ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): અમેરિકાની સૌથી મોટી નેચરલ ગેસ નિકાસકાર ફેસેલીટી ફ્રીપોર્ટ લિકવિફાઈડનેચરલ ગેસ ટર્મિનલમાં આગ લાગ્યા પછી ભાવ ગત બુધવારે ૧૪ વર્ષની નવી ઊંચાઈએ ૯.૬૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટની ઊંચાઈએ પહોંચી ગયો હતો. પણ આગામી ઉનાળુ મોસમની સ્થાનિક એર-કન્ડિશનિંગ મોટી માંગને પૂરી કરવા, અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને અહેવાલ આપ્યા કે સ્થાનિક સ્ટોરેજ ફેસેલિટીઝમાં સાપ્તાહિક સ્ટોરેજ ફિલિંગમાં નજીવો સુધારો થયાના અહેવાલ આવતા ભાવમાં ૧૪ ટકાનું ગાબડું પડ્યું હતું.
નેચરલ ગેસના તેજીવાળાઓએ અમેરિકન ફ્રીપોર્ટ લિકવિફાઈડનેચરલ ગેસ ટર્મિનલ પર આગ લાગી તેના પગલે મોટી તેજી કરી બેઠા હતા, તેમણે શુક્રવારે નફા બુકિંગ કર્યું હતું. અમેરિકન એલએનજી પ્રોસેસીંગમાં ફ્રીપોર્ટ ૨૦ ટકા હિસ્સો આપે છે, ટેક્સાસ ગલ્ફ કોસ્ટ પર આગને લીધે માત્ર ત્રણ સપ્તાહ સુધીજ બંધ રહેશે, એવા અહેવાલ પછી ખાસ કરીને યુરોમાં સર્જાનારી અછતનો ભય ઓછો થયો હતો.
અલબત્ત, સપ્લાય સ્થિતિ ટાઈટ રહેવાની છે, એવી માન્યતા સાથે નાયમેક્સ જુલાઇ વાયદો ૧૧.૩ સેંટ ઘટીને શુક્રવારે ૮.૮૬ ડોલર અને ઓગસ્ટ વાયદો ઘટીને ૮.૮૭ ડોલર મુકાયો હતો. ટૂંકમાં એનાલીસ્ટો માને છે કે આ તેજી જળવાઈ રહેવાનું જોખમ હજુ પૂરું નથી થયું. જો કે ફ્રીપોર્ટની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ ના ત્યાં સુધી બજારમાં વિશ્વાસની કટોકટી સર્જાઇ રહેવાની શક્યતા પણ એટલીજ છે.
જ્યાં સુધી યુરોપિયન દેશો, રશિયન પાઇપલાઇન પરની નિર્ભરતા ઓછી નહીં કરે ત્યાં સુધી હાજર નેશરલ ગેસના ભાવ નવા વિક્રમો તરફ આગળ વધશે અને અફડાતફડી પણ જળવાઈ રહેશે. હાજર ભાવની આવી અફડાતફડીથી બચવા, વપરાશી ગ્રાહકો લાંબાગાળાના કરારો કરવાના આગ્રહી બન્યા છે. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને ૩ જૂને પૂરા થયેલા સપ્તાહમાં ૯૭ બિલિયન ક્યુબિક ફૂટ ગેસ, અંડર ગ્રાઉન્ડ ટાંકામાં ઠાલવ્યો, તેથી કૂલ સ્ટોક ૧૯૯૯ બીસીએફ રહ્યો હતો.
જો કે ગતવર્ષ કરતાં આ સ્ટોક ૩૯૮ બીસીએફ અને પાંચ વર્ષની સરેરાશ કરતાં ૩૪૦ બીસીએફ ઓછો હતો. બજારમાં એવી માન્યતા હતી કે સ્ટોરેજ ડેટા વધુ આવશે, અને તેથીજ બજારની માન્યતા કરતાં ડેટા સહેજ સારા આવ્યા પછી બજારમાં સુધારો જળવાયો ના હતો.
મોબિયસ રિસ્ક ગ્રુપે એક નોંધમાં કહ્યું હતું કે અમેરિકા પાસે હજુ પણ વાર્ષિક ૩૦૩ લાખ ટન એલએનજી લિકવિફીકેશન ક્ષમતાનો વધારો કરવાની જગ્યા છે. અને ૨૦૨૬ સુધીમાં વાર્ષિક ૨,૨૦૩ લાખ ટન ક્ષમતાનો ઉમેરો થવાની શકયતા છે. આ જોતાં ટૂંકાગાળામાં નેચરલ ગેસના ભાવ ૯ ડોલરની સપાટી ગુમાવે તેવી શક્યતા નહીં હોવાથી મંદિવાળાની ચિતા વધી છે. વળી રશિયાનું યુક્રેન પર આક્રમણ જાગતિક નેચરલ ગેસની બજારની તરફેણ કરવા લાગ્યું છે.
પણ ૨૦૨૨ અને ૨૦૨૬ વચ્ચે અમેરિકા આખા વિશ્વની ૫૭ ટકા એલએનજી લિકવિફીકેશન ક્ષમતા પ્રાપ્ત કરી લે તેવી શક્યતા છે. ટૂંકાથી મધ્યમગાળામાં પણ અમેરિકન એલએનજી ક્ષમતા પ્રાપ્ત કરી લે તેવી શક્યતા પણ ઊજળી છે. યુરોપિયન દેશો પણ રશિયાની સપ્લાય જાળમાંથી નીકળવા ઉધામાં કરી રહ્યા છે. શક્ય છે કે તે ૨૦૨૭ સુધીમાં નેચરલ ગેસ બાબતે આવી સ્વતંત્રતા પ્રાપ્ત કરી લે. ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર યુરોપના ડેટા કહે છે કે ૮ જુન સુધી યુરોપિયન યુનિયનની ગેસ સ્ટોરેજ ક્ષમતા ૫૦ ટકા સુધી ભરેલી હતી.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











