નવજીવન ન્યૂઝ.મોરબીઃ વિદેશમાં વધુ એક વખત ગુજરાતીના મોતને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. હાલમાં પ્રાપ્ત અહેવાલો પ્રમાણે વધુ એક ગુજરાતનીનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. જેને લઈને તપાસ શરૂ થઈ છે. સાથે જ પરિવારે તેના મૃતદેહને પાછો વતન લાવવાની તૈયારીઓ આરંભી છે.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપર ગામના યુવક જયદીપસિંહ ડોડીયા (ઉ.વ.29) ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં શંકાસ્પદ સ્થિતિમાં મૃત પાયાં મળતાં પરિવારમાં અને ગામમાં શોકની લાગણી છવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જયદીપસિંહ છેલ્લાં સાત વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયામાં નિવાસ કરે છે અને ત્યાં નોકરી પણ કરતા હતા. એક વર્ષ પૂર્વે તેમણે લગ્ન કર્યા હતાં અને ત્યારબાદ પત્નીને પણ ઓસ્ટ્રેલિયા લઇ ગયા હતા.
1 જૂનની રાત્રે તેઓ કામ પર ગયા બાદ પરત ન ફરતા પત્નીએ આગામી દિવસે એટલે કે 2 જૂને પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ બાદ 6 જૂને તેમના નિવાસ સ્થાનની નજીક આવેલી નદીના કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ શરૂ કરાઈ છે. પરિવારજનો દ્વારા તેમના દેહને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે ભારતીય દૂતાવાસ તથા રાજ્ય અને કેન્દ્ર સરકારને પણ સંપર્ક કરવામાં આવ્યો છે. યુવકના અચાનક મૃત્યુથી મેરૂપર ગામમાં શોકની લાગણી ફેલાઈ છે અને સમગ્ર ગામમાં સત્વિચ્છાની લાગણી છે. પ્રથમ દ્રષ્ટિએ મોત શંકાસ્પદ ગણાવાયું છે અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.