નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ટ્રાફિકના નિયમોને લઈ ગુજરાત સરકાર સતર્ક બની છે, ટ્રાફિકના અવનવા નિયમો બાદ હવે ફરીથી વાહનચાલકો માથે નવું સંકટ તોળાયુ છે. આજથી ગુજરાત રાજ્યના ટ્રાફિક ચલણ માટે અમદાવાદમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. જેના દ્વારા વાહન ચાલકોને ડાયરેક્ટ તેના મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ ફટકારવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ અને RTOના ચલણ સાથે વન નેશન વન ચલણ પ્રોજેક્ટના સફળ સંકલન હેઠળ ગુજરાતની પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્ટ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે શરૂ કરાઈ છે. જેમાં જો વાહનચાલકો હવે ઈ-ચલણ દંડની રકમ 90 દિવસની અંદર નહીં ભરે તો આપમેળે ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટમાં જશે. ત્યાર બાદ વાહન જેના નામ પર રજીસ્ટર્ડ હશે તે વાહન માલિકના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ (SMS) દ્વારા ટ્રાફિક કોર્ટ દ્વારા ટ્રાફિક નિયમ ભંગની નોટિસ ફટકારવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. પરંતુ કેટલાંક નિયમભંગુઓ ચલણ ભરતા જ નથી. ત્યારે રાજ્ય સરકારે તેવા લોકો માટે થઈ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની જોગવાઈ કરવી પડી છે. જેમાં આવા નિયમભંગુઓને ટ્રાફિકના નિયમ ભંગ બદલ ઈ-ચલણ ફટકાર્યા બાદ પણ 90 દિવસની મુદત આપવામાં આવી છે. તેમ છતાં જો નિયમભંગુઓ તૌરમાં રહેશે અને ઈ-ચલણ નહીં ભરે તો હવે તેમનું ઈ-ચલણ ટ્રાફિક કોર્ટમાં જશે અને મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. જેમાં કોર્ટનું એડ્રેસ તેમજ કંઈ તારીખે અને કયા સમયે મેજિસ્ટ્રેટ સામે હાજર થવાનું છે તે અંગેની વિગતો પણ નોટિસમાં દર્શાવવામાં આવશે.
જો કે ટ્રાફિકના આટલા બધા નિયમો હોવા છતાં જો ટ્રાફિકના નિયમોનું શિક્ષિત પ્રજા પાલન ન કરી શકતી હોય, ઈ-ચલણમાં મુદત હોવા છતા દંડની રકમ ન ભરી શકતી હોય ત્યારે એ કહેવુ અશક્ય છે કે શું હવે વાહન ચલાવતા નિયમભંગુઓને આ કાયદાનો કે કોર્ટનો ડર રહેશે કે કેમ? તો બીજી બાજુ ગુજરાત સરકારે પણ આવી પહેલ કરીને સાબિત કર્યુ છે કે ટ્રાફિકના સંકલન માટે તે પણ હવે સંતુલન જાળવવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે સવાલ એ થાય કે, ટ્રાફિક નિયમના ભંગ બદલ ટ્રાફિક કોર્ટ રાજકીય નેતા પર પણ આટલી જ આકરી સાબિત થશે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796