નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Cyber Crime News: રાજ્યમાં હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે અને શાળાઓમાં બાળકોને વેકેશન પણ પડી ગયું છે. તેવામાં પરિવાર સાથે ઉનાળા વેકેશનની મજા માણવા માટે મોટા ભાગના લોકો ફરવા માટે જતા હોય છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) એક વ્યક્તિએ ગુજરાતની નજીક આવેલા સંધ પ્રદેશ દિવ (Diu) ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આ વ્યક્તિએ દિવમાં રિસોર્ટ બુક (Diu Resort Book) કરવા જતા તેને રૂપિયા ત્રણ લાખનો ચુનો (Fraud) લાગતા હાલ મામલો પોલીસ (Ahmedabad Police) સ્ટેશનને પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા 44 વર્ષીય સત્યમ ખેર નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સત્યમે દિવ ફરવા જવાનું હોવાથી રિસોર્ટ બુક કરાવા માટે ગૂગલ પરથી રિસોર્ટની વિગત મેળવીને તેમાં દર્શાવેલા નંબર પર ફોન કર્યો હતો અને રિસોર્ટનું ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું. સામેથી વાત કરનાર વ્યક્તિએ એક દિવસ રિસોર્ટ બુક કરવા માટે રૂપિયા 5400 હોવાની જાણકારી આપી હતી.
જેથી સત્યમે બે દિવસે માટે રિસોર્ટ બુક કરવા માટે રૂપિયા 10,800 ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે રિસોર્ટમાંથી વાત કરનારા વ્યક્તિએ તેમને પૈસા મળ્યા ન હોવાનું કહીને ફરીથી પૈસા મોકલવા માટે કહ્યું હતું. ઉપરાંત અગાઉ મોકલેલા પૈસા તેમને મળશે તો રિફંડ કરી આપવાની ખાતરી આપી હતી. જેથી સત્યમે બીજી વખત રૂપિયા 10,800 મોકલી આપ્યા હતા. ત્યારબાદ સત્યમે રિફંડ મેળવા માટે ફોન કરતાં રિસોર્ટમાંથી વાત કરનારા વ્યક્તિએ મોટી રકમ ટ્રાન્સફર કરશો તો જ પૈસા રિફંડ મળશે તેમ જણાવીને સત્યમ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 3.05 લાખ પડાવી લીધા હતા. લાખો રૂપિયા આપ્યા બાદ પણ પૈસા રિફંડ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સમગ્ર મામલે સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેક્નોલોજીનો વ્યાપ વધતા હવે લોકો ગૂગલના ભરોષે રહેતા હોય છે. પરંતુ ગૂગલ પર આવતી તમામ માહિતી સાચી હોતી નથી, કેટલીક ઠગ ટોળકી ખોટી વેબસાઈટ બનાવી પોતાના નંબર મુકી દેતી હોય છે. જેથી તે લોકોના સંપર્કમાં આવતા જ લોકોને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. અગાઉ પણ ગૂગલ પરથી નંબર લેવાના ચક્કરમાં અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. જો તમે પણ ગૂગલ પરથી નંબર મેળવીને સસ્તા પેકેજની લાહ્યમાં નાણાની લેવેડ દેવડ કરતા હોય તો 10 વખત ચકાસણી કરી પૈસા ટ્રાન્સફર કરજો નહીંતર તમારે પણ છેતરાવાનો વારો આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








