Thursday, November 5, 2026
HomeGujarat'યહીં સડો ગે, યહીં મરોગે' જેલમાં પોલીસ અધિકારીઓ પર કેદીઓ હુમલો ના...

‘યહીં સડો ગે, યહીં મરોગે’ જેલમાં પોલીસ અધિકારીઓ પર કેદીઓ હુમલો ના કરી દે તેવો ભય હતો… | શતરંજ-80

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-80, નવજીવન ન્યૂઝ): રાતના બે વાગ્યાના ટકોરા વાગ્યા. સેન્ટ્રલ જેલમાં ઘડિયાળ નહીં પણ ટકોરા ઉપર અંદરની દુનિયા ચાલતી હતી. દિનેશે અને નાયરે આજુબાજુ જોયું. બૅરેકમાં તો લાઇટ ન હતી, પણ બૅરેકની બહાર લાગેલી ફ્લડ લાઇટનો પ્રકાશ અંદર આવતો હોવાને કારણે એકબીજાનો ચહેરો જોઈ શકાય એટલો પ્રકાશ હતો. આ ત્રણે પોલીસ-અધિકારીઓ હવે ગમે ત્યારે જેલમાં આવશે તેવું જેલ વિભાગને ખબર હોવાને કારણે તેમના માટે એક અલાયદી બૅરેક તૈયાર કરવામાં આવી હતી, જે અન્ય કેદીઓ કરતાં થોડી દૂર હતી. સામાન્ય રીતે બૅરેકની બહાર એકાદ સંત્રી હોય પણ પોલીસ-અધિકારીઓની સુરક્ષાનો પ્રશ્ન હોવાને કારણે ચાર હથિયારધારી સંત્રીઓ બહાર બેસી ગપ્પાં મારી રહ્યા હતા. જે જેલમાં ક્રાઇમ-બ્રાન્ચે અનેક આરોપીઓને મોકલ્યા હતા, ત્યાં ખુદ હવે તેઓ જ આવી ગયા હતા. જેલ-સત્તાવાળાને ડર હતો કે, ક્યાંક તેમની ઉપર કોઈ કેદી હુમલો કરી બેસે નહીં. માટે જડબેસલાક સિક્યૉરિટી રાખી હતી.

બહાર લગાવેલી ફ્લડ લાઇટ એટલી પાવરફુલ હતી કે, લાઇટની પેલી તરફ શું છે, તે જોઈ શકાતું ન હતું, પણ નાયરને ખબર હતી કે પ્રકાશને પેલે પાર ઘોર અંધારું અને ચાર માથોડાં ઊંચી દીવાલ હતી. જેલની દીવાલની પેલે પાર જાણે સંબંધ જ તૂટી ગયો હોય તેવું લાગી રહ્યું હતું! નાયરે જોયું તો મહેશ અને વિનય ઘસઘસાટ ઊંઘતા હતા. નાયરને લાગ્યું કે આ બંનેને કોઈ ફેર પડ્યો જ નથી. સાલી ઊંઘ આવે કેવી રીતે! નાયર પડખાં ફેરવી રહ્યા હતા. પહેલો દિવસ હોવાને કારણે ઘરેથી ગાદલાં પણ આવ્યા નહોતા, તેના કારણે સરકારી શેતરંજી ઉપર જ સૂવાનું હતું. નાયરને ક્યારેક મચ્છર કરડતા, ક્યારેક બરછટ શેતરંજીના દોરા ખૂંચતા હતા. બહાર બેઠેલા સંત્રી પોતાની વાતમાં મસ્ત હતા અને ક્યારેક મોટેથી હસતા હતા. નાયરને ગુસ્સો આવતો હતો. તેને એવું પણ લાગતું હતું કે સંત્રીઓ કદાચ તેમની મશ્કરી કરતા હશે, પણ તેવું ન હતું. તેમના ધ્યાનમાં પણ ન હતું કે નાયર હજી જાગે છે. કેરળના બહુ જ સામાન્ય પરિવારમાંથી નાયર આવતા હતા. પિતા ખેતમજૂર હતા, જેના કારણે ગરીબી તો આદત બની ગઈ હતી. પણ નાયર સમાજમાંથી મળતી આર્થિક સહાયને કારણે નાયર ભણી શક્યા. ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર. સિવિલ સર્વિસમાં જવાનું સ્વપ્ન ક્યારેય જોયું ન હતું, પણ ગામના છોકરાઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપતા હોવાને કારણે નાયર પણ તૈયારી કરવા લાગ્યા. જોકે પ્રાઇવેટ કોચિંગ મેળવવાની ક્ષમતા ન હતી એટલે જાતે જ મહેનત કરતા હતા અને પહેલી ટ્રાયલે પાસ થઈ ગયા હતા.

- Advertisement -

આઇપીએસ ટ્રેનિંગમાં ગયા પછી પહેલી વખત સુખ કોને કહેવાય તેનો અહેસાસ થયો હતો અને પછી તો ધીરે ધીરે સુખની માત્રા વધી રહી હતી. ટ્રેનિંગ દરમિયાન એકત્ર કરેલા પૈસામાંથી સૌથી પહેલાં તેમણે પોતાના ગામમાં પાકું મકાન બનાવ્યું હતું, નાયરને ખબર હતી કે, ચોમાસામાં છાપરામાંથી કઈ જગ્યાએથી પાણી ટપકશે તે કંઈ નક્કી ન હતું, માટે વરસાદની સિઝનમાં ઉભડક બેસીને જ બધા સૂતા હતા. નાયરને ટ્રેનિંગ દરમિયાન મળતી સગવડને કારણે પહેલી વખત એવું લાગ્યું કે, પોતે હમણાં સુધી કેટલાંય કષ્ટોમાં જિંદગી પસાર કરી અને હજી ગામમાં પોતાનાં મા-બાપ તેવી જ રીતે જીવે છે. એટલે પોતાનું કાચું મકાન હતું, તે તોડી નાનકડું પાકું મકાન બનાવી દીધું હતું. નાયરના પિતાને મન દીકરો આઇપીએસ છે તેનું કોઈ મહત્ત્વ ન હતું, પણ દીકરો પોલીસમાં છે તેનો આનંદ હતો. જ્યારે ગુજરાત કૅડર ફાળવવામાં આવી ત્યારે નાયરને લાગ્યું હતું કે અરે! કેરળથી આટલે દૂર નોકરી કરવા જવાનું?! પણ ગુજરાત આવ્યા પછી અહીંયાના માણસો, રસ્તા અને વ્યવસ્થા જોઈ પોતાને મળેલી ગુજરાત કૅડર યોગ્ય છે તેવી પાક્કી ખાતરી થઈ ગઈ હતી.

ગુજરાત આવ્યા પછી એક મહિનાની રજા લઈ નાયર ઘરે ગયા હતા. કારણ કે મા-બાપ લગ્નની ઉતાવળ કરી રહ્યા હતા. કેરળ જઈ સજનીને પહેલી વખત મળતાં સજની પસંદ પડી ગઈ હતી. સજની અંગ્રેજી વિષય સાથે સ્નાતક હતી. જ્ઞાતિના રિવાજ પ્રમાણે જ લગ્ન થયાં અને લગ્ન કરી પાછા આવ્યા બાદ શાહીબાગ પોલીસ મૅસમાં નાયરે એક નાનકડી પાર્ટીનું આયોજન પણ કર્યું હતું. સજની અંગ્રેજી અને મલયાલમ સારું બોલતી હતી, પણ હિંદીમાં તકલીફ પડતી હતી. સજનીને ગુજરાત આવ્યા પછી પહેલો અને સૌથી મોટો પ્રશ્ન નડતો હતો તે ભાષાનો હતો, કારણ કે નાયરનો ઑર્ડરલી, શાક વેચવા આવતી મહિલા, ક્યારેક બહાર જવું હોય તો રિક્ષાવાળા સાથે કઈ ભાષામાં વાત કરવી તે સમજાતું ન હતું. સજની ક્યારેક પોતાની તૂટીફૂટી હિંદીમાં તો ક્યારેક બહેરા-મૂંગાની જેમ સાંકેતિક ભાષામાં વાત કરતી હતી.

નાયરને સજનીનો વિચાર આવવા લાગ્યો હતો. તેણે મહેશ અને વિનય સામે જોયું અને વિચાર આવ્યો કે… આ બંનેની પત્નીને તો ગુજરાતી ભાષા પણ આવડે છે. તેમના સંબંધીઓ પણ ગુજરાત અને અમદાવાદમાં રહે છે. કદાચ તેમના સંબંધીઓ આ બંનેના ઘરે તેમની પત્નીઓની મદદે આવી પણ ગયા હશે, પણ નાયરના તો કોઈ સંબંધી ગુજરાત રહેતા ન હતા! સજનીને કોઈની સાથે વાત કરવી હોય તોપણ તકલીફ પડતી હશે! અત્યારે સજની સાવ એકલી હશે… કદાચ તે ઊંઘી પણ નહીં હોય. બસ આ વાતે નાયરની આંખો પહેલી વખત ભીની થઈ હતી. ત્યાં જ ત્રણના ટકોરા વાગ્યા. નાયરને બહુ ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે તેનું મગજ ફાટી જશે. તેને કોઈનો વિચાર કરવો ન હતો, છતાં તેનું મગજ સતત વિચાર્યા કરતું હતું. કોઈ કમ્પ્યૂટર કરતાં પણ વધુ ઝડપે એક પછી એક વિચારો બદલાઈ રહ્યા હતા. નાયરે પોતાના મગજને સૂચના આપી હોય તેમ તે મનોમન બબડ્યા : ‘બસ બંધ કર.’ અને પછી પોતાના શરીરને સૂચના આપતા હોય તેમ કહ્યું, ‘ચલ સૂઈ જા… ચલ સૂઈ જા, જો હાથ સૂઈ ગયો, જો પગ સૂઈ ગયો.’ આમ મનોમન બબડતા રહ્યા.

- Advertisement -

નાયરની આંખ ખૂલી ત્યારે વિનય અને મહેશ બ્રશ કરી રહ્યા હતા. નાયરે આંખ ચોળતાં પૂછ્યું : “કિતને બજે?” વિનયે હાસ્ય સાથે કહ્યું, “ક્યા સર? બહુ સોયે? આઠ બજ ગયે.” નાયર મનોમન કંઈક બોલ્યા. તેઓ પોતે જાણતા જ હતા કે, ઊંઘ કેટલા વાગે આવી. કદાચ એટલા માટે જ આઠ વાગ્યા સુધી ઊંઘતા રહ્યા. જેલના નિયમ પ્રમાણે બધી બૅરેક સવારના છ વાગે ખૂલી જાય છે. ત્યાર બાદ કેદીઓ જેલના કૅમ્પસમાં ફરી શકે છે. નાયરે જોયું તો કેટલાક કેદીઓ વૉલીબૉલ રમી રહ્યા હતા. જે કેદીઓને સજા થઈ ગઈ હતી, તે જેલના ખાસ પ્રકારનાં સફેદ કપડાંમાં હતા. તે જેલ મૅન્યુઅલ પ્રમાણે તેમને સોંપવામાં આવેલું કામ કરતા હતા. નાયર, મહેશ અને વિનય ધ્યાનથી પોતાની નવી દુનિયાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમને કલ્પના ન હતી કે ક્યારેક જીવનમાં આવો દિવસ પણ આવશે!

જેલમાં હોવા છતાં જેલસ્ટાફ અને સેવક તરીકે કામ કરતા કેદીઓ તેમને સાહેબ કહીને જ સંબોધતા હતા. સવારનું નિત્યક્રમ પતાવી ત્રણે જેલમાં લટાર મારવા નીકળ્યા. જાણે કોઈ મ્યૂઝિયમ જોવા આવ્યા હોય તેવું લાગતું હતું. એક પોલીસ-અધિકારી તરીકે, પણ તેમના સ્વભાવ પ્રમાણે તેમણે જેલની ભૂગોળ સમજવી જરૂરી હતી. નિયમ પ્રમાણે તેમને જેલના કેટલાક સંવેદનશીલ સેલ તરફ જવાનું ન હતું, પણ તેમણે ખાસ મંજૂરી મેળવી હતી. તેમની સાથે એક સેવક અને બે સંત્રી પણ હતા. તેઓ જ્યારે જેલ જોઈ રહ્યા હતા ત્યારે તેમની સામે કાચા અને પાકા કામના કેદીઓ કુતૂહલવશ જોઈ રહ્યા હતા. કોઈ તેમને જોઈ હસી રહ્યું હતું. મહેશનું ધ્યાન ત્યારે કારચોર વિરજી ઉપર પડ્યું. વિરજી અગાઉ પણ કારચોરીમાં મહેશના હાથે પકડાઈ ગયો હતો. બંને એકબીજાને ઓળખતા હતા. વિરજીનું ધ્યાન મહેશ ઉપર પડતાં તેના ચહેરા ઉપર ઉત્સાહ આવી ગયો. તેણે કહ્યું, “અરે સાહેબ, તમે પણ અહીંયાં?” મહેશ કાંઈ બોલી શક્યો નહીં.

વિરજીને પોતાની ભૂલ સમજાતાં જ, વાત વાળી લેતાં કહ્યું, “સાહેબ, અહીંયાં કોઈ પણ કામકાજ હોય, તો મને કહેજો.” મહેશે માત્ર માથું હલાવી હા પાડી. તેઓ આગળ વધ્યા. સેવકે એક સેલ પાસે રોકતાં કહ્યું : “સાહેબ, આ અંડા સેલ છે. અહીંયાં ત્રાસવાદ સાથે સંકળાયેલા કેદીઓને રાખવામાં આવે છે.” અંડા સેલ માત્ર ત્રણ બાય છની એક એક રૂમ હતી. જેમાં આગળ લોખંડી દરવાજા સિવાય કંઈ ન હતું. દરેકમાં એક એક કેદી જ હતો. તેને બાજુવાળા સાથે વાત કરવી હોય તો ચહેરો જોઈ શક્યા વગર બૂમ પાડીને વાત કરવી પડે. તેવો સેલ હતો. ત્યાં બધાના કાને એક અવાજ પડ્યો : “કુત્તો, આ ગયે જેલ મેં? યહીં સડોગે ઔર મરોગે. મેરી બદ-દુઆ તુમ્હેં કભી નહીં છોડેંગી.” બધા જોવા લાગ્યા કે કઈ બૅરેકમાંથી અવાજ આવી રહ્યો છે… ત્યાં મહેશનું ધ્યાન પડ્યું. એક બૅરેકમાંથી જાળીમાંથી હાથ બહાર કાઢી જે બોલી રહ્યો હતો તે જુનેદ કુરેશી હતો. જુનેદને વિનયે જુહાપુરાથી પકડ્યો હતો. તેની ઉપર ત્રાસવાદી પ્રવૃત્તિનો આરોપ હતો. સંત્રી અને સેવક સમજી ગયા કે, અહીંયાં જો આ ત્રણે પોલીસ-અધિકારીઓ ઊભા રહેશે તો મામલો બગડશે એટલે તેમને ત્યાંથી લઈ પાછા તેમની બૅરેક સુધી લઈ આવ્યા હતા.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular