Friday, April 17, 2026
HomeGujaratAhmedabad'નાદાન': જીંદગી જાણ કરીને રસ્તો બદલતી નથીઃ એક લાલ લાઈટવાળી પોલીસની કાર...

‘નાદાન’: જીંદગી જાણ કરીને રસ્તો બદલતી નથીઃ એક લાલ લાઈટવાળી પોલીસની કાર દરવાજામાં દાખલ થઈ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): Nadaan Web Series: જીંદગીની પોતાની શરતો હોય છે, જીંદગી કયારેય આપણા કહ્યામાં હોતી નથી, આપણે માનીએ છીએ કે આપણે જીંદગીને હંકારીએ છીએ, પણ ખરેખર આપણી જીંદગીનું સ્ટીયરીંગ વ્હીલ કોઈ અજાણી શકિતના હાથમાં છે, આપણે ઈશ્વર ઉપર ભરોસો કરવો કે નહીં તે દરેકનો વ્યકિતગત મત છે, પરંતુ ક્રમશ જીંદગીમાં મને સમજાયું કે આપણી સમજશકિતની બહાર કંઈક થઈ રહ્યું છે. 2015માં મેં મારી પત્રકારત્વની 30 વર્ષની સફર પસાર કરી હતી, 30 વર્ષ દરમિયાન મારૂ મોટા ભાગનું રિપોર્ટીંગ પોલીટીકલ અને ક્રાઈમનું રહ્યું, મારી અનેક સ્ટોરીઝ એવી રહી કે જેના કારણે રાજનેતાઓ અને અંડર વર્લ્ડના લોકો જેલમાં ગયા, જેમ જેમ મારી સ્ટોરીઝ સાચી પડતી ગઈ તેમ તેમ મને પોરશ ચઢતું ગયું, આ પણ એક પ્રકારનો નશો હોય છે, જો કે કોઈ પણ પ્રકારના નશામાં માણસ જીંદગીને સરળતાથી સમજી શકતો નથી અને નશામાં તે પોતાનું એક અલગ વિશ્વ નિર્માણ કરે છે, તેને બીજાના વિશ્વની ફિકર જ હોતી નથી.



- Advertisement -

2015માં અચાનક મારી જીંદગી બદલાઈ, જીંદગી રસ્તો બદલાતા પહેલા મને જરા સરખો અંદાજ પણ આવ્યો નહીં, સંજોગો એવા બદલાયા કે હું મારા રિપોર્ટીંગના કામ ઉપર એટલો મુસ્તાદ હતો કે મારી પાસે કામ નહીં હોય તેવો મેં કયારેય વિચાર જ કર્યો ન્હોતો, પણ 2015માં બધુ જ બદલાઈ ગયું, એક પત્રકાર તરીકે મારા માટે બધાને આદર હોવા છતાં મને કોઈ કામ આપવા તૈયાર ન્હોતું, વિવેક દેસાઈ મારો જુનો દોસ્ત 2003માં અમે એક અખબારમાં સાથે કામ કરતા હતા, વિવેક મુળ તો ફોટોગ્રાફર પણ કુદરતે તેનો રસ્તો પણ બદલ્યો અને વિવેક ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીની ભૂમિકામાં આવી ગયો, વિવેકનો પ્રસ્તાવ હતો કે હું કામની શોધમાં છું અને વિવેક કોઈ સારી વ્યકિતને નવજીવનમાં કામ આપવા માગે છે, પરંતુ બેફામ જીંદગી જીવવાની જેને આદત હોય તે માણસ ગાંધીજીની સંસ્થામાં કઈ રીત ગોઠવાઈ શકે? તેવો મને પ્રશ્ન હતો, મનમાં અનેક ગુંચવાડાઓ હતા, પણ નિયતની સ્ક્રીપ્ટ પ્રમાણે હું 2016 નવજીવન ટ્રસ્ટનો હિસ્સો બન્યો, હું નવજીવનમાં આવી તો ગયો, પણ હવે કરવું શું? તેની મને કંઈ જ ખબર ન્હોતી, તે દિવસ સોમવારનો દિવસ હતો, હું અને વિવેક નવજીવન ટ્રસ્ટની બહાર બેઠા હતા, ઓફિસ છુટી ગઈ હતી અને અમારા બંન્ને સિવાય કોઈ ન્હોતું, મારા મનમાં ધમાસાણ ચાલી રહ્યું હતું કારણ હું નવજીવનમાં જોડાઈ તો ગયો હતો, પરંતુ મારી પાસે કોઈ કામ ન્હોતું, સામાન્ય રીતે વિવેક બહુ ઓછો સંવાદ કરે, તે ચુપ હતો અને મારૂ મગજ બોલ્યા કરતું હતું, ત્યારે જ એક લાલ લાઈટવાળી પોલીસની કાર નવજીવનના ગેટમાં દાખલ થાય છે, મેં વિવેક સામે જોયું, તે પણ વિચારમાં હતો કે કોણ હશે, કાર ઉભી રહેતા, એક યુવાન પોલીસ અધિકારી કારમાંથી ઉતર્યા, મેં તેમનો ચહેરો જોયો અને યાદ કરવાનો પ્રયત્ન કર્યો, અચાનક મને યાદ આવ્યું આ તો આઈપીએસ અધિકારી સુનીલ જોશી છે, અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપ્રીટેન્ડન્ટ છે. મધ્યમ કાઠીના સુનીલ જોશી અમારી તરફ આવ્યા, વિવેક પાસે આવીને કહ્યું સમીરભાઈએ તમને ફોન કર્યો હશે. વિવેકને તરત યાદ આવ્યું અને તેમને બેસવાનો ઈશારો કર્યો નવજીવન ટ્રસ્ટના વિશાળ ઓટલા ઉપર રહેલા લાકડાના ટેબલ ઉપર સુનીલ જોશી બેઠા, તેમના હાથમાં કેટલાક કાગળો હતા.


- Advertisement -

તેમણે તે કાગળ અમારી તરફ આગળ ધરતા વાતની શરૂઆત કરતા કહ્યું અમારી જેલમાં કેદીઓ ખુબ સારૂ લખે છે, પણ તે પ્રસિધ્ધ થતું નથી, તેમ કહી તેમણે કેદીઓની રચના અમને બતાડી, મેં પણ તે રચનાઓ વાંચી, સુનીલ જોશીએ કહ્યું જો તમે અમારૂ કેદીઓની આ માસીક છાપી આપો, તો અમને મોટી મદદ મળશે. વિવેક આ કામ માટે તૈયાર હતો, અચાનક વિવેકે મારી તરફ ઈશારો કરતા કહ્યું આ પત્રકાર પ્રશાંત દયાળ છે મારો મિત્ર છે અને હવે અમારી સાથે નવજીવનમાં કામ કરે છે, સુનિલ જોશીના ચહેરા ઉપર આશ્ચર્ય દોડી આવ્યું, તમે જ પ્રશાંત દયાળ, મેં હા પાડી, અરે મેં તો તમને ખુબ વાંચ્યા છે, તેમના ચહેરા ઉપર કોઈ ગમતા માણસને મળ્યાનો આનંદ હતો. તેમણે મને કહ્યું તમે આવોને અમારી જેલ ઉપર આપણે મળીશું, મેં હા પાડી પણ મને જેલ શબ્દ સાંભળતા જરા સારૂ લાગ્યું નહીં પણ પછી તેઓ જે કામ લઈ આવ્યા હતા તે સંદર્ભમાં મારે પંદર દિવસ પછી સાબરતી જેલમાં સુનીલ જોશીને મળવા જવાનું થયું. ચા પીતા અમે વાતો કરી રહ્યા હતા ત્યાં અચાનક મને સુનીલ જોશીએ કહ્યું પ્રશાંતજી તમે નવજીવન ટ્રસ્ટ દ્વારા કોઈ કાર્યક્રમ રાખો તો સારૂ થાય. અગાઉ રિપોર્ટીંગના કામે સાબરમતી જેલમાં અનેક વખત આવ્યો હતો, પરંતુ નવજીવન ટ્રસ્ટમાં જોડાયો ત્યાર પછી પહેલી વખત આવ્યો હતો. મેં ત્યારે તો તેમને હા પાડી, પણ હજી મન અસ્પષ્ટ હતું, સાબરમતી જેલમાંથી પરત ફરતી વખતે મન સતત મારી આગળ દોડયા કરતું હતું, મનમાં રંજ હતો કે બે ત્રણ મહિના થઈ ગયા,. નવજીવન મને પગાર આપે છે પરંતુ મારી પાસે એવું કોઈ ઠોસ કામ નથી, મારે કંઈક કામ કરવું જોઈએ, ત્યારે જ મને વિચાર આવ્યો કે કેદીઓની ગાંધી અંગેની પરીક્ષા લઈએ તો, મેં નવજીવન પહોંચી સુનીલ જોશીને ફોન કર્યો અને ગાંધી પરીક્ષાનો વિચાર કહ્યો. સામેથી જવાબ મળ્યો, ઉત્તમ પ્રશાંતજી તમે આયોજન કરો આપણે જરૂર કાર્યક્રમ રાખીએ, મને ત્યારે ખબર ન્હોતી, કે ગાંધી પરીક્ષાના કાર્યક્રમ દ્વારા હું જેલમાં આવ્યો, પણ હવે પછી હું જે કેદીઓને મળવાનો હતો તેઓ મારા જીવનનો હિસ્સો બની જશે.

જેલમાં રહેલા કેદીઓ માટે કોઈને પણ સહાનુભુતી હોય નહીં મને પણ ન્હોતી, પણ પછી કોઈને કોઈ કારણસર જેલની મુલાકાતો વધતી ગઈ અને નવજીવનના એક પછી એક કાર્યક્રમ થતા ગયા, જે દરમિયાન અનેક કેદીઓને મળવાનું અને સંવાદ કરવાનું શરૂ થયું, આજે મને પણ યાદ નથી, સાબરમતી જેલમાં રહેલા કેદીઓ માટે મારા મનમાં પડેલી છાપ ભુસાવા લાગી અને મારી નજર જીંદગીની પેલે પાર પણ એક વિશ્વ છે તેને જોઈ રહી હતી, કેદીમાં રહેલા માણસનો હું અનુભવ કરી રહ્યો હતો , સાબરમતી જેલની મધ્યમાં એક ઓપન ઓડીટોરીયમ છે, નવજીવન ટ્રસ્ટનો એક કાર્યક્રમ હતો, મંચ ઉપર એસપી સુનીલ જોશી, વિવેક દેસાઈ અને હું હતા, સામે તરફ સફેદ જેલના કપડાંમાં કેદીઓ બેઠા હતા, જો કે ત્યારે મને ખબર ન્હોતી, કે કેદીમાં રહેલા કેદીઓ પૈકી એક કેદીની નજર સતત અમારા વ્યયવહારની નોંધ કરી રહી છે, મને થોડા વર્ષ પછી ખબર પડી કે તે એક કેદી માની રહ્યો હતો કે આવી સંસ્થાઓ જેલમાં આવે એક કાર્યક્રમ કરે અને ફોટા પડાવી જતા રહે છે, તેમ નવજીવન ટ્રસ્ટ પણ કરશે, આવી માન્યતાને કારણે તે કેદી અમારી સામે શંકા અને ધૃણાની નજરે જોઈ રહ્યો હતો. 2018માં સાબરમતી જેલમાં પત્રકારત્વનો અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો, ભારતની આ પ્રથમ જેલ છે જ્યાં પત્રકારત્વનો અભ્યાસ શરૂ થયો, કલાસનો પહેલો દિવસ હતો, મેં મારો પરિચય આપ્યો અને કેદીઓએ પોતાનો પરિચય આપ્યા, મેં એક અલિખીત નિયમ બનાવ્યો હતો કે કોઈ કેદીને તેના ગુના અંગે પુછવુ નહીં કારણ આપણને તેના ભુતકાળમાં નહીં તેના ભવિષ્ય સાથે નીસ્બત છે, પહેલી બેંચ ઉપર જે કેદી બેઠો હતો મેં તેને નામ પુછયું તેણે કહ્યું ગોપાલ (કેદીની ગોપનીયતા જાળવવા નામ બદલ્યું છે) પણ મને બધા નાદાન કહી બોલાવે છે, મેં આશ્ચર્ય સાથે પુછયું નાદાન! તેણે તરત કહ્યું સર હું નાદાન છું એટલે મને બધા નાદાન કહે છે, કલાસમાં બધાના ચહેરા ઉપર એક હાસ્ય આવી ગયુ, નાદાન મારી પાસે ભણ્યો અને 2019માં જેલમાંથી છુટયો, નાદાનની જીંદગી પર આધારિત મારી કોઈ કેદીના જીવન ઉપર લખાયેલી આ પહેલી કથા છે, આપણે કેદીની કથા અને જીંદગીની ફિલ્મના પર્દે જ જોઈ છે, પરંતુ વાસ્તવીક કથા અને જીંદગી કયારેક થ્રીલીંગ કયારેક પેચીદી અને કયારેક ડરામણી હોય છે, છતાં દરેક કેદીની જીંદગી બીજા કરતા અલગ હોય છે, આવા જ કેદીની આ કથા છે, મને કહેતા અભિમાન થાય છે કે સાબરમતી જેલમાં મને નાદાન મળી ગયો તેણે મને જીંદગીનો નવો દ્રષ્ટીકોણ આપ્યો, આ સત્ય કથા હોવા છતાં ભવિષ્યમાં આ કથાના પાત્રોને કથા નડતર રૂપ બને નહીં માટે તમામ નામ અને સ્થળના નામ કાલ્પનીક છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular