પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-66): Nadaan Series : 2જી ઓકટોબરે જેલનાં ઓપનએર થીએટરમાં નવજીવન સંસ્થા દ્વારા એક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. આ કાર્યક્રમની તૈયારી બે દિવસથી શરૂ થઈ હતી. કેદીઓને સૂચના મળી ગઈ હતી કે, પાકા કામના કેદીઓએ સવારે નવ વાગ્યે ઓપનએર થિએટરમાં આવી જવું. જેલનો સ્ટાફ પણ પોણાનવ વાગ્યાથી કામે લાગી ગયો હતો. સિપાહીઓ બેરેકમાંથી કેદીઓને કાર્યક્રમ માટે ધકેલી રહ્યા હતા. કેદીઓમાં પણ બે પ્રકાર હતા. કેદીનો એક પ્રકાર એવો હતો કે, બહારથી કોઈ સંસ્થા જેલમાં કાર્યક્રમ માટે આવે તો કેદીનો પહેલો પ્રકાર ખૂબ ખુશ થઈ જતો હતો. તેમને લાગતું કે, તેમનાં ઘરે કોઈ પ્રસંગ છે. જ્યારે બીજો પ્રકારના કેદીઓને લાગતું કે, સંસ્થાઓ જેલમાં કોઈપણ પ્રોગ્રામ કરે, આપણા જીવનમાં શું ફેર પડે છે?
ગોપાલ હજી પ્રમાણમાં નવો હતો; પણ વિરાંગ બીજા પ્રકારના કેદીની શ્રેણીમાં આવતો હતો. તે તમામ બાબતમાં ગણતરી કરતો કે, મને શું ફાયદો થશે? એટલે ગાંધી જયંતીના કાર્યક્રમ સાથે વિરાંગને કોઈ નિસ્બત નહોતી. જેલનો સ્ટાફ બધાને પરાણે ઓપરએર થિએટરમાં લાવ્યો હોવાને કારણે વિરાંગ અને ગોપાલ પણ કાર્યક્રમમાં આવ્યા હતા.
થોડીવારમાં જ કાર્યક્રમ શરૂ થયો. સ્ટેજ ઉપર એસ.પી. વિનય દવે, નવજીવન સંસ્થાના વડા મયુર જોષી અને જેલ સ્ટાફ સહિત અમદાવાદના પત્રકાર આદેશ પણ આવ્યા હતા. ગોપાલને જ્યારે ખબર પડી કે, કાર્યક્રમમાં પત્રકાર આદેશ પણ છે; ત્યારે તેને બહુ કૌતુક લાગ્યું. કારણ કે ગોપાલને ક્રાઇમ સ્ટોરીમાં ખૂબ રસ હતો. તેણે પત્રકાર આદેશની ઘણી ક્રાઇમ સ્ટોરી વાંચી હતી.
કાર્યક્રમમાં ભાષણોનો દૌર ચાલ્યો. એસ.પી. સહિત નવજીવન સંસ્થાના વડાએ જેલમાં શરૂ થઈ રહેલા પત્રકારત્વના અભ્યાસક્રમની જાણકારી આપી. અભ્યાસક્રમનું સંચાલન પત્રકાર આદેશ કરશે એવી જાહેરાત પણ કરી. આદેશ પત્રકારત્વ ભણાવશે તેવી જાહેરાત થતાં જ ગોપાલના ચહેરા પર ચમક આવી ગઈ. તેણે વિરાંગ સામે જોયું. વિરાંગે ગોપાલના કાન પાસે મોઢું લાવીને કહ્યું, “આવી બહુબધી સંસ્થાવાળા જેલમાં આવીને જતા રહ્યા. તેમને તો ફોટા પડાવવામાં જ રસ હોય છે. આવતીકાલે છાપામાં તેમનો ફોટો આવશે અને પછી આપણે કોણ અને તે કોણ? તેમને કંઈ જ યાદ રહેશે નહીં.”
એવામાં પત્રકાર આદેશ ભાષણ કરવા ઊભા થયા. વિરાંગ જે કહી રહ્યો હતો, તેના કરતાં આદેશની વાત સાંભળવામાં ગોપાલને વધારે રસ હતો. પત્રકાર આદેશે પોતાની વાત શરૂ કરતાં કહ્યું, “હવેથી હું રોજ આવીશ. આપણે સાથે કામ કરીશું. મને તમારા ભૂતકાળમાં કોઈ રસ નથી. તમારું જેલમાં હોવું તેને હું જિંદગીનો એક સંજોગ જ માનું છું. મને તમારા વર્તમાનમાં રસ છે. અને તમારા ભવિષ્ય માટે શું થઈ શકે? તે આપણે સાથે મળીને નક્કી કરીશું.”
આદેશ બોલી રહ્યો હતો ત્યારે ગોપાલ એકદમ ધ્યાનથી તેને સાંભળી રહ્યો હતો. વિરાંગની નજર ક્યારેક મંચ ઉપર જતી ને ક્યારેક ગોપાલ પર. તે ગોપાલના હાવભાવ જોઈ રહ્યો હતો. આદેશે કહ્યું, “આજે ગાંધી જયંતી છે. બહારની દુનિયાના લોકો તો ગાંધી જયંતી અને ગાંધી નિર્વાણના દિવસે જ ગાંધીને યાદ કરે છે. કાર્યક્રમમાં આવતા પહેલાં હું એસ.પી. સાહેબ સાથે ગાંધીખોલી ગયો હતો. તેમણે મને કહ્યું, 1922માં ગાંધીજીને આ ખોલીમાં રાખવામાં આવ્યા હતા, ત્યારથી આજ સુધી રોજ જેલના કેદીઓ ગાંધીખોલીમાં દિવો કરે છે. જેલના કેદીઓ માને છે કે, આજે પણ અહીં ગાંધી જીવે છે. મને લાગે છે કે, તમે અમારા કરતાં ગાંધીની વધારે નજીક છો. ખરેખર ગાંધીને જીવંત રાખવાનું કામ તમે કર્યું છે. મારો અનુભવ કહે છે, ગાંધી વાંચવાનો વિષય નથી, ગાંધી તો જીવવો પડે! તો જ ગાંધી સમજાય તેમ છે.”
કાર્યક્રમ પૂરો થયો પછી પત્રકાર આદેશ મંચની નીચે ઉતરીને કેદીઓ સાથે વાત કરી રહ્યા હતા. ખબર નહીં કેમ, પણ ગોપાલને આદેશનું આકર્ષણ થયું હતું. ગોપાલ એમની પાસે જતાં પોતાને રોકી શક્યો નહીં. આદેશ જ્યાં વાત કરતા હતા ત્યાં ગોપાલ પહોંચી ગયો. ગોપાલ કેદીઓ અને આદેશની વાત સાંભળી રહ્યો હતો. પત્રકાર આદેશ ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે ગોપાલે તેમને બૂમ પાડી, “સર… એક મિનિટ.”
આદેશે પાછળ ફરીને જોયું. ગોપાલ દોડતો તમની પાસે ગયો અને નમસ્તે કરતાં કહ્યું, “સર, મારે પણ તમારી પાસે પત્રકારત્વ ભણવું છે.”
આદેશના ચહેરા પર સ્મિત આવ્યું. આદેશે કહ્યું, “આપણે સાથે પત્રકારત્વ ભણીશું. કારણ, પત્રકારે પણ રોજ અભ્યાસ તો કરવો જ પડે. સારું, આવતીકાલે અગિયાર વાગ્યે લાઇબ્રેરીમાં આવી જજે. આવતીકાલથી આપણે ભણવાનું શરૂ કરીશું.”
ગોપાલ પત્રકાર આદેશને બહાર જતા જોઈ રહ્યો. આદેશનો મધ્યમ બાંધો, લગભગ પોણા છ ફૂટ ઊંચાઈ, શર્ટિંગ કર્યા વગરનો શર્ટ, જિન્સ પેન્ટ અને પગમાં સ્પોર્ટ્સ શૂઝ હતાં. ગોપાલ હજી માનવા જ તૈયાર નહોતો કે, તે પત્રકાર આદેશને રૂબરૂમાં મળ્યો છે અને હવે તે આદેશ પાસે પત્રકારત્વ ભણવાનો છે.
આખો દિવસ ગોપાલનો કામમાં પસાર થઈ ગયો. તેના માનસપટમાં સતત સવારનો કાર્યક્રમ અને પત્રકાર આદેશની વાતો ફર્યા કરતી હતી. સાંજે બેરેકમાં આવ્યો ત્યારે પણ વિરાંગે જોયું કે, ગોપાલ કંઈક વિચારમાં હતો, પણ સાથે તેનો ચહેરો પણ ખુશ હતો. ગોપાલ પત્રકારત્વ ભણવા માટે ખૂબ ઉત્સાહી હતો. તેણે નીતિનકાકા સાથે પણ વાત કરી લીધી હતી. કાકાએ તેને ભણવા માટે એક કલાકની છૂટ્ટી પણ આપી દીધી હતી.
વિચારોમાં રાત ક્યારે થઈ ગઈ, એની ખબર પડી જ નહીં. રાતે બિસ્તરમાં પડ્યાં પડ્યાં પણ તેના કાનમાં આદેશના શબ્દો ઘુમરાઈ રહ્યા હતા. “ગાંધી વાંચવાનો નહીં ગાંધી તો જીવવાનો વિષય છે.” ગોપાલે હજી થોડા દિવસ પહેલાં જ રેકોર્ડિંગમાં ગાંધીજીને વાંચ્યા હતા. લેખક આર. કે. પ્રભુ અને યુ. આર. રાવ લિખિત ‘મહાત્મા ગાંધીના વિચારો’ પુસ્તક વાંચ્યું હતું. ગોપાલને ક્યારેય એવો વિચાર જ નહોતો આવ્યો કે, ગાંધીજી જે કહે છે એ રીતે જીવી પણ શકાય. કારણ કે ગોપાલને ગાંધીની વાતો અલૌકિક લાગતી હતી; પણ આદેશનું કહેવું હતું કે, ગાંધી તો જીવવાનો વિષય છે. ગોપાલ વિચારમાં પડી ગયો. ખરેખર ગાંધીજી કહે છે તેવું આ જમાના જીવી શકાય ખરું!
ગોપાલ પોતાના કેસ માટે વિચાર કરવા લાગ્યો. જ્યારે તેનો કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે તેણે કોર્ટને કહ્યું હતું કે, પોલીસે તેની ઉપર ખોટો કેસ કર્યો છે. તેને આ ગુના સાથે કોઈ નિસ્બત નથી. ગોપાલને થયું કે, તે કોર્ટમાં ખોટું બોલ્યો હતો. ખરેખર તો એણે ગુનો કર્યો જ હતો; પણ હવે ગોપાલના જીવનમાં ગાંધીની ‘આંધી’ આવવાની હતી. એ ગાંધી નામના એક દરિયાકિનારે ઊભો હતો.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








