નવજીવન ન્યૂઝ. નવસારી: નવસારીમાં એક વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે. પોલીસે જે વ્યક્તિની હત્યાના બનાવમાં બે લોકોની ધરપકડ કરી હતી તે જીવિત હોવાનું સામે આવતા પોલીસની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. પોલીસે બિનવારસી લાશને જીવતા માણસ નામે ઓળખાવી દીધી હતી.
માહિતી અનુસાર, નાગુલાલ નામનો પરપ્રાંતિ યુવક ખોરાક શોધવા માટે એક ઘરમાં ઘૂસી ગયો હતો. તે દરમિયાન લોકોએ બૂમાબૂમ કરતાં તે નાશી ગયો હતો. આ સમય દરમિયાન પોલીસને એક બિનવારસી લાશ મળી હતી. જેનો ચહેરો નાગુલાલ જેવો દેખાતો હતો. જેથી પોલીસના અનુમાન અનુસાર નાગુલાલ ઘરમાં ઘૂસ્યાની અદાવત રાખીને મદન સુખલા અને સુરેશ બાટેલાએ તેની હત્યા કરી હતી. સુરેશે નાયલોનની દોરી વડે નગુલાલનું ગળું દબાવીને હત્યા કરી હતી અને આ હત્યાને આત્મહત્યામાં ફેરવી લાશને ધાબળામાં લપેટી લાશને સગેવગે કરવાના આરોપમાં બંનેની ધરપકડ કરી હતી.
પોલીસને મળેલી બિનવારશી લાશ નાગુલાલની હોવાનું જણાવી તેના ભાઈને આપી હતી. જેથી તેનો ભાઈ નાગુલાલની લાશને લઈને પોતાના વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો જ્યાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ વાતની જાણ પોતાના સગાને કરતાં કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો. એક સગાએ કહ્યું નાગુલાલ તો જીવિત છે અને છેલ્લા ઘણા દિવસોથી તેના ઘરે રહે છે. પોતાના જ મોતના સમાચાર મળતા નાગુલાલ પોતાના વતન મધ્યપ્રદેશ અને ત્યાર બાદ નવસારી પાછો આવ્યો. નાગુલાલ જીવિત છે આ વાત સાંભતા જ પોલીસની આંખો ચાર થઈ ગઈ.
પોલીસે પોતાની ભૂલ સુધારવાને બદલે નાગુલાલ જીવિત ફરત ફર્યા છતાં ચાર્જશીટમાં તેની હત્યા થઈ હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત પી.એમ રિપોર્ટમાં પણ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના અનુસાર આ લાશ નાગુલાલની હોવાનું ખોટું નીકળતા આખરે આ લાશ કોની અને તેની હત્યા કોણે કરી તે હજી એક મોટો સવાલ બની ગયો છે.
સમગ્ર મામલે અધિક સત્ર કોર્ટના ન્યાયાધીશ સારંગા વ્યાસે બન્ને આરોપી સુરેશ અને મદનને દોષમુક્ત જાહેર કર્યા હતા. ઉપરાંત બન્નેને 50-50 હજારનું વળતર ચૂકવવા તપાસ અધિકારી પ્રદીપસિંહ ગોહિલને આદેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓને જામીનમુક્તિ સુધી જેલમાં રહેવું પડ્યું હોવાથી ભારે યાતનાઓ સહન કરવી પડી હતી. જેથી પોલીસે 1 મહિનામાં બન્ને આરોપીઓને વળતર ચૂકવવું પડશે.








