Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadગોપાલ તારા જામીન થઈ જાય પણ તને કામ આપીશ સારો માલ મળશે:...

ગોપાલ તારા જામીન થઈ જાય પણ તને કામ આપીશ સારો માલ મળશે: એક કેદીએ કહ્યું

- Advertisement -

(બે સપ્તાહ પછી)

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-23): જેલમાં આવી ગયેલા ગોપાલને લાગી રહ્યું હતું કે, જિંદગી હવે તેની ઇચ્છા પ્રમાણે ચાલી રહી છે. પણ એવું ક્યારેય કોઈની જિંદગીમાં થતું નથી. જિંદગી પોતાની રીતે પોતાની ઇચ્છાથી માણસને રમત રમાડતી હોય છે. માણસની સ્થિતિ કથપૂતળીની ઢીંગલી જેવી હોય છે.

- Advertisement -

જેલમાં રહેલા સલીમને પહેલેથી એકલા રહેવાની અને પોતાની જાત સાથે જ વાત કરવાની ટેવ હતી. જેથી તેને એકલતા સાલતી નહોતી. સલીમને દરેક સ્થિતિમાં પોતાની જિંદગીને ઢાળી લેવાની ટેવ હતી. તેની પાસે જિંદગીનું કોઈ સ્વપ્ન પણ નહોતું એટલે તે સવારે ઉઠે તેને જ જિંદગી માનતો હતો!



બીજી બાજુ ગોપાલની જિંદગી સ્વપ્નોથી ભરેલી હતી. તેને દિવસે પણ ખુલ્લી આંખોએ સ્વપ્ન જોવાની ટેવ હતી. તે રોજ રાહ જોતો હતો કે, આજે જામીન થશે, આવતીકાલે જામીન થશે. સલીમ પણ તેને આશ્વાસન આપતો કે, આપણા જામીન થઈ જશે. પણ સલીમને ખબર હતી કે, સ્થિતિ દેખાય છે એટલી સરળ નથી. તે કાયદો ભણ્યો નહોતો છતાં તેને જિંદગીએ ખૂબ પાઠ શીખવાડી દીધા હતા.

- Advertisement -


એ દિવસે એક પાકો કેદી બેરેકમાં આવ્યો. ગોપાલને કહ્યું, “તારી મુલાકાત છે.”

- Advertisement -

ગોપાલના ચહેરા પર ખુશી દોડી આવી. તેણે માની લીધું કે, આજે જેલમાં છેલ્લો દિવસ છે. તેના જામીન થઈ ગયા છે, એવા સમાચાર લઈને જ કોઈક આવ્યું હશે. પણ સલીમ જેવું વિચારતો હતો, તેવું જ ગોવિંદપણ  વિચારી રહ્યો હતો. ગોપાલનો કેસ સાંભળ્યા પછી ગોવિંદ સમજી ગયો હતો કે, જેલમાં ગોપાલનો વિસામો લાંબા સમયનો છે. આ પક્ષી જલદી અહીંયાથી બહાર જઈ શકે તેમ નથી. એટલે જ તેણે ગોપાલનો ચહેરો કરાવી ફાર્મસીમાં તેને કામ અપાવી દીધું હતું. મુલાકાત આવી છે, એવી ગોપાલને ખબર પડતા જ; તરત ઊભો થયો અને બેરેકમાં રહેલા મંદિરમાં જઈ ભગવાનને પગે લાગ્યો. દોડતો બેરેકની બહાર નીકળ્યો. જતાં જતાં સલીમને દૂરથી જ કહ્યું, “આવું છું.”

ગોપાલે મુલાકાત રૂમમાં જઈને જોયું તો નિશી ઊભી હતી. તેનો ચહેરો પડેલો હતો. ગોપાલને આશ્ચર્ય થયું. તે એકદમ જાળી પાસે આવીને ઊભો રહ્યો. જાળી પકડી નિશીને પૂછ્યું, “કેમ ચહેરો પડેલો છે?”

નિશી કંઈ બોલી નહીં. તેણે પોતાના હાથમાં રહેલા કાગળો બતાડ્યા. વચ્ચે જાળી હતી એટલે કાગળો અંદર આવી શકે તેમ નહોતા. ગોપાલ કંઈક વિચાર કરવા લાગ્યો. નિશી મુલાકાત રૂમમાં જે તરફ ઊભી હતી, તે તરફ નોકરી કરતો એક પાકા કામનો કેદી ઊભો હતો. ગોપાલે તેને બૂમ પાડીને બોલાવ્યો. તેને કહ્યું, “ભાઈ, આ કાગળો જોઈએ છે.” તેણે નિશીના હાથમાંથી કાગળ લીધા અને બહાર ગયો. હવે તે મેઇન ગેટથી કાગળો અંદર મુલાકાત રૂમમાં મોકલવાનો હતો.


નિશી અને ગોપાલ વચ્ચે કોઈ સંવાદ નહોતો. હજી ગોપાલના હાથમાં કાગળો આવ્યા નહોતા. તેને મામલો શું છે, તેની કંઈ જ ખબર નહોતી. કાગળોની રાહ જોતો ગોપાલ ક્યારે ભૂતકાળમાં સરી પડ્યો એની ખબર જ ન રહી.

નિશીએ એની તંદ્રાવસ્થામાં ખલેલ પહોંચાડતાં પૂછ્યું, “શું વિચારે છે?”

“કંઈ નહીં.” ગોપાલે નીચું જોઈને જ જવાબ આપ્યો.



નિશી વિમાસણમાં હતી કે, શું વાત કરે? કયા વિષયની વાત કરે? કદાચ ગોપાલની પણ મનોસ્થિતિ એવી જ હતી. એવામાં એક પાકા કામનો કેદી ગોપાલ પાસે આવ્યો. તેણે નિશીએ આપેલા કાગળો ગોપાલને આપ્યા. કાગળોમાં શું હતું, તેની નિશીને ખબર હતી; પણ ગોપાલને ખબર નહોતી. ગોપાલે કાગળો હાથમાં લીધા અને એકદમ ઉતાવળમાં છેલ્લું પાનું ફેરવીને છેલ્લો ફકરો વાંચ્યો.

તેને લાગ્યું કે, તેના પગની તાકાત હણાઈ ગઈ છે. તે ઊભો રહી શકે તેમ નથી. તેણે લોંખડની જાળી બહુ મજબૂત રીતે પકડી રાખી. નિશી કંઈ બોલી નહીં. ગોપાલ પાસે બોલવા જેવા કોઈ શબ્દ જ નહોતા.આજુબાજુ બીજા કેદીઓ અને તેમના પરિવારજનોની વાતોનો કોલાહલ હતો. પણ નિશી અને ગોપાલના કાન ઉપર જાણે એક પણ શબ્દ પડી રહ્યા નહોતો!

ત્યારે જ નિશીને એક સિપાહીએ કહ્યું, “ચાલો બહેન તમારી મુલાકાતનો સમય પૂરો થયો છે.”

નિશી કંઈ જ બોલી નહીં. તે પાછી ફરી મુલાકાત રૂમની બહાર નીકળી. તેવી જ સ્થિતિ ગોપાલની હતી. તે પણ કંઈ જ બોલ્યા વગર હાથમાં કાગળો લઈ, મુલાકાત રૂમની બહાર નીકળીને બેરેક તરફ જવા લાગ્યો. તેની ચાલની ગતિ એકદમ ધીમી હતી. તેને લાગી રહ્યું હતું કે, તેની બેરેક માઈલો દૂર છે. તે યાર્ડમાં પહોંચ્યો ત્યારે સલીમ તેને અંદર આવતો જોઈ રહ્યો હતો.


ગોપાલ પોતાના બિસ્તર પાસે પહોંચ્યો અને બિસ્તરમાં બેસી ગયો. સલીમે તેની સામે જોયું. ગોપાલે પોતાના હાથમાં રહેલા કાગળો તેની તરફ મૂક્યા. સલીમે કાગળો ઉપાડ્યા. તેણે પણ છેલ્લાં પાના પર છેલ્લે ફકરો વાંચ્યો. વાંચીને તેણે ગોપાલ સામે જોયું તો એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. સલીમ કંઈ બોલ્યો નહીં. તેણે ગોપાલની પીઠ પર હાથ મૂકયો. સલીમની નજર બેરેકના મંદિર તરફ ગઈ, જે ભગવાનને પગે લાગીને ગોપાલ બહાર નીકળ્યો હતો! તે દિવસે ગોપાલ જમ્યો પણ નહીં.



પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796




Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular