Bootleggers caught smuggling liquor into train : ગુજરાતમાં દારૂ ઘૂસાડવા તેમજ હેરફેર કરવા માટે બુટલેગરો ટ્રેનનો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છે. RPF અને ગુજરાત રેલવે પોલીસ (Gujarat Railway Police) ની સાંઠગાંઠથી પાડોશી રાજ્યોમાંથી વિદેશી દારૂ સતત ઘૂસાડવામાં આવી રહ્યો છે. પોલીસે જે કામ કરવાનું હોય તે હવે નાગરિકોને કરવું પડે છે. બાંદ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેનના AC કોચમાંથી વિદેશી દારૂની પેટીઓ અને બુટલેગરોને મુસાફરોએ પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. આ મામલે સુરત રેલવે પોલીસે (Surat Railway Police) 5 અલગ-અલગ ફરિયાદ નોંધી ત્રણની ધરપકડ કરી છે અને 2 બુટલેગરને ફરાર દર્શાવ્યા છે.
બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેન (Bandra Terminus to Bhuj train) ના થર્ડ એસી કોચમાંથી ગત ગુરુવારે 27 ઓગસ્ટના રોજ વિદેશી દારૂની મોટી ખપ મળી આવી હતી. વાપી સ્ટેશનથી સુરત તરફ રવાના થયેલી ટ્રેનના એસી કોચમાં સીટ નીચે પડેલી બિનવારસી બેગો અને થેલા પર કેટલાંક મુસાફરોની નજર પડી હતી. એસી કોચમાં મુસાફરી કરી રહેલા લોકોએ બિનવારસી પડેલી બેગ અને થેલા તપાસતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂનો કેટલોક જથ્થો મળતા આખા કોચમાં સામાનની તલાશી લેવાનું શરૂ કરાતા વિદેશી દારૂનો મોટો જથ્થો એકઠો થઈ ગયો હતો. ટ્રેનના પ્રવાસીઓએ TTE ને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
દારૂનો જથ્થો એકઠો કર્યા બાદ મુસાફરોએ ત્રણ શકમંદ શખસોને ઘેરી લીધા હતા. જ્યારે બે શખસો ભીડ અને હોબાળાનો લાભ લઈ ટ્રેનમાંથી ફરાર થઈ ગયા હતા. ટ્રેનમાંથી દારૂની ખેપ પકડાઈ હોવાની જાણ થતાં RPF અને GRP નો સ્ટાફ સ્ટેશન પર દોડી આવ્યો હતો. પોલીસે કોચમાંથી 3 ટ્રાવેલ બેગ અને 6 મોટા પાર્સલમાં ભરેલો દારૂનો જથ્થો કબજે કરી જુદીજુદી 5 ફરિયાદ નોંધી છે.








