નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આગામી 31 ઓગસ્ટથી લઈને 9 સપ્ટેમ્બર દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી થવાની છે. તેવામાં અમદાવાદમાં પોલીસ કમિશનરનો ઈનચાર્જ સંભાળી રહેલા અજયકુમાર ચૌધરી દ્વારા ગણેશ મહોત્સવને ઘ્યાનમાં રાખીને જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. ગણેશજીની મૂર્તિની ઉંચાઈને લઈને નિયમ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદના ઈનચાર્જ પોલીસ કમિશનરના જાહેરનામાં જણાવવામાં આવ્યું છે કે, મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓના કદની ઉંચાઈનું યોગ્ય અને નિયત ધોરણ જાણવી રાખવામાં આવે જેથી કરીને વિસર્જન વખતે શોભાયાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ઉપરાંત મૂર્તિ બનાવટમાં બીજા ધર્મના લોકોની લાગણી એવા કોઈ ચિહ્ન કે નિશાન રાખવા નહીં. મૂર્તિ બનાવવા માટે ઝેરી કેમીકલનો ઉપયોગ નહીં કરી શકાય.
ગણેશજીની માટીની મૂર્તિ 9 ફુટ કરતા વધારે ઉંચાઈની બનાવવા, વેચવા અને સ્થાપના નહીં કરી શકાય. જ્યારે પી.ઓ.પીની મૂર્તિ 5 ફુટથી વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપના, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શોભાયાત્રા મંજુર કરેલા રૂટ પર કાઢી શકાશે. ઉપરાંત AMC દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરવુ પડશે.








