નવજીવન. નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલીયન ઓપન શરૂ થતા જ નોવાક જોકોવીચ જીતી ગયો છે. આ જંગ ટેનીસ કોર્ટ બહાર ઓસ્ટ્રેલિયન સરકાર સામે હતી. પોતાનો ખિતાબ બચાવવા મેલબર્ન પહોંચેલા દુનિયાના જાણીતા ખેલાડીને એરપોર્ટ પર જ રોકી લેવાયો હતો. વીઝા રદ્દ કરી દીધા હતા. આ તરફ જોકોવીચ પણ અડી ગયો અને પાંચ રાત ડિટેંશન સેન્ટરમાં વિતાવવી પડી હતી. હવે કોરોના વેક્સીન સાથે જોડાયેલા સંપુર્ણ મામલા પર જોકોવિચને કોર્ટે મોટી રાહત આપી છે.
સોમવારે યોજાયેલી આ મહત્વપૂર્ણ સુનાવણીમાં ન્યાયાધીશોએ જોકોવિચની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને વિઝા રદ ન કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તેને તાત્કાલિક ડિટેન્શન સેન્ટરમાંથી અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સૌથી વધુ નવ વખતનો વિજેતા જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેના 10મા ટાઇટલ માટે લડશે.
ઓનલાઈન સુનાવણીમાં શું થયું?
આ કેસની સુનાવણી ભારતીય સમય અનુસાર સવારે 4.30 વાગ્યે શરૂ થઈ હતી. જે બાદ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ ક્રેશ થઈ ગયું હતું, જો કે થોડા સમય પછી તે ઠીક થઈ ગયું હતું. એક ન્યાયાધીશે જોકોવિચના વકીલ નિક વૂડને પૂછ્યું કે, ‘પ્રશ્ન એ છે કે તે બીજું શું કરી શકે છે.’ જોકોવિચના વકીલે સ્વીકાર્યું કે તે બીજું કંઈ કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે જોકોવિચે સત્તાવાળાઓને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કે તેણે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશવા માટે શક્ય તેટલું બધું કર્યું.
કોર્ટના આદેશ છતાં ઓસ્ટ્રેલિયા સરકારના ગૃહમંત્રી પોતાની હાર સ્વીકારવા તૈયાર નથી. તે કહે છે કે સરકાર પાસે હજુ પણ જોકોવિચને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલવાની સત્તા છે. નિયમો બધા માટે સમાન છે, આ અંતર્ગત વિઝા કેન્સલ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
બેલગ્રેડમાં તેના ચાહકોએ જોકોવિચના સમર્થનમાં રેલી કાઢી હતી, જેમાં તેના માતા-પિતાએ પણ ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી શરૂ થશે. જોકોવિચની માતા યાના જોકોવિચે કહ્યું, ‘આજનો દિવસ મોટો હતો. આજે આખી દુનિયાએ સત્ય સાંભળ્યું. આ સાથે જ તેણે જોકોવિચ પર અમાનવીય વ્યવહારનો આરોપ પણ લગાવ્યો હતો. તેની માતાએ કહ્યું, ‘નોવાકે તેને જ્યાં રાખવામાં આવ્યો હતો તે હોટલમાં નાસ્તો પણ કર્યો ન હતો. તે રૂમ છોડી શકતો ન હતો કે પાર્ક તરફ જોઈ શકતો ન હતો.’
ઓસ્ટ્રેલિયન સરકારે 5 ડિસેમ્બરે મેલબોર્નમાં તેમના આગમન પર તેના વિઝા રદ કર્યા કારણ કે તે કોરોના રસીકરણ નિયમોમાં તબીબી મુક્તિના માપદંડોને પૂર્ણ કરતા ન હતા. કારણ કે ઓસ્ટ્રેલિયા આવતા દરેક નાગરિકને કોવિડ-19ના બંને ડોઝ લેવા જરૂરી છે. પરંતુ જોકોવિચે દલીલ કરી હતી કે તેણે રસીનું પ્રમાણપત્ર આપવાની જરૂર નથી કારણ કે તેની પાસે પુરાવા છે કે તે ગયા મહિને કોરોના પોઝિટિવ હતો અને તેની પાસે એન્ટિબોડીઝ છે. જે પછી જોકોવિચે ઓસ્ટ્રેલિયાની ફેડરલ સર્કિટ એન્ડ ફેમિલી કોર્ટમાં પોતાના દેશનિકાલ અને વિઝા રદ કરવાને પડકાર ફેંક્યો છે.











