નવજીવન. નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દરમિયાન દિલ્હીમાં ભાજપ મુખ્યાલયના 42 કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ આ માહિતી આપી છે. ભાજપની કોર ગ્રુપની બેઠક પહેલા સોમવારે સામૂહિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ આજે 42 સ્ટાફ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ચેપ ગ્રસ્ત લોકોમાંથી ઘણા સફાઈ કામદારો છે. આ બધાને આઈસોલેશનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસ પ્રકાશમાં આવ્યા બાદ મધ્ય દિલ્હીના મિન્ટો રોડ પર ભાજપના મુખ્યાલયનું સંપૂર્ણ પણે સેનિટાઇઝેશન કરવામાં આવ્યું છે. ભાજપે એક નવો પ્રોટોકોલ શરૂ કર્યો છે, જે અંતર્ગત દિલ્હી મુખ્યાલયના તમામ કર્મચારીઓનું કોઈ મોટી બેઠક પહેલાં કોવિડ-19નું પરીક્ષણ કરવામાં આવશે. ભાજપના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે, “ઓફિસ સાથે સંબંધિત જરૂરી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો જ મુખ્યાલયમાં આવી રહ્યા છે.”
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈને મંગળવારે ભાજપના મુખ્યાલયમાં બેઠક યોજાઈ હતી. આજે બીજા રાઉન્ડની બેઠક મળશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મી, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ પણ સોમવારે કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.








