Thursday, April 30, 2026
HomeGujaratબાળકને કયા મિડીયમમાં ભણવુ જોઈએ ? ઈગ્લીશ કે ગુજરાતીમાં

બાળકને કયા મિડીયમમાં ભણવુ જોઈએ ? ઈગ્લીશ કે ગુજરાતીમાં

- Advertisement -

દયાળ એટલે મારી અટક સાંભળ્યા પછી અનેક વખત મને મળનાર વ્યકિત મારી જ્ઞાતિ જાણવાનો પ્રયત્ન કરે છે, મને જયારે પણ આ પ્રશ્ન પુછવામાં આવ્યો છે ત્યારે મારો જવાબ રહ્યો છે, મારો જન્મ મરાઠી પરિવારમાં થયો પણ મારી માતૃભાષા ગુજરાતી છે, હું જયારે કહુ કે હું મરાઠી પરિવારથી છુ ત્યારે તરત બીજો પ્રશ્ન આવે કે તો પછી તમારૂ વતન તો મહારાષ્ટ્ર હશેને, મહારાષ્ટ્રમાં કયાના, ત્યારે મારે ફરી સ્પષ્ટતા કરવી પડે કે મારે મહારાષ્ટ્ર સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી,, ગુજરાતમાં હું આઠમી પેઢી છુ, 1960 પહેલા ગુજરાત મહારાષ્ટ્ર એક જ રાજય હતું, પણ 1960માં ગુજરાત મહારાષ્ટ્રના વિભાજન બાદ મારા દાદાએ ગુજરાતમાં રહેવાનું પસંદ કર્યુ, મને યાદ છે અને ખબર છે ત્યાં સુધી મારા દાદાએ આપણે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું તેની પરંપરા શરૂ કરી હતી.

2001માં મારો દિકરો આકાશ પાંચ વર્ષનો થયો ત્યારે મારા ઘરમાં પણ પ્રશ્ન ઉદ્દભવ્યો કે આકાશ કયા માધ્યમમાં ભણશે, મારી પત્ની શીવાનીનો આગ્રહ હતો કે આકાશ અંગ્રેજી માધ્યમમાં ભણે, કદાચ અંગ્રેજી બોલતુ બાળક કેવુ સુંદર લાગે છે તેવી જ કોઈ માન્યતાનો તેની ઉપર પ્રભાવ હતો, મારા પિતા અને હું પણ ગુજરાતી માધ્યમમાં જ ભણ્યા, ઘરની બોલચાલની ભાષા મરાઠી હોવા છતાં ભણવાનું તો ગુજરાતીમાં તે પરંપરા રહી છે, પણ હવે આકાશના મુદ્દે મારે અને શીવાનીએ નિર્ણય કરવાનો હતો, શીવાનીના પિયરમાં મરાઠી બોલાય છે, પણ તેણે પણ શિક્ષણ ગુજરાતીમાં લીધુ હતું, મેં શીવાનીને પુછયુ શીવાની તને વિચાર મરાઠીમાં આવે છે કે ગુજરાતીમાં .. તેણે સહેજ વિચાર કર્યો અને કહ્યુ ગુજરાતીમાં..મેં કહ્યુ જે ભાષામાં આપણને વિચાર આવે છે તે જ આપણી માતૃભાષા છે.

- Advertisement -

ઘરમાં મરાઠી બોલાતી હોવા છતાં કયારેય વિચાર તો ઠીક પણ સ્વપ્ન પણ મરાઠીમાં આવતુ નથી આપણને વિચાર અને સ્વપ્નઓ પણ જો ગુજરાતીમાં આવતા હોય.તે આપણે પાક્કા ગુજરાતી છે, તો પછી આપણે આકાશને ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરાવવો જોઈએ, શીવાની મારી વાત સાથે સંમત્ત થઈ અને આકાશે સ્કુલનું શિક્ષણ ગુજરાતી ભાષામાં લીધુ, આપણને ડર લાગતો હોય છે કે ગુજરાતી માધ્યમમાં ભણતા બાળકનું અંગ્રેજી નબળુ હોય છે અને તે અંગ્રેજીમાં અભ્યાસ કરતા બાળકો સાથે હરિફાઈ કરી શકતો નથી, મારો અનુભવ કહે છે આ એક ખોટી માન્યતા છે, અંગ્રેજીમાં અભ્યાસ કરનાર બાળક તેના શિક્ષણ દરમિયાન મનમાં પહેલા ગુજરાતીમાં વિચાર કરે છે અને પછી તે વિચારનું અંગ્રેજી રૂપાંતરણ કરે છે આમ અંગ્રેજી ભણનાર બાળકને બેવડી માનસીક પ્રક્રિયા કરવી પડે છે.

આકાશે સ્કુલનું શિક્ષણ ગુજરાતીમાં લીધા પછી ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજયુએશન અંગ્રેજી માધ્યમમાં કર્યુ અને  સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરી  તે એક સરકારી બેન્કમાં અધિકારી છે, આમ માત્ર અંગ્રેજી જ નહીં વિશ્વની કોઈ પણ ભાષા ભણવી ઉત્તમ બાબત છે, પરંતુ આપણી માતૃભાષાના ભોગે અન્ય ભાષા તરફનો પ્રેમ થોડે કઠે તેવો છે આમ છતાં કોઈ બાળક અંગ્રેજી માધ્યમમાં ભણે તો પણ વાંધો નથી, પરંતુ તે બાળકની સાથે ઘરમાં પણ તેના માતા પિતા ગુજરાતીમાં વાત કરવાને બદલે અંગ્રેજીમાં વાત કરતા થઈ જાય છે, જો આવુ જ થશે તો આપણે ગુજરાતી હોવાનું ગૌરવ કયારેય લઈ શકીશુ નહીં, હમણાં ગુજરાતી પત્રકારત્વના 200મા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે મને સવાયા ગુજરાતી હોવાનું ગૌરવ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular