પ્રશાંત દયાળ (નાદાન.ભાગ-61): Nadaan Series :ગોપાલની મનોસ્થિતિ બહુ વિચિત્ર હતી. તેને જ્યારે કોર્ટે સજાનો હુકમ કર્યો, ત્યારે પણ તે આટલો ડિસ્ટર્બ નહોતો થયો. તેને સમજાતું નહોતું કે, કુદરત તેને કયા ગુનાની સજા આપી રહી છે! હવે નિશી તેની રહેવાની નથી, એ વાસ્તવિકતાનો તે હજી સ્વીકાર કરી શકતો નહોતો. નીતિનકાકા અને સલીમ સાથે ગોપાલે વાત તો કરી; પણ હજી તેનાં મનનો ઉચાટ યથાવત્ હતો.
તે દિવસે સવારે તો ગોપાલ જમ્યો જ નહીં. સાંજે વિરાંગ પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે, ગોપાલનો વ્યવહાર રોજ જેવો નથી. ગોપાલનો ચહેરો હૃદયની પીડા છુપાવી શકતો નહોતો. વિરાંગ કંઈ બોલ્યો નહીં. કામ પરથી આવ્યો હતો એટલે ન્હાઈ ધોઈને તૈયાર થઈ, પોતાની થાળી લઈ તે ગોપાલ પાસે આવ્યો. તેણે જોયું તો ગોપાલની થાળી ઢાંકેલી હતી તે હજી જમ્યો નહોતો. વિરાંગ કંઈ બોલ્યો નહીં. થાળી લઈને ગોપાલ પાસે બેઠો અને ગોપાલ સામે જોયું. ગોપાલે જોયું કે, વિરાંગ આવ્યો છે, પણ તેની સાથે કંઈ વાત કરી નહીં. વિરાંગ ઊભો થયો. તેણે ગોપાલની થાળી લીધી અને ગોપાલ સામે મૂકી. ઉપર ઢાંકેલી ડિશ ખોલી અને કહ્યું, “ચાલ જમી લઈએ.”
ગોપાલ કંઈ જ બોલ્યો નહીં. વિરાંગે જમવાનું શરૂ કર્યું. વિરાંગ જમી રહ્યો હતો અને ગોપાલ તેની સામે મુંગો બનીને બેસી રહ્યો હતો. વિરાંગનું અડધું જમવાનું પૂરું થયું. તેણે ગોપાલની થાળીમાંથી રોટલીનો ટુકડો તોડ્યો અને તેમાં થોડુંક શાક લઈને કોળિયો તૈયાર કર્યો. તે કોળિયો ગોપાલનો હાથ પકડીને તેના હાથમાં આપ્યો. ગોપાલને લાગ્યું અરે, આ માણસની દાદાગીરી છે કંઈ! ગોપાલ કંઈ બોલ્યો નહીં. વિરાંગે ઇશારાથી જ કહ્યું, “ચાલ, જમી લે.”
ગોપાલે કોળિયો મોઢામાં મૂક્યો. એ બહુ જ ધીમેથી જમી રહ્યો હતો. ખરેખર તો તેને જમવું જ નહોતું, પણ તે વિરાંગને કંઈ કહી શક્યો નહીં. વિરાંગનું જમવાનું પૂરું થયું ત્યાં સુધી ગોપાલના ચાર–પાંચ કોળિયા જ થયા હતા. વિરાંગ ઊભો થયો અને પોતાની થાળી ધોઈ નાખી. પાણી પીને એ પાછો આવ્યો. ગોપાલ હાથમાં કોળિયો પકડીને એમ જ બેઠો હતો. વિરાંગે તેના હાથે સ્પર્શ કરતાં પૂછ્યું, “નથી જમવું તારે?”
ગોપાલે થાળીમાં કોળિયો પાછો મૂકતાં માથું હલાવીને ના પાડી. વિરાંગ ઊભો થયો. તેની થાળી લીધી અને વધેલું બેરેકનાં ડસ્ટબિનમાં નાખી દીધું. થાળી ધોઈને ગોપાલને કહ્યું, “ચાલ, હાથ ધોઈ લે.”
ગોપાલ ઊભો થયો અને હાથ ધોઈને પાછો આવ્યો. વિરાંગે પૂછ્યું, “કોણ મરી ગયું?”
ગોપાલે વિરાંગ સામે જોયું. તેનું આ રીતે પૂછવું ગોપાલને ગમ્યું નહીં. વિરાંગે ફરી પૂછ્યું, “કોઈ મરી ગયું છે?”
ગોપાલે માથું હલાવીને ના પાડી. વિરાંગ થોડીવાર બેસી રહ્યો. તેણે ગોપાલના પગ પર હાથ મૂકતા ધીમેથી કહ્યું, “શું થયું? મને કહે.”
ગોપાલ માત્ર જોઈ જ રહ્યો. કદાચ હવે તેની આંખમાં આંસુ પણ રહ્યા નથી. તેવું તેને લાગ્યું. બંને વચ્ચે એકદમ શાંતિ હતી. આસપાસ કેદીઓ વાતો કરી રહ્યા હતા; પણ તે અવાજ તેમને ડિસ્ટર્બ કરી શકતો નહોતો. ગોપાલે ધીમે ધીમે નિશીની વાત કહેવાની શરૂઆત કરી. વિરાંગ તેને સાંભળી રહ્યો હતો. તેણે વચ્ચે એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. વિરાંગ ગોપાલની આંખોમાં તેની પીડા અને તકલીફને જોઈ રહ્યો હતો. ગોપાલે પોતાની વાત પૂરી કરી. ફરી પાછી શાંતિ છવાઈ ગઈ. દસ–પંદર મિનિટ તો બંને જણા એકબીજા સાથે વાત કર્યા વગર બેસી રહ્યા. પછી ધીમા અવાજે વિરાંગે કહ્યું, “એનું નામ સ્વાતિ હતું.”
ગોપાલે એની સામે જોયું. ગોપાલને સમજાયું નહીં કે, વિરાંગ કોની વાત કરે છે. વિરાંગે ફોડ પાડતાં કહ્યું, “સ્વાતિ મારી ગર્લફ્રેન્ડ. અમે ત્રણ વર્ષથી એકબીજાનાં પ્રેમમાં હતાં. મને સ્વાતિએ વાત કરી હતી કે, તે સ્કૂલમાં ભણતી ત્યારથી તેને તેની સાથે ભણતાં એક છોકરા સાથે મિત્રતા હતી. મને સ્વાતિના ભૂતકાળ સાથે કોઈ વાંધો નહોતો. કારણ, હું તો એને વર્તમાનમાં પ્રેમ કરી રહ્યો હતો.”
ગોપાલ ધ્યાનથી વિરાંગને સાંભળી રહ્યો હતો. કારણ કે વિરાંગ પહેલી વખત પોતાની વાત કરી રહ્યો હતો. વિરાંગે કહ્યું, “અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. એક દિવસ મને સ્વાતિએ કહ્યું કે, તેનો જૂનો દોસ્ત તેને પરેશાન કરે છે. મેં પેલા છોકરા સાથે બે–ત્રણ વખત વાત કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો; પણ તે મને ઉડાઉ જવાબ આપતો હતો. સ્વાતિને તેણે પરેશાન કરવાનું ચાલું જ રાખ્યું. તે દિવસે મેં એને બજારમાં મળવા બોલાવ્યો. ત્યારે પણ મેં તેને ખૂબ સમજાવ્યો. તેણે મને કહ્યું કે, સ્વાતિ મારી છે અને મારી જ રહેશે. તારા તારાથી થાય એ કરી લેજે. આ વાક્ય સાંભળીને મારું માથું ફાટ્યું. સ્વાતિ તો મારી જ હતી. મને લાગ્યું તે મારી સ્વાતિને મારી પાસેથી છીનવી લેવા માગે છે. ખબર નહીં મને શું થયું? બાજુની શાકની લારી ઉપર પડેલું ચપ્પું ઉપાડીને એક પછી એક, એમ ત્રણ ઘા તેનાં પેટમાં મારી દીધા. એનો ખેલ ત્યાં જ પૂરો થઈ ગયો.”
આ વાત કરતી વખતે વિરાંગની આંખો લાલ થઈ ગઈ. જાણે એની આંખોમાં લોહી દોડી આવ્યું હોય! વિરાંગ અને ગોપાલ બંને થોડીવાર ચૂપ રહ્યા. થોડીવાર પછી વિરાંગે કહ્યું, “મારી સ્વાતિને મારી પાસેથી કોઈ છીનવી ન શકે એટલે મેં આ કર્યું. મને કોર્ટે આજીવન સજા કરી છે. પહેલા સ્વાતિ મને મળવા જેલ પર આવતી હતી. એક વર્ષ પછી અચાનક સ્વાતિએ મુલાકાતમાં આવવાનું બંધ કર્યુ. મને કંઈ જ ખબર પડી નહીં. તેનો ફોન પણ સતત બંધ આવતો હતો. ત્રણ મહિના પછી મને ખબર પડી કે, સ્વાતિએ મુંબઈના કોઈ ઝવેરીના માલેતુજાર છોકરા સાથે લગ્ન કરી લીધાં છે. પહેલા તો હું આ સમાચાર માનવા જ તૈયાર નહોતો. પણ કમનસીબે આ સમાચાર સાચા હતા.
મારું માથું ફોડી નાખવાના મનેવિચારો આવતા. પછી મને થયું કે, હું મારું માથું શું કામ ફોડું? સ્વાર્થી અને દગાખોર સ્વાતિનો ખેલ જ પુરો ન કરું? મારી અંદર બદલો લેવાની ભાવના તીવ્ર થતી ગઈ. મેં સ્વાતિને મારી નાખવાનો નિર્ણય કર્યો. જેના માટે મેં ખૂન કર્યું, જેના માટે આજીવન સજા ભોગવું છું, એણે જ મારી સાથે દગો કર્યો! એવું મને સતત લાગતું હતું; પણ ત્યારે રાજ્યમાં ચૂંટણી આવી હોવાને કારણે મને રજા મળી નહીં. મને રજા મળતાં એક વર્ષ થઈ ગયું. મેં બહાર નીકળીને સ્વાતિનું મુંબઈનું એડ્રેસ શોધી કાઢ્યું. હું મુંબઈ પહોચ્યો. મેં એક મોટો છરો લીધો અને ચાર–પાંચ દિવસ રાહ જોઈ. એક દિવસ મેં સ્વાતિને તેના વર સાથે કારમાંથી ઉતરતાં જોઈ. મેં મારાં પેન્ટમાં છરો છુપાવી રાખેલો હતો. તે લઈને હું રોડ ક્રોસ કરીને તેની તરફ જઈ રહ્યો હતો. ત્યારે મારું ધ્યાન સ્વાતિનાં પેટ તરફ ગયું. હું અચાનક રસ્તા વચ્ચે થંભી ગયો.
એક કારની તો મને ટક્કર વાગી જ જતી. મને ગાળ આપીને પેલો કાર વાળો જતો રહ્યો. હું સ્વાતિ અને તેના વરને જોઈ રહ્યો. સ્વાતિ ખૂબ ખુશ હતી. તેનો વર તેનો હાથ પકડીને ચાલી રહ્યો હતો.”
વિરાંગે ગોપાલની આંખમાં જોઈને એક ઊંડો શ્વાસ લઈને ઉમેર્યું, “તે દિવસે બે અનર્થ થવાના હતા. મારી નજર સ્વાતિનાં પેટ તરફ ગઈ ત્યારે ખબર પડી કે, તે પ્રેગનેન્ટ છે. કદાચ સાતમો કે આઠમો મહિનો ચાલતો હશે. સ્વાતિનાં પેટમાં બચ્ચું હતું. બચ્ચું ભલે મારું નહોતું, પણ સ્વાતિનું તો હતું જ. હું કેવી રીતે સ્વાતિનાં બચ્ચાને મારી શકું? હું ત્યાંથી પાછો ફર્યો. હું સ્વાતિને મારી શક્યો નહીં. સ્વાતિએ મારી સાથે આવું કેમ કર્યું? તેની મને આજે પણ ખબર નથી. હવે મારી જાણવાની ઇચ્છા પણ નથી. ક્યારેક મને સ્વાતિની યાદ આવી જાય છે. આજે તેનાં ઘરે તેનું બાળક રમતું પણ હશે. મને એવો પણ વિચાર આવે છે કે, સ્વાતિ મને યાદ કરતી હશે કે નહીં? પણ હવે તેવો વિચાર કરવાનો પણ કોઈ અર્થ નથી.”
આ સાંભળી ગોપાલને આઘાત લાગ્યો. તે વિચાર કરવા લાગ્યો, કુદરત પણ માણસ સાથે કેવા કેવા ખેલ કરે છે! જિંદગી આવી પણ રમત રમી શકે! કદાચ તેણે આવું પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








