કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):“ શું તમામ ધર્મ (Religion)એક જેવા હોય છે. શું તેનો તર્કસંગત અને વૈજ્ઞાનિક વિચારથી કોઈ લેવાદેવા નથી? શું ધર્મ, આસ્થા, પરંપરા, અંધવિશ્વાસ અને માન્યતા અલગ-અલગ છે અને તેનો વિજ્ઞાન (Science)સાથેનો સંબંધ એકસરીખો નથી. અલગ-અલગ છે? વિજ્ઞાન અને ધર્મ એકબીજાના વિરોધી છે કે પૂરક? વિજ્ઞાન લોકોને અધર્મી બનાવે છે? ધર્માંધ સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિ વિકસી શકે કે કેમ? આ તમામ મુદ્દા મને લાંબા સમયથી હેરાન કરતા હતા અને અને આ પુસ્તક લખવાનું મુખ્ય કારણ તે જ છે.” વિજ્ઞાન સાથે ધર્મના આ પ્રશ્નો ઉઠાવનારા વિજ્ઞાનીનું નામ છે ગૌહર રઝા. વ્યવસાયે વિજ્ઞાની ગૌહર રઝાની (Gauhar Raza) ઓળખ ઉર્દૂ કવિ અને સામાજિક કાર્યકર્તા તરીકેની પણ છે. આટલું જ નહીં તેમણે લોકોને વિજ્ઞાન સરળતાથી સમજાય તે અર્થે ડોક્યુમેન્ટરી ફિલ્મો પણ બનાવી છે. આમ અનેક ક્ષેત્રોમાં પોતાની જાતને પુરવાર કરીને તેમણે વિજ્ઞાન અને ધર્મની ચર્ચા કરતું પુસ્તક ‘મિથકોં સે વિજ્ઞાન : બ્રહ્માંડ કે વિકાસ કી બદલતી કહાની તક’ લખ્યું છે.

પુસ્તકની પ્રસ્તાવના ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’ના પૂર્વ અધ્યાપક રહેનારા અને જાણીતા લેખક પુરષોત્તમ અગ્રવાલે લખી છે. પુરષોત્તમ અગ્રવાલની જે છબિ રહી છે તેથી આ પુસ્તક આધારભૂત માનીને તેના વિશે લખી શકાય. પુરષોત્તમ અગ્રવાલ પ્રસ્તાવનામાં લખે છે કે, “ટેક્નોલોજીના વ્યાપકતાએ વૈજ્ઞાનિક દૃષ્ટિનો પણ વિસ્તાર કર્યો છે? જવાબ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ટેક્નોલોજીના અભૂતપૂર્વ વ્યાપનો આ સમય તર્કહિનતા, અંધવિશ્વાસ અને અસહિષ્ણુતાના ભયભીત વ્યાપનો પણ સમય છે. આ અસંમજંસમાં સામૂહિક માધ્યમની ભૂમિકા જગજાહેર છે, જેની સામે ગૌહર સંકેત કરે છે. તેઓ રસપ્રદ વાત કરીને વાચકોનું ધ્યાન ખેંચે છે કે દિવસ-રાત વિજ્ઞાનની મર્યાદા દાખવનારા, બલકે વિજ્ઞાનની ટીકા કરનારા પોતાની વાતનો પ્રચાર કરવા માટે ટેક્નોલોજીના ખૂબ ઉપયોગ કરે છે. તેઓ એ વાત યાદ અપાવે છે કે ઓસામા બિન લાદેન જેવા ટેલિવિઝનને સામાન્ય લોકો માટે અધર્મી ગણાવે છે, પરંતુ દુનિયા સુધી પોતાની વાતને પહોંચાડવા તે ટેલિવિઝનનો જ ઉપયોગ કરે છે. આવાં દાખલા તમે જાતે પણ યાદ કરી શકો છો. આધુનિક ચિકિત્સા વિરોધમાં ઉપદેશ આપનારા, પોતાની જાતને સિદ્ધહસ્ત યોગી, બાબા વગેરે જ્યારે અસ્વસ્થ્ય થાય છે ત્યારે આધુનિક ચિકિત્સાના જ શરણે જાય છે.” વિજ્ઞાનની આવી પાયાની સમજને શબ્દોમાં ઉતારીને ગૌહર રઝાએ પ્રજા કેળવણીનું કામ કર્યું છે. સમય મુજબ કોઈ પણ ક્ષેત્રને નવી રીતે વ્યાખ્યાયિત કરવાની આવશ્યકતા ઊભી થાય છે અને વિશેષ કરીને છેલ્લા વર્ષોમાં જ્યારે આપણી આસપાસ બધું ધરમૂળથી બદલાઈ ચૂક્યુ હોય ત્યારે ખાસ. વિજ્ઞાનની સામાન્ય સમજ પાકી થાય એ માટે અનેક લોકોએ બલિદાન સુધ્ધા આપ્યું છે – એ તમામને ગૌહર પુસ્તકમાં યાદ પણ કર્યાં છે. અને એટલે પુસ્તકમાં એક ઠેકાણે લેખક લખે છે : “ધાર્મિક પરંપરા અને તેનાથી જોડાયેલા રિવાજોને વૈજ્ઞાનિક સિદ્ધ કરવા માટે જમીન-આકાશ એક કરી દેવામાં આવે છે. વિજ્ઞાનના સિદ્ધાંત અને ટેક્નોલોજીના ચમત્કાર ધાર્મિક ગ્રંથોમાં શોધી લેવામાં આવે છે. એવા લોકોને એ પ્રશ્ન કરવો યોગ્ય છે કે તેઓ એવું કહી શકે કે વિજ્ઞાન ભવિષ્યમાં કંઈ શોધ કરવા જઈ રહ્યું છે જેની વિગત અગાઉથી જ ધર્મગ્રંથમાં લખેલી છે. આવાં લોકોને એ પણ પ્રશ્ન કરવો જોઈએ કે તેમના ધર્મગ્રંથોમાં અને પ્રાચીન કાળમાં તમામ શોધ અને આવિષ્કાર દર્શાવવવામાં આવ્યા છે તો પેઢી દર પેઢી લોકો તેને સાવ ભૂલાવી દીધા છે. જ્યારે આજે વિજ્ઞાનીઓ કશુંક શોધ કરે છે ત્યારે જ તેમને સ્મૃતિમાં આવે છે કે આ તો ગ્રંથોમાં અગાઉથી જ લખેલું છે. આવા તમામ દાવાઓ એક અપરિપક્વ દિમાગમાંથી નીકળી શકે છે અને આ હિનભાવનાનું પ્રમાણ છે.”
વિજ્ઞાનને પાયાથી અને સરળતાથી ગૌહર રઝા પુસ્તકમાં સમજાવે છે અને તે માટે તેમણે પ્રથમ પ્રકરણમાં તેની વિગતે ચર્ચા કરી છે. ‘વિજ્ઞાન શું છે?’ તે પ્રકરણમાં તેઓ લખે છે : “આમ તો એક સામાન્ય અને સરળ પ્રશ્ન છે. એટલો સરળ લાગે છે કે ઘણી વાર તેનો અર્થ પૂછવાની જરૂર આપણને વર્તાતી નથી. જો ક્યારેય ‘વિજ્ઞાન’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો એ માની લેવામાં આવે છે કે સાંભળનાર અને વાંચનાર જાણે છે કે કયા વિષય અંગે વાત થઈ રહી છે. બિલકુલ એ રીતે જે રીતે ‘લોકતંત્ર’, ‘ઇતિહાસ’, ‘સંસ્કૃતિ’, સાહિત્ય’, ‘પરંપરા’, ‘ધર્મ’ વગેરે જેવાં શબ્દોનો આપણે સહજતાથી ઉપયોગ કરીએ છીએ કે જાણે આ શબ્દોનો કોઈ અવળો અર્થ કાઢશે નહીં. આ શબ્દો આપણી વાતચીત, રહેણીકરણી અને વિચારમાં એટલાં ભળી ગયા છે કે તેને વ્યાખ્યાયિત કરવાની કે સમજાવવાની કોઈ આવશ્યકતા જોવામાં નથી આવતી. પરંતુ જો કોઈ સ્પષ્ટ શબ્દોમાં જાણવા માગે કે વિજ્ઞાન શું છે?- તો મુશ્કેલી ઊભી થાય. બિલકુલ એ રીતે જેમ કોઈ કહે કે – સમજાવો કે લોકતંત્રનો અર્થ શું છે? – તો તેનો ઉત્તર આપવો સરળ નહીં હોય. સાથે જ તેનો એક નહીં પણ અનેક ઉત્તર હોઈ શકે.”
ગૌહર રઝા તેમની આ વાતને સમર્થન માટે આપણે જે આજકાલ સામાન્ય રીતે કરીએ છીએ તે રીતભાત તેમણે મૂકી છે. તેઓ આ શબ્દના અર્થ માટે ગૂગલ પર ગયા અને સર્ચ કર્યું. જેમ કે લખ્યું કે ‘લોકતંત્ર શું છે?’ – આના જવાબમાં કરોડોમાં રિઝલ્ટ દાખવ્યા અને એ રીતે ‘વિજ્ઞાન’ની સમજ માટે પણ સર્ચ એન્જિનમાં કરોડોમાં પરિણામ આવ્યા. જે શબ્દો અને વિચાર આપણી સામાજિક માન્યતાનો ભાગ બની જાય છે તેને વ્યાખ્યાયિત કરવાની આવશ્યકતા ઊભી થતી નથી. આપણે તેને વિચાર કર્યા વિના ઉપયોગ કરીએ છીએ, એવું પણ વિચાર્યા વિના કે અલગ-અલગ દેશકાળમાં આ શબ્દોના અર્થ બદલતા રહ્યા છે અને માત્ર અલગ દેશોમાં જ નહીં એક જ દેશમાં અલગ-અલગ વર્ગ કે સંસ્કૃતિમાં આ શબ્દના અર્થ બદલાતા રહ્યા છે.
આવી સામાન્ય સમજ વળોટીને આપણે ખૂબ આગળ નીકળી જઈએ છીએ, જેમાં પાયાની વાતનો છેદ ઊડી જાય છે. અને જ્યારે ગૌહર રઝાની જેમ કોઈ સાવ એકડેએકથી વાત માંડે ત્યારે તેમાં નવું બ્રહ્માંડ જેટલું જ્ઞાન રજૂ થાય છે. વિજ્ઞાનની વાત કરનારા ગૌહરને 2016માં ઝી ન્યૂઝ દ્વારા ‘રાષ્ટ્રવિરોધી’ હોવાનું લેબલ લગાવી દેવામાં આવ્યું હતું. બન્યું હતું એમ કે એ વર્ષમાં 5 માર્ચના રોજ શંકર-શાદ મુશાયરા થયો હતો. તેમાં ગૌહર રઝાને ‘અફઝલ પ્રેમી ગેન્ગ’ અને ‘દેશદ્રોહી’ એમ કહીને ઝી ન્યૂઝે બદનામ કર્યા હતા. આ માટે ઝી ન્યૂઝે એક ખોટો વિડિયો દર્શાવ્યો. આ મુદ્દો સામે આવ્યો તે પછી ગૌહર રઝાના થયેલા ઇન્ટરવ્યૂમાં તેઓ સ્પષ્ટતા કરે છે કે, તેમના કવિતામાં ક્યાયે અફઝલ ગુરુનો ઉલ્લેખ આવતો નથી. ઉપરાંત તેઓ એવું પણ કહે છે કે જેઓ તેમનું કામ જાણે છે તેઓને ખબર છે કે હિંસા, આંતકીઓ ને જેહાદીઓના વિરોધમાં તેમણે ખૂબ લખ્યું છે. અફઝલ ગુરુ ભારતીય સંસદ પર થયેલા હુમલામાં દોષી ઠર્યો હતો અને 2013માં તેને ફાંસીની સજા થઈ હતી. કોઈ આધાર વિના ગૌહર રઝા પર આવો આરોપ લાગ્યો હતો અને તેની સ્પષ્ટતા પણ તેમણે જાહેરમાં કરી હતી.
ગૌહર રઝા જે ઉદ્દેશથી માનવીનું જીવન સાર્થક બની શકે તે અંગે પુસ્તકમાં આગળના પૃષ્ઠમાં ‘સવાલ તો પૂછના હોગા’ એમ કરીને વિસ્તૃત વાત લખી છે. તેમાં આખરે લખે છે કે –હમેં પૂછના હોગા કિ ક્યા સૃષ્ટિ કે ઇસ સફર કો જારી રખના હૈ યા નહીં, હમેં અમન ઔર શાંતિ કે હક મેં અપને દિમાગ કા ઇસ્તેમાલ કરના હૈ યા, જંગ હમારી લક્ષ્ય હોગી, જિંદગી કે છોટે છોટે સ્વાર્થ પૂરે કરને કી ચાહ મેં, હમ ભૂલ જાત હૈ, સૃષ્ટિ ને માનવતા કે લિએ ઔર મહાન લક્ષ્ય ભી ચુના હૈ, પ્રકૃતિ કે રહસ્યોં કો જાનને-સમજને કા લક્ષ્ય, વિજ્ઞાન ઇસી લક્ષ્ય કી ચાહ મેં લગાતાર બઢતે રહને કા નામ હૈ.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796