નવજીવન ન્યૂઝ. શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. પહેલગામના ચંદનવાડીમાં ITBના જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં છ જવાન શહીદ થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા છે. બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 19 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે તમામ જવાનો અમરનાથ યાત્રાની ડ્યુટી પર હતા. અમરનાથ યાત્રા પૂરી થયા બાદ જવાનો પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બ્રેક ફેલ થતાં બસ નદીમાં પડી હતી. હાલ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના ચંદનવાડી પહલગામ પાસે એક માર્ગ અકસ્માતમાં છ ITBP જવાનોના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
દરમિયાન, ડીસી અનંતનાગ ડો પીયુષ સિંગલાએ જણાવ્યું કે જીએમસી અનંતનાગ, જિલ્લા હોસ્પિટલ અનંતનાગ અને એસડીએચ તબીબી ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. 19 એમ્બ્યુલન્સને પહેલા સ્થળ પર મોકલવામાં આવી હતી. એસડીએમ, પોલીસ, એસડીઆરએફ સહિતના સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે છે અને મોટા પાયે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તમામ તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.








