Friday, September 22, 2023
HomeGujaratAhmedabadઅચાનક જેલમાં પોલીસની વ્હીસલ વાગી, ગોપાલ સાથે રહેલા કેદીએ કહ્યું 'બહાર નીકળીશ...

અચાનક જેલમાં પોલીસની વ્હીસલ વાગી, ગોપાલ સાથે રહેલા કેદીએ કહ્યું ‘બહાર નીકળીશ નહીં’

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-26): સવારે ઉઠ્યો ત્યારે ગોપાલ ફ્રેશ હતો. સવારની ચા પછી સલીમ લીમડાના ઝાડ નીચે બેસીને કંઈક વિચારી રહ્યો હતો. ગોપાલ તેની પાસે જઈને બેઠો. તેણે પૂછ્યું, “શું વિચારી રહ્યો છે?”

સલીમે ડોકી ફેરવીને તેની સામે જોયું અને કહ્યું, “તારો જ વિચાર કરતો હતો.”

- Advertisement -

ગોપાલે પૂછ્યું, “મારો વિચાર?”

સલીમે કહ્યું, “ખુદાએ મને તારી સાથે જેલમાં મોકલ્યો. જેલમાં પણ ગોવિંદ જેવો ભાઈ તને મળી ગયો. હું વિચાર કરતો હતો કે, જો હું અને ગોવિંદ તારી સાથે ન હોત તો તું શું કરતો?”

સલીમનો પ્રશ્ન સાંભળી ગોપાલના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ ગઈ! સલીમ અને ગોવિંદ વગરની જેલની હવે તે કલ્પના જ કરી શકતો નહોતો. ગોપાલે તરત સલીમનો હાથ પકડતાં પૂછ્યું, “ભાઈ, આવું કેમ પૂછે છે?”

સલીમે કહ્યું, “એવું કંઈ ખાસ કારણ નથી. પણ મને લાગે છે કે, આગળની લડાઈ માટે તારે જ તારી જાતને તૈયાર કરવી પડશે. કારણ કે દરેક માણસે પોતાની લડાઈ જાતે જ લડવાની હોય છે. જ્યારે આપણે રડીએ ત્યારે તમાશો જોનારાનું ટોળું તૈયાર જ હોય છે. બસ, આજે તું જેવો મજબૂત છે, તેવો જ હંમેશા રહેજે.”

ગોપાલને તેની વાત સમજાઈ રહી હતી. સલીમે પૂછ્યું, “તે ક્યારેય વિચાર કર્યો હતો કે, તું જેલમાં આવીશ? તો પણ આવી ગયોને? અને આ સમય પણ પસાર થઈ જશે. પરંતુ તું સમયને પકડવાનો કે તેની આગળ નીકળવાનો પ્રયત્ન કરીશ નહીં. કારણ કે સમય કોઈને આગળ પણ જવા દેતો નથી અને સમયને કોઈ પકડી પણ શકતું નથી.”

ગોપાલ વિચારી રહ્યો હતો કે, સલીમ ભલે ઓછું બોલે છે, પણ જ્યારે બોલે ત્યારે તેની વાતમાં દમ હોય છે. સલીમ દારૂનો ધંધો કરતો હતો, પણ તેના વિચારો કોઈ પ્રોફેસર જેવા હતા. ગોપાલે અચાનક સલીમને પૂછ્યું, “સલીમ આપણા જામીન થયા નહીં, તો આપણે ગુજરાત હાઇકોર્ટમાં જઈએ?”

સલીમના ચહેરા પર સ્મિત આવ્યું. “તે પૂછ્યું જ છે, તો હવે બીજી વાત કહું. જેલમાં આવ્યા પછી સ્વપ્ન જોવાનું બંધ કરવાનું. કારણ કે જેલનાં સ્વપ્ન સાચાં પડતાં નથી. તે જ્યારે જામીન મૂકવાની વાત કરી; ત્યારે મને ખબર હતી કે, આપણા જામીન થવાના નથી.”

ગોપાલને આ વાત સાંભળીને આશ્ચર્ય થયું. તેનો ચહેરો જોઈ સલીમે કહ્યું, “તને તારો ગુનો નાનો લાગતો હશે, પણ તે કાયદાની નજરમાં નાનો નથી. ફેક કરન્સીનો કેસ, દેશ સામેનો ગુનો ગણાય છે. આપણે જો હાઇકોર્ટમાં જઈશું તો પણ હાઇકોર્ટ કહેશે કે, ચાર્જશીટ પછી આવો. મને લાગે કે વકીલ પાછળ પૈસા બગાડવાનો કોઈ અર્થ નથી.”

સલીમ જાણે કાયદાનો ખાંટુ હોય, તેમ કાયદાકીય સલાહ આપી રહ્યો હતો. ગોપાલે પૂછ્યું, “ચાર્જશીટ ક્યારે થશે?”

સલીમે કહ્યું, “90 દિવસ તો ખરા.”

ગોપાલે કંઈક ગણતરી કરી અને કહ્યું, “એટલે ત્રણ મહિના. બરાબર?”

સલીમે કહ્યું, “હા. ત્રણ મહિના તો ખરા. ત્યાર પછી પણ કોર્ટ જામીન આપે કે નહીં, તેની મને ખબર નથી.”

ગોપાલ વિચારમાં પડી ગયો કે, ત્રણ મહિના પહેલાં તો બહાર નીકળવાનો વિચાર જ કરવાનો નથી. ગોપાલને વિચાર કરતો જોઈ સલીમે કહ્યું, “જા, તારી નોકરીનો સમય થઈ ગયો છે. પાછો પેલો ડૉકટર તને ગાળો આપશે.”

ગોપાલ ઝટપટ ઊભો થયો. થોડીવારમાં તૈયાર થઈ જેલની હોસ્પિટલમાં કામ પર પહોંચી ગયો. જેલની હોસ્પિટલમાં રોજ જેવો જ માહોલ હતો. ડૉકટર જેને તપાસીને દવા લખી આપે તેને દવા આપવાનું કામ ગોપાલ કરી રહ્યો હતો. તેને હવે આ કામમાં ફાવટ આવી ગઈ હતી.

ગોપાલના કાને અચાનક પોલીસની વ્હિસલનો અવાજ સંભળાયો. એક સાથે ઘણાબધા પોલીસવાળા વ્હિસલ વગાડી રહ્યા હોય એવું તેને લાગ્યું. આવી વ્હિસલ તો તેણે બહાર ઘણી વખત સાંભળી હતી. ખાસ કરીને ટ્રાફિક પોલીસ વાહનોને હટાવવા માટે મારતી હોય છે.

વ્હિસલ સાંભળીને ગોપાલ એકદમ ઊભો થયો અને શું થયું છે, તે જોવા માટે બહાર દરવાજા તરફ ગયો. દરવાજાની બહાર જોયું તો, કેદીઓ ભાગી રહ્યા હતા. તેમની પાછળ હાથમાં ડંડા લઈને જેલસિપાહી દોડી રહ્યા હતા. ગોપાલ આ દૃશ્ય જોઈ એકદમ હેબતાઈ ગયો. શું થઈ રહ્યું છે, તેની તેને કંઈ જ ખબર પડી નહીં. ગોપાલને ડરી ગયો, પણ ત્યારે કોઈએ પાછળથી એનો હાથ ખેંચ્યો અને કહ્યું, “અંદર આવી જા. તારા કૂલા તૂટી જશે.”

ગોપાલે પાછા ફરીને જોયું. એક પાકા કામનો કેદી હતો. ગોપાલનો ચહેરો જોઈને કહ્યું, “ક્યારેય પણ વ્હિસલ વાગે એટલે બહાર નહીં નીકળવાનું. બહાર હોઈએ તો તરત બેરેકમાં જતા રહેવાનું.”

ગોપાલને કંઈ સમજાયું નહીં. જેલ હોસ્પિટલની બહાર જે કેદીઓ ઊભા હતા, તે પણ ભાગી ગયા. જેટલા કેદીઓ હોસ્પિટલની અંદર હતા, તે અંદર જ ઊભા રહી ગયા. પેલા કેદીએ કહ્યું, “કોઈક બબાલ થઈ હશે.”

જેલમાં પણ બબાલ થાય, તેવું ગોપાલે પહેલી વખત સાંભળ્યું. પેલા કેદીએ જાણે એક્સપર્ટ હોય તેમ આખી વાતનો ફોડ પાડતાં કહ્યું, “ખબર નહીં ક્યાં અને કોની બબાલ થઈ હશે? પણ જ્યારે વ્હિસલ વાગે ત્યારે નક્કી બબાલ જ થઈ હોય છે. વ્હિસલ વાગે પછી પોલીસવાળા જે હાથમાં આવે એને તોડી નાખે છે. એટલે જ કોઈ દિવસ વ્હિસલ વાગ્યા પછી બહાર નીકળવાનું નહીં.”

ગોપાલને વિચાર આવ્યો કે, આ કેદીએ તેને બચાવી લીધો. હોસ્પિટલમાં હવે નીરવ શાંતિ હતી. કોઈ કોઈની સાથે વાત કરી રહ્યું નહોતું. બહાર વાગતી વ્હિસલ પણ હવે બંધ થઈ ગઈ હતી. એવામાં બહારથી કોઈનો હોસ્પિટલ તરફ આવવાનો અવાજ સંભાળાયો. અવાજ પરથી લાગતું હતું કે, પોલીસવાળા જ હશે. ગોપાલને એક વખત થયું કે, બહાર જઈને જોઈ લઉં, પણ હિંમત થઈ નહીં. ત્યાં જ પેલો અવાજ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો હોય તેવું તેને લાગ્યું. તેણે દરવાજા તરફ જોયું.

પોલીસવાળાની સાથે ગોવિંદ હતો તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આ જોઈને ગોપાલને ખૂબ આઘાત લાગ્યો. ગોવિંદની સાથે એક પોલીસવાળો હતો. તેના શર્ટના બટનો તૂટી ગયેલા હતા. ગોપાલ ઊભો થઈને ગોવિંદ તરફ જવા માગતો હતો, પણ ગોવિંદે તેની સામે નજર કરી અને જાણે આંખથી કહી રહ્યો હતો કે, કંઈ નથી થયું. ચિંતા કરીશ નહીં.

પોલીસવાળાએ ગોવિંદને ડૉકટરના ટેબલ પાસે રહેલા સ્ટૂલ પર બેસાડ્યો. ડૉકટરે ગોવિંદનો ઘા જોયા પછી તરત ગોપાલને કહ્યું, “ડ્રેસિંગ કરવું પડશે. અંદર લઈ લે.”

ગોપાલ તરત ગોવિંદ પાસે આવ્યો અને ગોવિંદનો હાથ પકડ્યો. ગોવિંદના માથામાંથી લોહી વહી રહ્યું હતું, છતાં તેના ચહેરા પર સ્મિત હતું. તેણે કહ્યું, “કંઈ થયું નથી. મારો હાથ પકડવો પડે એટલું પણ વાગ્યું નથી.”

ગોપાલ જાણવા માગતો હતો કે, શું બન્યુ છે? પણ ત્યારે તેની હિંમત થઈ નહીં. જે પોલીસવાળો હતો તેના શર્ટના બટન તૂટી ગયા હતા. તેના હાથમાં અસહ્ય દુઃખાવો થતો હતો. ડૉકટરે તેને તપાસ્યો અને પ્રાથમિક તારણ કાઢ્યું કે, ફ્રેક્ચર હશે. સાથે રહેલા પોલીસવાળાને કહ્યું, “આ સિપાહીને સિવિલ જ લઈ જાવ.”

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular