નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાતના ચર્ચીત ડમીકાંડમાં ભાવનગર પોલીસને એક બાદ એક સફળતા મળી રહી છે. ત્યારે ડમીકાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીને પોલીસે દબોચી પાડ્યો છે. અગાઉ પોલીસે ડમીકાંડમાં 56 આરોપીને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. ત્યારે આજે વધુ એક આરોપીને ઝડપી પાડ્તા આરોપીની સંખ્યા 57 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં સ્પર્ધાતમક પરિક્ષમાં ગેરરીતી થતી હોવાનાનો પર્દાફાશ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કરતાં હડકંપ મચી ગયો હતો. પરીક્ષામાં ઉમેદવારની જગ્યાએ કોઈ ત્રાહિત વ્યક્તિઓ પરિક્ષા આપતા હોવાનો યુવરાજસિંહએ આક્ષેપ કરતા ગુજરાત સરકાર હરકતમાં આવી હતી અને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. જોકે પોલીસે તપાસ કરતાં ડમીકાંડનો મામલો સામે આવ્યો હતો. ડમીકાંડના મૂળીયા સુધી તપાસ કરીને આરોપીઓને કાયદાનો પાઠ ભણાવા માટે SITની રચના પણ કરવામાં આવી હતી. SITની રચના બાદ પોલીસે એક બાદ એક ડમીકાંડના આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે વધુ એક આરોપીને ભાવનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
ભાવનગર પોલીસે આજે સુરેન્દ્રનગરના સલાયાના અંકિત લકુમની ધરપકડ કરી છે. જે વર્ષ 2022માં લેવાયેલી ગ્રામ પંચાયતની પરિક્ષામાં અસલ ઉમેદવાર હતો. પરંતું તેના બદલામાં ડમી ઉમેદવાર તરીકે બટુક જાનીએ પરિક્ષા આપી હતી. બટુકની પોલીસે અગાઉ 12 મેના રોજ ધરપકડ કરી હતી. ડમીકાંડ કેસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર હવે એક આરોપી પોલીસ પકડથી દુર છે. પરંતું ભાવનગર પોલીસ ડમીકાંડમાં જે પ્રકારે ઝીણવટ ભરી તપાસ કરી રહી છે. તે જોતા ફરિયાદ સિવાયના અન્ય આરોપીના નામ પણ સામે આવે તેવી શક્યતા છે.








