નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદના કોંગ્રેસ શહેર પ્રમુખ અને દરિયાપુરના કોર્પોરેટર નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડ્યુ હતું. આ અંગે કેટલાક મીડિયાના અહેવાલમાં પણ રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી હતી. જેના પગલે રાજીનામું આપવા અંગેની ખરાઈ કરતા નવજીવન ન્યૂઝે કોંગ્રેસ શહેર પ્રમુખ નિરવ બક્ષી સાથે વાત કરી હતી. જેમાં તેમણે રાજીનામાની વાતને ખોટી અને અફવા ગણાવતા કહ્યું હતું કે, મેં રાજીનામું આપ્યું નથી.
મહત્વની વાત છે કે અમદાવાદ કોંગ્રેસમાં લાંબા સમયથી વિપક્ષના પદને લઈ ડખ્ખો ચાલી રહી રહ્યો છે. આ સમગ્ર મામલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સુધી પણ પહોંચ્યો છે. જે બાદ નક્કી થયું હતું કે, એક-એક વર્ષ માટે કોર્પોરેશનના વિપક્ષ નેતા તરીકે કોર્પોરેટરો પદ ભોગવશે. આ વાતમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરે સહમતી દર્શાવી હતી. હાલ વિપક્ષ નેતા તરીકે દાણીલીમડા કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ છે અને તેઓ એક વર્ષથી વધુ સમયથી વિપક્ષ નેતાનો પદભાર ભોગવી રહ્યા છે. છતાં વિપક્ષ નેતા બદલવામાં ન આવતા કોંગ્રેસમાં આતંરિક વિખવાદે ફરી જોર પકડ્યું છે.
ત્યારે વિપક્ષ નેતાને લઈ ગુજરાત પ્રદેશ સમિતિ તરફથી અત્યાર સુધી કોઈ નિર્ણય ન થતા નેતાઓમાં અંદરખાને નારાજગી ચાલી રહી છે. જેના પગલે આગામી દિવસોમાં કોંગ્રેસમાં નવા-જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.








