નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા ગુજરાતનું રાજકારણ ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. ગુજરાતનાં રાજકારણમાં નવી એન્ટ્રી લઈ રહેલી આમ આદમી પાર્ટીએ ગઇકાલે જ પોતાના નવા સંગઠનની જાહેરાત કરી હતી અને અલગ અલગ નેતાઓને જવાબદારીની સોંપણી કરી હતી, ત્યાર બાદ આજે ફરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ AAP ગુજરાતનાં પ્રદેશ કાર્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યુ હતું કે આગામી સમયમાં વીજળી અને શિક્ષણ સહિતના મુદ્દાઓ ઉઠાવીશું.
ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, “આખા દેશમાં માત્ર દિલ્હીમાં જ જનતાને ફ્રીમાં વીજળી આપવામાં આવે છે અને પંજાબમાં આ યોજન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. જો પંજાબ અને દિલ્હીની જનતાને ફ્રીમાં વીજળી મળતી હોય તો ગુજરાતની જનતાને કેમ ન મળે. આગામી સમયમાં અમે આ જ માગ સાથે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. જો અરવિંદ કેજરીવાલની દિલ્હી અને પંજાબની સરકાર લોકોને મફત વીજળી આપી શકે છે તો ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકાર મફત વીજળી કેમ નથી આપી શકતી? ગુજરાતમાં વીજળીના ભાવના નામે લોકો કેમ લૂંટાય છે? આ લૂંટમાંથી પ્રજાને બચાવવા અમે આવનારા સમયમાં વીજળીના મુદ્દે આગળ વધવાના છીએ.”
તેમણે આમ આદમી પાર્ટીના આગામી કાર્યક્રમ અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, “છેલ્લા ઘણા સમયથી અમે શિક્ષણના મુદ્દાને લઈને લડી રહ્યા છે હવે આગામી સમયમાં વીજળીના મુદ્દાને લઈને વિરોધ કરીશું. 15મી જૂનથી આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં વીજળી નું આંદોલન શરૂ કરવા જઈ રહી છે. 15મી જૂને ગુજરાતની આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં પત્રકાર પરિષદ યોજી મોટી માત્રામાં કલેક્ટર કચેરીમાં જઈને કલેક્ટરને આવેદન આપશે અને ગુજરાતની જનતાને પણ મફત વીજળી મળે તેવી માંગ કરશે. આમ આદમી પાર્ટી હવે, જનતાને લૂંટવા માટે ભાજપના લોકોએ વીજ કંપનીઓ સાથે મળીને બનાવેલા પ્લાનને રોકવાનું કામ કરશે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “16મી જૂનથી 24મી જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વીજળીના મુદ્દે ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે. તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીના તમામ રાજ્ય અને જિલ્લા અધિકારીઓના નેતૃત્વમાં રેલી, પદયાત્રા, મશાલ યાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમો દ્વારા વીજળીના મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આમ આદમી પાર્ટી ગુજરાતના 1-1 નાગરિકો નો અભિપ્રાય જાણશે અને આ માટે “માંગણી પત્રક” ભરવામાં આવશે. આ ‘માંગણી પત્રક’ દ્વારા ગુજરાતના હજારો કાર્યકર્તાઓ દ્વારા લોકોના અભિપ્રાય લેવામાં આવશે. મોંઘી વીજળી વિશે તેઓ શું જાણે છે અને શું ઇચ્છે છે તે લોકો પાસેથી જાણવામાં આવશે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











