આવી છે કે તમે શીસ્તબંધ ફોર્સના સભ્ય છો, શીસ્ત અમારા જીવનનો ભાગ છે તેવુ અમે સ્વીકારી પણ લીધુ છે, પણ શીસ્તના નામે અમને કોઈ કયારેય કોઈ પુછતુ નથી અને શીસ્તના નામે અમને બોલવા દેવામાં પણ આવતા નથી, અમે બોલીએ તો તેને ગેરશીસ્ત ગણી લેવામાં આવે છે, વાત માત્ર પગાર વધારાની નથી, રાજયના અનેક ખાતાના કર્મચારીઓ જુદા જુદા સમયમાં પગાર વધારાના મુદ્દે લડયા છે, પણ અન્ય વિભાગના કર્મચારી પોતાની વાત સરકાર અને પોતાના વડા સામે મુકે ત્યારે તેને ગેરશીસ્ત ગણવામાં આવતી નથી, તો તમારે મન રાજયનો દરેક કર્મચારી તમારો જ છે તો પછી શા માટે અમે જયારે પોલીસની વાત મુકીએ તો તમને ગેરશીસ્તની વ્યાખ્યામાં મુકી દેવામાં આવે છે..



અમે શીસ્તબધ્ધ દળના સભ્ય હોવા છતાં અમે પણ માણસ છીએ અને અમારે પણ પરિવાર છે, અમને પણ આનંદ થાય છે અને અમને પણ પીડા થાય, પણ અમારી પીડાની કોઈ દરકાર કરતા નથી, અમારા સિનિયર અમને એક જવાનની જેમ જોવાને બદલે અમારી સાથે રોજબરોજ એક ગુલામ જેવો વ્યવહાર કરે છે, ત્રીસ વર્ષના પોલીસ ઈન્સપેકટર પોતાના પિતાની ઉમંરના હેડ કોન્સટેબલ સાથે તુકારે જ વાત કરે છે,સાહેબ ત્યારે કઠે, માંઠુ લાગે છે, પણ અમે કઈ બોલી શકતા નથી, કારણ શીસ્ત નામે અમને નારાજગી વ્યકત કરવાનો અધિકાર નથી, અમે સરેરાશ 10-12 કલાક નોકરી કરીએ છીએ ઘણી વખત તો 15-18 કલાક પણ નોકરી થઈ જાય છે,છતાં અમે તેની ફરિયાદ કરતા નથી કારણ આ વ્યવસાય અને તેની તકલીફો અમને ખબર હોવા છતાં અમે સ્વૈચ્છાએ આ કામ પસંદ કર્યુ છે, અમને પોલીસ હોવાનો ગૌરવ થવુ જોઈએ પણ ખબર નહીં કારણ તેવુ ગૌરવ અમને કયારેય થયુ જ નહીં

- Advertisement -

અમારે પણ માતા પિતા, પત્ની અને બાળકો છે, અમે જયારે ઘરે પહોંચીએ ત્યારે અમારા બાળકો અને પરિવાર સુઈ ગયો છે અને અમે સુતા હોઈએ ત્યારે બાળકો સ્કુલે જતા રહે છે અમે તો બાળકોને પથારીમાં જ મોટા થતાં જોઈએ છીએ, અમારા બીમાર પિતાને દવાખાને લઈ જવાનો અમારી પાસે સમય નથી, અને પિતા એકલા સારવાર કરાવી શકે એટલે પૈસા પણ નથી, આવી ઘટનાઓને કારણે મન ત્રસ્ત થઈ જાય છે અંદરથી ગુસ્સો પણ આવે છે, એક તરફ અમારા સિનિયર આમારી સાથે માનભેર વ્યવહાર કરતા નથી અને પરિવારની સમસ્યાનો કોઈ પાર નથી, એટલે બધો જ ગુસ્સો આખરે સામાન્ય માણસ ઉપર ઉતરે છે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું અમારી પ્રાથમિક જવાબદારી છે, કાયદાનો ભંગ કરનારને અમે રોકીએ ટોકીએ ત્યારે તે ખીસ્સામાંથી મોબાઈલ ફોન કાઢી કોઈ નેતા -મંત્રી અને કોઈ સિનિયર અધિકારી સાથે વાત કરાવી દે છે, અમને આદેશ મળે અમારો મિત્ર છે, સગો છે જવા દો ત્યારે ખુબ ગુસ્સો આવે છે અમને લાગે છે કે અમે સીસ્ટમની કઠપુતળીઓ છીએ,



અમે કાયદાનું પાલન તો માત્ર સામાન્ય માણસ પાસે જ કરાવી શકીએ છીએ જેની વગ તમારા જેવા નેતાઓ સુધી નથી, નેતાઓ અને વગદાર સાથે સંબંધ ધરાવતા લોકો જયારે કાયદાનું પડીકુવાળી ખીસ્સામાં મુકી દે છે ત્યારે ખુબ ગુસ્સો આવે છે, લાગે છે તેમનો ગોળી મારી દઉ, પણ તેવુ કરી શકતા નથી કારણ અમે શીસ્તબધ્ધ દળના સભ્ય છીએ એટલે અમારા વ્યવસાયને અમે જ માનની નજરે જોતા નથી, અમે ઘરેથી નિકળીએ ત્યારે અમારા ખાખી શર્ટ ઉપર કોઈ રંગીન શર્ટ પહેરીને પોલીસ સ્ટેશન પહોંચીએ છીએ, કારણ અમને ખબર છે પ્રજા પણ અમને માનની નજરે જોતી નથી, પ્રજા અમારીથી ડરે છે, પણ માન આપતી નથી કારણ બધા જ માને છે અમે ખુબ ભ્રષ્ટ છીએ, પોલીસમાં ભ્રષ્ટાચાર નથી તેવો દાવો તો કોઈ કરી શકે નહીં પણ કયાં ખાતામાં ભ્રષ્ટાચાર નથી આમ છતાં કલેકટર ઓફિસમાં પૈસા આપી ફાઈલ મંજુર કરાવનાર જમીન માલિક રેવન્યુના સ્ટાફને ભ્રષ્ટ માનતો નથી, કોર્પોરેશનની ઓફિસમાં પોતાનો પ્લાન પાસ કરાવી લેનાર બીલ્ડર પણ પૈસા આપી કામ કરાવી લેવામાં પોતાનું કૌવત સમજે છે જયારે અમારી સ્થિતિ અને છાપ તો વિશ્વના સૌથી ભ્રષ્ટ કર્મચારીની છે

કોઈ અમારા મોંઢે અમને ભ્રષ્ટ કહેતુ નથી પણ તેની અંદરથી અમને ખબર છે અને તે ખુબ પીડા આપે છે, જો ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓ ભ્રષ્ટ હોત તો પોલીસ લાઈનમાં મકાન લેવા માટે પડાપડી થતી નહીં કારણ પોલીસને પોતાનો પરિવાર પોલીસ લાઈનમાં રહે તે પસંદ હોતુ નથી કારણ ખુદ પોલીસ જ એવુ માને છે કે લાઈનમાં રહીશુ તો બાળકો બગડી જશે આવી કેવી વીડંબણા છે,ખુદ પોલીસને પોતાના બાળકો બગડી જશે તેની ચીંતા થાય છે, અમને લાગે છે કે લાઈનમાં રહીશુ તો અમારો દિકરો પોલીસ થશે અને પોલીસ નહીં થાય તો ગુનેગાર થશે, જે પોલીસવાળા પગાર ઉપરાંતના પૈસા કમાય છે તેમની પહેલી અગ્રતા લાઈન છોડી એક મકાન બનાવી લેવાની હોય છે. ભ્રષ્ટાચારને નકારી શકાય તેમ નથી પણ કાયમ અમને ભ્રષ્ટાચાર માટે અમારા જેવા નાના કર્મચારીને જ દોષીત માનવામાં આવે છે અમે સબઈન્સપેકટરથી લઈ આઈપીએસ અધિકારી સુધીના ઉઘરાણા કરીએ છીએ પણ દોષનો ટોપલો તો અમારી ઉપર જ ફોડવામાં આવે છે.



જે પોલીસ જવાન વધુ ઉઘરાણુ કરી શકે તેનો પોલીસ અધિકારી સામે વટ હોય છે, તેને કોઈ દિવસ ખાખી વર્ધી પહેરવી પડતી નથી, તમારા સુરતમાં તેને કેશીયર કહે છે અમારા અમદાવાદમાં તેને વહિવટદાર કહે છે, આ કેશીયર અને વહિવટદારની બોલબાલા હોય છે તે બધા જ અધિકારીઓનો પ્રિય હોય છે. અમારા જેવા કર્મચારીઓ સાવકા પુત્ર સમાન હોઈએ છીએ, અમે ભણેલા છીએ, અમારા અનેક સાથીઓ ડબલ ગ્રેજયુએટ છે, એન્જીનિયર છે, પણ અમારા નસીબમાં પોલીસની નાની નોકરી હતી, એટલે અમે અહિયા આવ્યા તેની કોઈ ફરિયાદ પણ નથી, ભ્રષ્ટાચાર નીચેથી ઉપર નહીં ઉપરથી નીચે આવે છે તેની તમને તો ખબર જ હશે, આમ તમને ઘણુ લખવાની અને ઘણુ કહેવાની ઈચ્છા છે પણ મને લાગે છે પત્ર લાંબો થઈ ગયો છે, અત્યારે અમે તમારી સાથે લડીએ છીએ તેવો અર્થ કાઢતા નહીં અમારી સમસ્યા સમજવાનો પ્રયત્ન કરજો કારણ અમે તમારા છીએ અને તમે અમારા છો અમારી સાથે સહાનુભુતી રાખશો તેવી અપેક્ષા છે

લી- તમારો શીસ્તબધ્ધ

- Advertisement -

પોલીસ જવાન

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular