નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: લોકસભામાં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય સૈનિકો સાથે ચીની સૈનિકોની થયેલી અથડામણને લઈ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજરોજ સંસદમાં આ મુદ્દો ગાજતા સંસદમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. ત્યારે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે ભારત અને ચીની સૈનિકોના ઘર્ષણ મામલે નિવેદન આપ્યું હતું. નિવેદનમાં તેમણે કહ્યું કે, 9 ડિસેમ્બર 2022ના રોજ ચીની સૈનિકોની ટુકડીએ તવાંગમાં LACનું નિમયો તોડી ઉલ્લંઘન કર્યું હતું. જેથી ભારતીય સૈનિકોને ચીની સેનાના અતિક્રમણ અટકાવવાની ફરજ પડી હતી. ભારતીય સૈન્યની કાર્યવાહીના કારણે ચીની સેનાને પોતની પોસ્ટ પર પરત ફરવાની ફરજ પડી હતી.
સંસદમાં રાજનાથસિંહે ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા છે. પરંતુ ભારતના સૈનિકોમાંથી એક પણ સૈનિક શહિદ થયો નથી કે ગંભીર ઘાયલ નથી થયો. ચીની સૈનિકો ભારતીય સેનાની સમયસર કાર્યવાહીના કારણે ભાગ્યા હતા. બાદમાં સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બરના રોજ ચીની કાઉન્ટર પાર્ટ સાથે એક ફ્લેગ મીટિંગ કરી હતી. જેમાં ચીનને આવી કાર્યવાહીની મનાઈ કરતા શાંતિ જાળવી રાખવા જણાવાયું હતું.
ચીની અતિક્રમણની વાત સંસદમાં પહોંચતા સત્તાપક્ષે બચાવ શરૂ કરતા વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. જેમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસનું વલણ બેવડું છે. ચીને ભારતની એક પણ ઈંચ જમીન પર કબજો નથી જમાવ્યો આપણા સૈનિકોએ બહાદુરી બતાવી છે. બાદમાં સંસદની બહાર અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રશ્નકાળ ચાલવા દીધો નહીં, અમે તેમને જવાબ આપવા માટે જણાવ્યું હતું પણ તેમણે સસંદનું કાર્ય થવા દીધું ન હતું. સાથે જ તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી પૈસા મળ્યા હતા અને એફસીઆરએનું લાયસન્સ રદ્દ થયું હતું તેવી વાત કરતા તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને રૂપિયા 1.38 કરોડ મળ્યા હતા. તેમજ અમિત શાહે વર્ષ 1962માં કોંગ્રેસના શાસનમાં ચીને ભારતની હજારો એકર જમીન હડપી હોવાનો પણ દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંસદના કામકાજની શરૂઆત પહેલા જ રાજનાથસિંહે પોતાના નિવાસે એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ સહિત સેનાની ત્રણેય પાંખના વડાઓએ હાજર હતા. તેમણે ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ વિશે માહિતી આપી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








