Monday, April 20, 2026
HomeGujaratતિલકવાડાના વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનોની રસ્તા માટે ભૂખ હડતાલની ચીમકીઃ રેલવેએ...

તિલકવાડાના વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના આગેવાનોની રસ્તા માટે ભૂખ હડતાલની ચીમકીઃ રેલવેએ ખેડૂતોને કુણીએ ગોળ ચોપડ્યો

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): નર્મદા જિલ્લાના તિલકવાડાના વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ખેડૂતોને મોરિયા ગામની સીમમાં જવા માટેનો રસ્તો ચાંદોદ કેવડિયા રેલવે લાઈન નંખાઈ જતા એ રસ્તો બંધ થઇ ગયો છે. જેથી આ ગામોના 70 થી 80 ખેડૂતોને સામેની બાજુએ આવેલી હજારો એકર જમીનો પર ખેતી કરવા જવામાં ખુબ પરેશાની થઈ રહી છે. ખેતરમાં કોઈ પણ કામ હોય 20 થી 25 કિમિનો ફેરો પડે છે. હવે આ સમસ્યાનો અંત ત્યારે જ આવે જ્યારે મોરિયા ગામ પાસે એક ગરનાળુ કે ફાટક બનાવી આપવામાં આવે.



- Advertisement -

એ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યાનુસાર તેમણે અને ગ્રામ પંચાયતે રસ્તા બાબતે અનેક વાર રેલવે વિભાગમાં રજૂઆત કરી બાદ એ વિસ્તારમાં સર્વે પણ થયું, બ્રિજ 51 થી ડાબી બાજુએ રસ્તો બનાવી આપવાનું પ્રતાપનગર રેલવે ડિવિઝનના અધિકારીઓએ બેઠક કરી નક્કી કર્યું. નાંદોદ એસ.ડી.એમ દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો હતો છતાં આજ દિન સુધી ખેડૂતોનો આ પ્રશ્ન ઉકેલાયો નથી. જેથી હવે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો મૂડ બનાવ્યો છે. વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના સંબધિત આધિકારીઓને આવેદન આપી ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે.

આ બાબતે તિલકવાડાના બર્કતુલ્લા રાઠોડે જણાવ્યું હતું કે પ્રતાપનગર રેલવે વિભાગ અને જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી સહિત તમામને રસ્તાની માંગ બાબતે રજૂઆતો કરી થાકી ગયા છે. સર્વે કરી બ્રિજ 51 થી ડાબી બાજુએથી રસ્તો આપવાની વાત પણ નક્કી થઇ પણ કઈ જગ્યાએ કામ અટકે છે એ ખબર પડતી નથી.આગામી 31 માર્ચ સુધીમાં કોઈ નિકાલ નહીં આવે અથવા રસ્તાની કામગીરી ચાલુ નહીં કરવામાં આવે તો વરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ સહીત પાંચથી દસ આગેવાનો મામલતદાર કચેરી બહાર ભૂખ હડતાલ પર ઉતરીશું.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular