Thursday, April 30, 2026
HomeBusinessચીનની સમસ્યાને લીધે આયર્ન ઓરમાં ધ્રૂજરા ટોન ભાવ તૂટયા

ચીનની સમસ્યાને લીધે આયર્ન ઓરમાં ધ્રૂજરા ટોન ભાવ તૂટયા

- Advertisement -

જાન્યુઆરીથી જૂન સુધીમાં આયર્ન ઓરના ભાવ વાર્ષિક ધોરણે ૨૬ ટકા ઘટયા

ભારતમાં આયર્ન ઓરના ભાવ બોટમ આઉટ થયાના સંકેત

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આયર્ન ઓરની જાગતિક બજાર ધ્રૂજરા ટોન ઘટવા ચાલી છે. શુક્રવારે ડેલિયાન અને સિંગાપુરમાં બે ટકાનો ભાવ ઘટાડો થયા પછી સોમ આને મંગલવારે પણ ભાવ ઘટયા હતા. વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક દેશ ચીનમાં, રિયલ એસ્ટેટ ઉધ્યોગમાં લોન ભરપાઈ સંદર્ભે કટોકટી સર્જાયાના અહેવાલે ટ્રેડરોએ તેમની લેવાલી અટકાવી દીધી છે. ચીનના ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ પર બેન્ચમાર્ક ૬૨ ટકા ફેરો ફાઈનેસ આયર્ન ઓર જાન્યુઆરી ૨૦૨૩ વાયદો મંગળવારે ૩ ટકા ઘટી ૭૦૮ યુઆન (૧૦૫ ડોલર) પ્રતિ ટન મુકાયો હતો. જ્યારે ઉત્તર ચાઈના પોર્ટ પર હાજર ભાવ ૪.૧ ટકા ઘટીને ૧૦૪.૪૦ ડોલર રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ટ્રેડરોના લાભાર્થે મે ૨૦૧૮માં જગતના સૌથી મોટા આયાતકાર દેશ ચીનમાં આયર્ન ઓર વાયદો શરૂ થયો હતો. શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર રિબાર વાયદો ૪.૨ ટકા ઘટી ૩૮૮૮ યુઆન રહ્યો હતો. શીંગાપુર એક્સ્ચેન્જ પર પાકતો સપ્ટેમ્બર આયર્ન ઓર વાયદો ૪.૪ ટકા ઘટી ૧૦૫.૯૮ ડોલર મુકાયો હતો. અલબત્ત, ચીનની કેટલીક સ્ટીલ મિલોએ, નફાશક્તિમાં નજીવો વધારો અને કેટલાંક શહેરોમાં બાંધકામ પ્રવૃત્તિ વધ્યાના અહેવાલથી પ્રેરાઇને ખાલી પડેલી બ્લાસ્ટ ફરનેશ (ભઠ્ઠી) ફરી શરૂ કરી છે.

ચીનમાં ડી-કાર્બનાઇઝેશનના લક્ષ્યાંકો પૂર્ણ કરવા અને ઉધ્યોગમાં રાજ્યવાર સેકટર પ્રમાણે વધુ પડતી ઉત્પાદન ક્ષમતાને ઘટાડવાની, ગતવર્ષથી શરૂ થયેલી યોજનાને પૂર્ણ કરવા સ્ટીલ ઉધ્યોગ અને સરકારી અધિકારીઓ બંને પ્રતિબધ્ધ થયા છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિકમાં આયર્ન ઓરના ભાવ વેગથી ઘટવા લાગતાં નિકાસને ઘટાડાવાની પ્રેરણા મળી હતી. જાન્યુઆરીથી જૂન સુધીમાં આયર્ન ઓરના ભાવ વાર્ષિક ધોરણે ૨૬ ટકા ઘાટીને સરેરાશ ૧૩૫ ડોલર રહ્યા હતા. ચીનની સ્થાનિક ૪૦ ટકા સ્ટીલ માંગ જેના પર નિર્ભર છે તે બાંધકામ ડેવલપરો સામે, કોવિદ-૧૯ લોકડાઉન અને નાણાકીય સમસ્યાઓ પહાડ બનીને ઊભી છે. બીજી તરફ સ્ટીલ ઉત્પાદકોના કાચામાલો અને માંગ બંને ઉપર વાદળો ઘેરાયેલા છે.

- Advertisement -

આ તરફ ચીને, રશિયન આયર્ન ઓરની આયાત સ્વીકારવાની ના કહી દીધી છે. આથી પાછલા છ મહિનામાં મૂલ્યની દ્રષ્ટિએ ૪૦ ટકા અને જથ્થાની દ્રષ્ટિએ ૨૦ રશિયન આયર્ન ઓર આયાત ઘટી છે. વિશ્વભરમાં સ્ટીલના ભાવ ઘટવા સાથે યુરોપનો વેપાર પ્રતિબંધ આવતા, અનેક રશિયન કંપનીઓ નકારાત્મક નફા સાથે કામ કરી રહી છે.

અલબત્ત, ભારતમાં આયર્ન ઓરના ભાવ બોટમ આઉટ થયાના સંકેતો મળે છે. ભારતની સૌથી મોટી આયર્ન ઓર ઉત્પાદક સરકારી માલિકીની એનએમડીસી એ તત્કાળ અમલથી ગત સપ્તાહે તેના લમ્પ (લોખંડ ગઠ્ઠા)ના ભવમાં ટન દીઠ રૂ. ૨૦૦ વધારી રૂ. ૪૧૦૦ અને ફાઈનેસ ઓરના ભાવ રૂ. ૧૦૦ વધારીને રૂ. ૨૯૧૦ કર્યા હતા. જોકે કંપની એવા કોઈ સંકેત આપ્યા ન હતા કે અહીથી વધુ ભાવ વધારો કરવામાં આવશે કે નહીં. કંપની કહ્યું હતું કે ભારે વરસાદને લીધે ખાણ ક્ષેત્રમાં ઉત્પાદન સમસ્યા સર્જાઇ છે.

એનએમડીસી એ વર્તમાન નાણાકીય વર્ષમાં ૪૬૦ લાખ ટન આયર્ન ઓર ઉત્પાદનનો લક્ષ્યાંક રાખ્યો છે, જે ગત વર્ષ કરતાં ૧૦ ટકા વધુ છે. ભારતના અદાણી ગ્રુપે પૂર્વ ઓરિસ્સામાં મૂલ્યવર્ધિત આયર્ન ઑર્ કોમ્પ્લેકસ બાંધવા અને એલ્યુમિના રિફાઇનરીમાં ૭૨.૯ લાખ ડોલરની મૂડી રોકાણ યોજના તૈયાર કરી છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular