નવજીવન નવી દિલ્હીઃ આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, ભારતમાં ઓમીક્રોન વેરિએન્ટના બે કોવિડ-19 કેસ શોધી કાઢવામાં આવ્યા છે, જેને કારણે દેશમાં પ્રથમ વાર નવા વેરિએન્ટનો વાયરસ આવતા તંત્ર એલર્ટ પર મુકાયું છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક ન્યૂઝ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, બંને કેસ કર્ણાટકમાં નોંધાયા છે, જેમાં દર્દીઓ 66 અને 46 વર્ષના બે વિદેશી છે, તેમણે ઉમેર્યું હતું કે, તેમની ગોપનીયતાની સુરક્ષા માટે હાલ માટે તેમની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં.
તેમણે કહ્યું હતું કે, બંને શખ્સોના સંપર્કમાં આવેલા તમામ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. “ઓમીક્રોનના કેસ આવવાના પગલે ગભરાવાની જરૂર નથી પરંતુ જાગૃતિ અત્યંત આવશ્યક છે. કોરોનાની ગાઈડલાઈનનુ પાલન કરો અને મેળાવડાઓ ટાળો,” અગ્રવાલે કહ્યું હતું.
પ્રારંભિક સંકેતોએ સૂચવ્યું છે કે ઓમીક્રોન અગાઉના વારિએન્ટ કરતા વધુ ચેપી હોઈ શકે છે, જો કે, કોઈ ઘાતક લક્ષણોનો કોઈ પુરાવો મળ્યો નથી.
ભારત 15 ડિસેમ્બરે નિર્ધારિત વાણિજ્યિક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની તૈયારીમાં હતું, પરંતુ બુધવારે તે યોજના રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે યોગ્ય સમયે પુનઃશરૂ કરવાની તારીખ જાહેર કરવામાં આવશે. સરકારે રાજ્યોને પરીક્ષણ વધારવાની સલાહ આપી છે, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પરીક્ષણમાં તાજેતરના ઘટાડાથી રોગચાળાને રોકવાના ભારતના પ્રયાસોને નબળો પડી શકે છે.
એપ્રિલ અને મેમાં કોરોના અને મૃત્યુમાં રેકોર્ડ ઉછાળા સામે લડ્યા પછી, ભારતમાં કોરોનાવાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશમાં ગુરુવારે 9,765 નવા કેસ નોંધાયા હતા, જે કુલ 34.61 મિલિયન થઈ ગયા હતા.








