Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadએક નાનકડી જીંદગી સામે સમસ્યા બહુ મોટી હતી, રામ તુંટી ગયો હતો,...

એક નાનકડી જીંદગી સામે સમસ્યા બહુ મોટી હતી, રામ તુંટી ગયો હતો, સવારે બધા ઉઠયા ત્યારે રામનો દેહ લટકતો હતો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-32): Nadaan Series: સવારે બંધી ખુલી જ હતી. તમામ કેદી પોતપોતાનું કામ કરી રહ્યા હતા. એવામાં એક કેદી દોડતો દોડતો આવ્યો. તેણે બૂમ પાડીને કહ્યું, “ભાઈ ભાઈ જલદી ચાલો.”

ગોપાલ સહિત બધા પેલા કેદી તરફ જોઈ રહ્યા. અચાનક શું બની ગયું હશે, તેની કોઈને ખબર નહોતી. ગોવિંદ હજી પોતાના બિસ્તરમાં જ બેઠો હતો. ગોવિંદને બોલાવવા આવેલો કેદી રીતસર હાંફતો હતો. એના ચહેરા પર ડર હતો. ગોવિંદને પણ કંઈ સમજ ન પડી. ગોવિંદે પેલા કેદી સામે જોયું. તેણે કહ્યું, “ભાઈ જલદી ચાલો. ગજબ થઈ ગયું છે.”

- Advertisement -

ગોવિંદ ઊભો થઈ તેની પાસે આવ્યો અને તેના ખભા પર હાથ મૂકતા પૂછ્યું, “શું થયું છે?”

પેલા કેદીએ હાંફતાં હાંફતાં ગોવિંદના કાન પાસે પોતાનું મોઢું લાવીને કંઈક કહ્યું. ગોવિંદની આંખો પહોળી થઈ ગઈ. એ તરત પોતાના બિસ્તર પાસે દોડયો. ગોવિંદે ગંજી જ પહેરી હતી, ઉપરનું પહેરણ પહેર્યું અને પેલા કેદી સાથે રીસતર દોડતો દોડતો એ બેરેકની બહાર નીકળ્યો.

બેરેકમાં રહેલા બધા જ કેદીઓ વિચાર કરતા હતા કે, મામલો શું છે? ગોપાલે સલીમ સામે જોયું. સલીમના ચહેરા પર શું થયું હશે? તેવો પ્રશ્ન હતો. ગોપાલ ઊભો થયો. ચંપલ પહેર્યા અને બહાર નીકળવા જઈ રહ્યો હતો. તેને રોકતાં સલીમે પૂછ્યું, “ક્યાં જાય છે?”

- Advertisement -

 


ગોપાલે કંઈ જવાબ આપ્યો નહીં. સલીમ સમજી ગયો કે, તે ગોવિંદની પાછળ જઈ રહ્યો છે. તેણે કહ્યું, “ના જઈશ ત્યાં.”

- Advertisement -

ગોપાલ રોકાયો નહીં. ગોવિંદ જે તરફ ગયો હતો, તે તરફ ગોપાલ પણ દોડયો. તેણે જોયું તો સર્કલ યાર્ડ પાસે કેદીઓનું ટોળું ઊભું હતું. ગોવિંદ દોડતો ત્યાં પહોંચ્યો. બધા કેદીઓ બેરેકની અંદર જોઈ રહ્યા હતા. બેરેકના દરવાજા પાસે એક સિપાહી ઊભો હતો. તેણે બેરેકના બધા કેદીઓને બહાર કાઢી લીધા હતા. ગોવિંદ અંદર ગયો. ગોપાલે જાળીમાંથી જોયું કે, એક કેદી જમીન પર સૂતો છે. ગોવિંદની સાથે બીજા પોલીસવાળા પણ હતા. તમામના ચહેરા પર ચિંતાનો ભાવ હતો.

હજી ગોપાલને ખબર પડી નહોતી. તેણે બાજુમાં ઊભા રહેલા કેદીને પૂછ્યું, “શું થયું?”

તેણે ઇશારો કરીને કહ્યું, “લટકી ગયો.”

ગોપાલને આઘાત લાગ્યો, લટકી ગયો! કેમ? જેલમાં કેદીએ આત્મહત્યા કરી લીધી છે. તેવી જાણકારી જેલ કંટ્રોલરૂમ દ્વારા સિનિયર જેલર સોંલકીને આપી દેવામાં આવી હતી. તેઓ તરત ત્યાં આવી પહોંચ્યા.

તેમણે આવતાં જ જોયું કે, કેદીઓનું ટોળું બેરેક પાસે ઊભું છે. તેમના મોંઢામાંથી એક મોટી ગાળ નીકળી. કાને પડેલી ગાળ અને અવાજ પરથી કેદીઓ સમજી ગયા કે, જેલર સોલંકી સાહેબ આવી ગયા છે. બધા બાજુમાં ખસી ગયા.

જેલર સોંલકી બેરેકમાં દાખલ થયા. ક્યારે બન્યુ? કેવી રીતે બન્યું? શું કામ બન્યું? તેની જાણકારી મેળવી. તરત મોબાઈલ ફોન કાઢ્યો અને પાલનપુર સિટી પોલીસ સ્ટેશને જાણ કરી.

જે કેદીએ આત્મહત્યા કરી, તેનું નામ રામ હતું. બહુ ભલો માણસ. નિયમિત પૂજા પાઠ કરતો હતો. તેને કોઈની સાથે ક્યારેય કોઈ ટંટો કે ફસાદ થાય નહીં. રાતે બધા સૂઈ ગયા ત્યાં સુધી તો રામ નોર્મલ હતો; પણ સવારે એક કેદી ઊઠયો ત્યારે તેણે જોયું હતું કે, રામનો દેહ બારીની લોંખડની જાળી સાથે લટકતો હતો. એ ઓઢવાની ચાદરનો ફાંસો બનાવીને લટકી ગયો હતો.

રામ આજીવન કારાવાસનો કેદી હતો. છેલ્લાં વીસ વર્ષથી એ જેલમાં હતો. તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાને કારણે તેને આજીવન કેદ થઈ હતી. તેની પત્નીએ આત્મહત્યા કરી ત્યારે તેનો દિકરો બે વર્ષનો અને દીકરી એક વર્ષની હતી. બાળકોને તો રામના ભાઈએ સંભાળી લીધા હતા. રામને અફસોસ એ વાતનો હતો કે, એની પત્ની આત્મહત્યા કરી તેમાં તેનો કોઈ દોષ નહોતો; પણ તે પોતાની વાત કોર્ટને સમજાવી શક્યો નહીં અને મોટો વકીલ રોકવાની હેસિયત પણ નહોતી.

રામ જેલમાં આવી ગયો, પણ તેનો જીવ સતત બાળકો માટે બળ્યા કરતો હતો. થોડા સમય પહેલા દિકરાના લગ્ન થઈ ગયા અને તે સંસારમાં ગોઠવાઈ ગયો. હમણાં, છેલ્લા તોડા સમયથી તો રામને મળવા તેની દીકરી જ આવતી હતી. દીકરી જ્યારે પણ મળવા આવે ત્યારે પૂછતી, “બાપુ, તમારી સજા ક્યારે પૂરી થશે?”

પણ રામ પાસે તેનો કોઈ જવાબ નહોતો. રામે રાજ્યપાલને દયાની અરજી પણ કરી હતી. પરંતુ રામને ખબર નહોતી કે, દયાની અરજી સાથે કોઈ મોટા માણસની ભલામણ હોવી જોઈએ! રામની દયા અરજી નકારી કાઢવામાં આવી હતી.

એક મહિના પહેલાં રામને સમાચાર મળ્યા હતા કે, તેની દીકરીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી. દીકરી જતી વખતે ચીઠ્ઠીમાં લખી ગઈ હતી, “બાપુ, તમારા આવવાની રાહ જોઈ રહી હતી. પણ હવે તમે આવવાના જ નથી, તો મારે જીવવાનું કોઈ કારણ નથી.”

એ વખતે રામને જેલ દ્વારા પંદર દિવસની રજા આપવામાં આવી હતી. રામ પોતાની દીકરીની અંતિમવિધિ કરવા ગયો હતો. એક પિતાને પોતાના સંતાનને કાંધ આપવામાં કેટલી પીડા થાય! એ એક પિતા જ સમજી શકે. રામ એ પીડા ભોગવીને, વિધિ કરી જેલમાં પાછો ફર્યો. પણ એ પાછો આવ્યો ત્યારથી એને સતત એવો ભાસ થતો હતો કે, તેની દીકરી “બાપુ… બાપુ…” કહીને બૂમો પાડી રહી છે. તેણે સાથે રહેલા કેદીઓને પણ અવાર નવાર કહ્યું હતું કે, “મારી દીકરી મને બોલાવે છે.”

 


તેના સાથી કેદીઓ પણ તેને સમજાવતા રહેતા, પણ રામ ગુમસુમ જ રહેતો હતો. કોઈની પણ સાથે વાત કરવાનું તો તેણે કેટલાય દિવસથી બંધ કરી દીધું હતું. ગઈરાતે પણ તે એકલો જ બેસી રહ્યો હતો. તે જમ્યો પણ નહોતો. રામ આવું પગલું ભરશે! તેવી કોઈને કલ્પના પણ નહોતી. આજે બધાને અલવિદા કરીને, રામ પોતાની પત્ની અને દીકરી પાસે જતો રહ્યો હતો. ગોપાલને જ્યારે રામની આ કહાનીની ખબર પડી, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો.

એ બપોરે ગોપાલ પોતાની બેરેકમાં પાછો ફર્યો, પણ તે જમી શક્યો નહીં. એની નજર સામે સતત રામનો નશ્વર દેહ આવતો હતો. ગોપાલને લાગતું હતું કે, તે પોક મૂકીને રડી લે; પણ તે રડી પણ શક્યો નહીં.

જેલનું એક અલગ વિશ્વ હોય છે. બહારની દુનિયાના માણસોને તેની કલ્પના કરવી પણ અશક્ય છે. બહારના લોકો તો જેલમાં રહેલા તમામની તરફ ધૃણાની નજરે જ જોતાં હોય છે. ગોપાલે જોયું તો, આવા અનેક રામથી જેલ ખીચોખીચ ભરેલી હતી. તેઓના જેલમાં હોવાના કારણમાં તેમના ગુના કરતાં તેમના સંજોગો વધારે જવાબદાર હતા.

સલીમે રાતે ગોવિંદને કહ્યું, “ગોપાલ જમ્યો નથી.”

ગોવિંદ થાળી લઈને ગોપાલ પાસે આવ્યો અને કહ્યું, “ચાલ જમી લે. જે જવાનો હતો એ જતો રહ્યો. અહીંયા પણ તે ક્યાં શાંતિની જિંદગી જીવતો હતો! કદાચ હવે તેને કાયમી શાંતિ મળી ગઈ હશે.”

ગોવિંદે આ વાત કરી ત્યારે ગોપાલ તેને વળગીને રડી પડ્યો. જાણે ગોપાલનું જ કોઈ સ્વજન ગયું હોય! ગોપાલને પણ યાદ નહોતું કે, આ ઘટના પહેલાં તેણે ક્યારેય રામને જોયો હોય; પણ બધા કહી રહ્યા હતા કે, રામ નેક માણસ હતો. ગોવિંદના આગ્રહને કારણે ગોપાલે થોડાક કોળિયા ખાધા, પણ મોડી રાત સુધી તેના મનમાં રામ અને તેનો પરિવાર ઘુમરાયા કરતો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular